- તમારે તમારી ઊર્જાઓને અંદરની તરફ વાળવી જોઈએ અને અંદરની તરફ જોવું જોઈએ
અંદર તરફ વળવાની પ્રક્રિયા કોઈ ચોક્કસ જૂથ સાથે સંબંધિત નથી. ભલે તે ગૌતમ બુદ્ધ હોય, ઈસુ હોય, કૃષ્ણ હોય કે રામ હોય, તેઓએ જે કંઈ પણ શરૂ કર્યું તે તમારા જીવનને શુદ્ધ કરવા, તમારા જીવનને સામાન્ય જીવનની સીમાઓથી પરે લઈ જવા માટે અને દિવ્ય હોવાની સ્વતંત્રતાને જાણવા માટે હતું. તે ફક્ત એટલું જ છે કે તેઓ તે સમયે તેમની આસપાસના લોકો માટે જે યોગ્ય હતું તે મુજબ બોલતા હતા. તેઓ જે રીતે બોલ્યા તે મૂળભૂત રીતે તેઓ જેમાં રહેતા હતા તે સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય પરિબળો પર આધારિત હતું, પરંતુ જો તમે ખરેખર તેમના શિક્ષણના સાર પર નજર નાખો, તો તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ વિશ્વના કયા ભાગ અથવા કઈ સંસ્કૃતિમાંથી આવ્યા છે, જ્યાં પણ કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ બોલી છે, તે હંમેશાં લોકોને અંદરની તરફ વાળવા વિશે હતું.
જો આપણે ખ્રિસ્તી ધર્મને ઉદાહરણ તરીકે લઈએ, તો તમારે સમજવું જોઈએ કે, ઈસુ શરૂઆતમાં ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણમાં કામ કરી રહ્યા હતા. તેથી શરૂઆતમાં તેમણે સ્વર્ગમાં જવા વિશે ઘણીબધી વાતો કહી, ભગવાન તમારા માટે શું કરશે અને ભગવાનના સામ્રાજ્યમાં કેવી રીતે પહોંચવું તેવું કહ્યું, પરંતુ જ્યારે લોકો ખરેખર તેમની આસપાસ એકઠા થયા, ત્યારે તેમણે બદલ્યું અને કહ્યું કે ભગવાનનું સામ્રાજ્ય તમારી અંદર છે. તેથી જો ભગવાનનું સામ્રાજ્ય તમારી અંદર છે, તો તમારે તમારી ઊર્જાઓને અંદરની તરફ વાળવી જોઈએ અને અંદરની તરફ જોવું જોઈએ. તમારે સ્વાભાવિક રીતે ધ્યાનમય બનવું જોઈએ.
તો જો તમે શિક્ષણના સારને જાણો, તો આખી વાત અંદરની તરફ વળવાની છે. ગૌતમ બુદ્ધ ધ્યાન કરવા વિશે સીધી વાત કરી શક્યા, કારણ કે તેમની આસપાસના લોકોની ક્ષમતા અને તેમની આસપાસનું સામાજિક માળખું એકદમ જુદું હતું. ઈસુ આવા લોકો મેળવવા જેટલા ભાગ્યશાળી ન હતા. તેમના અનુયાયીઓ સરળ લોકો હતા – માછીમારો, ખેડૂતો અને બજારમાં કામ કરનારા લોકો. તેઓ તેમની સાથે તે સ્તર પર વાત કરી શકે તેમ નહોતા તેથી તેમણે પોતાની ભાષામાં વાત કરી, પરંતુ તે કંઈ જુદું બોલ્યા નહોતા કે કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિએ, દુનિયામાં કોઈ પણ સમયે, `ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર છે’ સિવાય બીજું કંઈ કહ્યું નથી. તે માત્ર એટલું જ છે કે તેઓએ તેને ઘણી જુદી જુદી ભાષાઓમાં અને જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે, પરંતુ મૂળભૂત રીતે તેઓ તમને એ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તમારા આનંદ અને સુખનો સ્ત્રોત બહાર નથી, તે તમારી અંદર છે.
જો તમે અંદરની તરફ વળો તો જે જાણવાની જરૂર છે તે બધું જાણી શકાય છે. જો તમે ખરેખર અસીમ બનવાની આકાંક્ષા પૂરી કરવા માંગતા હો, તો તમારે જોવા માટે એકમાત્ર જગ્યા અંદરની તરફ છે. જો તમે બહારની તરફ જોશો, તો તમે હંમેશાં નિરાશ થશો, કારણ કે બહાર તમે જે કરી શકો અને જે ન કરી શકો તેની એક સીમા હોય છે. અંદર કોઈ સીમા નથી; તમે અસીમ સંભાવનાઓ સુધી પહોંચી શકો છો.