- બે દાયકામાં ભારતમાં હૃદયરોગના દર્દીઓમાં 40 થી 45% નો વધારો
- બિનસ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનાં કારણે યુવાનોમાં હૃદયરોગનું જોખમ
- બાળકો પણ બની રહ્યા છે હૃદયરોગનો શિકાર
છેલ્લા બે દાયકામાં ભારતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 થી 45% જેટલો વધારો થયો છે, જ્યારે અમેરિકામાં આ જ સમયગાળામાં હૃદય રોગમાં લગભગ 41%નો ઘટાડો થયો છે. અમેરિકામાં, 1990 થી હૃદયરોગના કારણે મૃત્યુદરમાં 41 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં આ જ સમયગાળા દરમિયાન આ દર લાખની વસ્તી દીઠ 155.7 થી વધીને 209.01 થયો છે. હૃદયરોગ એ જીવનશૈલી આધારિત રોગ છે, તેથી તેમાં ઘણા જોખમી પરિબળો સામેલ છે. વધુ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, અનિયંત્રિત બ્લડ સુગર લેવલ, ડાયાબિટીસ, મસાલેદાર ખોરાકનું વધુ પડતું સેવન, તમાકુનું સેવન તેમજ ધૂમ્રપાનનાં કારણે યુવાનોમાં હૃદયરોગનાં જોખમમાં ઝડપથી વધારો થયો છે.
યુવાનોમાં ફાસ્ટ ફૂડ તરફનો ઝૂકાવ
આજકાલ યુવાનોમાં તળેલા અને ફાસ્ટ ફૂડ તરફનું આકર્ષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મહદઅંશે તેમાં વપરાતા તેલનું પ્રમાણ પણ વધુ હોય છે અને તેની ગુણવત્તા પણ સારી હોતી નથી. યુવાનોમાં ઝડપથી વધી રહેલા કોલેસ્ટ્રોલનું એક કારણ તળેલા ખોરાકનું વધુ પડતું સેવન છે. યુવાનોમાં હૃદયરોગમાં ઝડપથી વધારો થવા પાછળનું એક મુખ્ય કારણ રેડીમેડ અને ઈન્સ્ટંટ ફૂડનું સેવન છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.
બાળકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધ્યું છે. આજનાં સમયમાં બાળકો ઘરમાં બનેલો પોષણક્ષમ આહાર ખાવાને બદલે તળેલા ખોરાક અથવા જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય બાળકો શારીરિક પ્રવૃત્તિને બદલે સોશિયલ મીડિયા પર અથવા ઓનલાઈન ગેમ રમવામાં ઘરે વધુ સમય વિતાવે છે. આ કારણે બાળકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળી રહી છે. જો બાળકો કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરે અને દરરોજ બહારનો ખોરાક ખાય તો તેઓ જલ્દી જ હૃદયની બીમારીઓનો શિકાર બની શકે છે.
આ લક્ષણો દેખાય તો તરત જ હૃદયની તપાસ કરાવો
હાર્ટ એટેક આવતા પહેલા દરેક વ્યક્તિમાં અલગ અલગ લક્ષણો દેખાઈ શકે છે. સામાન્ય રીતે, મોટાભાગના લોકોને છાતીમાં દુખાવો, જકડાઈ જવી, ખભામાં દુખાવો, શરીરમાં ભારે થાક, ઊંઘમાં મુશ્કેલી, ઝડપી ધબકારા અને હાર્ટ એટેકના થોડા દિવસો અથવા થોડા કલાકો પહેલા ચાલ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સોજાની સમસ્યા શરૂ થાય છે. આ સિવાય શરીરમાં નબળાઈ, ચક્કર આવવા, માથું ચક્કર આવવા, ઉબકા આવવા, ઉલ્ટી થવી અને પેટ ખરાબ થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. સામાન્ય રીતે, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો લગભગ સમાન હોય છે. રાત્રે સૂતી વખતે સતત નસકોરાં લેવાથી કે પૂરતી ઊંઘ ન આવવાથી પણ હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ચાલતી વખતે પગમાં દુખાવો થવો અને પગમાં સોજો આવવો એ પણ હાર્ટ એટેકના લક્ષણોમાંનું એક છે.
આ કારણે આવે છે હાર્ટ એટેક
હાર્ટ એટેકનું મુખ્ય કારણ આપણા શરીરની રક્ત વાહિનીઓમાં અવરોધ છે. હાર્ટ એટેકના જોખમથી બચવા માટે શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું સૌથી વધુ જરૂરી છે. કોલેસ્ટ્રોલ લોહીને ઘટ્ટ કરે છે અને તેના કારણે હૃદયને વધુ શ્રમ પડે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો બ્લોકેજની શક્યતા પણ વધી જાય છે. આ સિવાય જો શરીરમાં ડાયાબિટીસ નિયંત્રણમાં ન હોય તો તે હૃદયને સૌથી વધુ નુકસાન કરી શકે છે. કારણ કે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ સતત વધતું અને ઘટતું રહે છે અને જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે હાર્ટ એટેકનું મુખ્ય કારણ બની શકે છે. સામાન્ય રીતે પુરુષોમાં 40 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.
જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો સજાગ રહો
હાઈ બ્લડ પ્રેશર પણ હાર્ટ એટેકની મુખ્ય નિશાની માનવામાં આવે છે. જો બ્લડ પ્રેશર સતત ઊંચું રહે તો હૃદયને કામ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં હૃદયના સ્નાયુઓ પર દબાણ આવવાથી હાર્ટ એટેક આવી શકે છે. આ સિવાય જે લોકો આનુવંશિક રીતે હ્રદયરોગથી પીડાય છે તેમણે પણ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
દરરોજ 40 મિનિટ કાર્ડિયો કસરત કરો
અનિયમિત જીવનશૈલીના કારણે શરીરમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘર કરી જાય છે. દરરોજ લગભગ 45 મિનિટ ઝડપી ચાલવાથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઓછું થાય છે. જો તમે ઝડપથી ચાલવા માંગતા ન હોવ તો તેના બદલે તમે કેટલીક અન્ય કાર્ડિયો કસરતો કરી શકો છો. આ કસરતોમાં સાયકલિંગ, સ્વિમિંગ અથવા દોરડા કૂદવા જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે દરરોજ લગભગ 30 થી 40 મિનિટ ચાલવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે. આ સિવાય તમારે તમારા આહારમાં વધુ ફાઈબર અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.