રાજા ઈન્દ્રે ભાદરવા વદ એકાદશીનું વ્રત કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આ વ્રતના પ્રભાવે તેમનાં માતા-પિતાનો મોક્ષ થયો હતો. એની યાદ અપાવતી એકાદશી `ઈન્દ્ર’ કે `ઈંદિરા’ એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી અધ:પતન પામેલા પિતૃઓને સદ્ગતિ અને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, `સતયુગમાં મહિષ્મતિ નગરીમાં ઈન્દ્રસેન નામે પ્રજાપાલક રાજા થઈ ગયો. એક દિવસ તેની સભામાં નારદજી આવી પહોંચ્યા. રાજાએ પ્રણામ કરીને તેમનો આદર-સત્કાર કર્યો અને પૂજન-અર્ચનના પ્રકારો અંગે પ્રશ્ન કર્યો. નારદજીએ પૂજાના ત્રણ શ્રેષ્ઠ પ્રકારો કહી સંભળાવ્યા.’
- વૈદિક પ્રકાર : પુરુષસુક્ત, સુવર્ણ ધર્મ, મહાપુરુષ વિદ્યા, રાજન સામગાન, વ્રતવિધિમાં પ્રથમ પુષ્પાંજલિથી પ્રારંભ, અભિષેક, ગંધ, પુષ્પ અને નૈવેદ્યથી પંચોપચાર, દશોપચાર, ષોડ્શોપચાર, શંખોદક, અતો દેવા મંત્રથી, વરુણ મંત્રો, નારાયણ સુક્ત બાદ ધૂપ-દીપ, ત્યારપછી ઉત્તર પુષ્પાંજલિ અને ધ્યાન. પછી વિસર્જન મંત્રો, પૂજા પરિપૂર્ણ થયે સત્વરે પાટલો છોડી દેવો નહીં. મુહૂર્તો ક્ષણિકો ભવેત્: ઉદ્ભવેલો આહ્લાદ થોડી વાર અનુભવવો, વાગોળવો.
- તાંત્રિક પ્રકાર : ન્યાસ, મુદ્રા, ગૃહમંડપ, ભૂમિપૂજન, કળશ સ્થાપના, ભજન-કીર્તન, ધૂન વગેરે. આ પ્રદર્શનીય વસ્તુ બને છે.
- મિશ્ર પ્રકાર : સંસ્કૃત અને પ્રાકૃત સ્ત્રોતો, સ્તવનો, રામલીલા, કૃષ્ણલીલા, લોકપ્રાધાન્ય પ્રયોગો વગેરે માન્ય ગણાય છે. મુમુક્ષુ માટે તો વૈદિક પ્રણાલિકા જ કામની અને તે પણ વિધિસર અનુસરવી જોઈએ. પૂજા-પાઠ, હોમ-હવન, મંત્ર-જાપ, એમાં જ સર્વસ્વ માનવાનું નથી. ચિત્ત નિર્મળ કરવા આ બધી ક્રિયા જરૂરી છે. ચિત્ત નિર્મળ થયા પછી જ જ્ઞાન સંઘરવાની પાત્રતા સર્જાય છે. પાત્રતા સર્જાઈ ગયા પછી ઉપાસના ગૌણ બને છે. પૂજામાં જે વૈદિક સુક્તો ભણીએ છીએ તેમાં પરમ તત્ત્વને ઓળખવાની સામગ્રી જ ભરી છે. નારદજી કહે છે, `હે રાજન્! પૂર્વજોના ગુણોનું સતત ચિંતન અને આચરણ એ જ તેમનું સાચું શ્રાદ્ધ છે. પૂર્વજન્મના કર્મ અનુસાર જ પ્રારબ્ધ ઘડાય છે અને આ ભવમાં કરેલાં કર્મ અનુસાર આગામી ભવનું પ્રારબ્ધ બંધાય છે.
નારદજી આગળ કહે છે, `હે ઈન્દ્રસેન! પાપ પ્રત્યે તિરસ્કાર કે ધિક્કાર એ જ ગમે ત્યારે પાપનો નાશ કરનારું તીક્ષ્ણ શસ્ત્ર બને છે. પાપના વિષચક્રમાં એક વાર ફસાઈ ગયા પછી સંત-સમાગમ વિના બહાર નીકળી શકાતું નથી. પાપનો બાપ છે લોભ અને પાપની મા છે મમતા. અંત:કરણમાં પાપી વિચાર ઊગે કે તરત જ ડામી દો, જરાય વિલંબ ન કરો.’
ઈન્દ્રસેનને નારદજી ઈન્દ્ર એકાદશીનું વ્રત કઈ રીતે કરવું એની વિધિ સમજાવે છે. આ એકાદશીના દિવસે પ્રાત:કાળે ઊઠી જળાશયે જઈ સ્નાન કરવું. દુર્ગતિ પામેલા પિતૃઓને સદ્ગતિ મળે તે માટે તથા પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. આગલા દિવસે એક ટાણું ભોજન કરીને રાત્રે જમીન પર શયન કરવું. પછી દૃઢ સંકલ્પ કરવો કે હું એકાદશીનો ઉપવાસ કરીશ.
ત્યારપછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવાં. જે રસોઈ વધી હોય તે ગૌમાતાને ખવડાવવી, રાત્રે જાગરણ કરવું. દ્વાદશીના દિવસે સવારે શ્રીહરિનું પૂજન-અર્ચન ઉપરોક્ત વિધિ અનુસાર કરવું. આ પ્રમાણે ઉપદેશ આપીને નારદ મુનિ અંતર્ધાન થઈ ગયા. રાજાએ તેમના આદેશ અનુસાર ઈન્દ્ર એકાદશીનું વ્રત કર્યું. આથી ઈન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થઈ છે.’