શાળાએ જતી સગીરાનું કારમાં ઉઠાવી ગયા હતા : બે શખ્સોની ધરપકડ
વિસાવદરમાં ગઇકાલે સવારે શાળાએ જતી ધો.૧૧ની છાત્રાનું તેની બહેનપણીની નજર સામે જ બે ઇસમોએ કારમાં અપહરણ કરીને ઉઠાવી ગયાની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાકીદે કારને ટ્રેક કરીને બંને ઇસમોને ઝડપી લીધા હતા અને સગીરાને મુકત કરાવી હતી.
ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું કે વિસાવદરમાં રહેતા એક પરિવારની ૧૬ વર્ષની દિકરી જે ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે તેણીએ શાળાએ જવા માટે બહેનપણી સાથે ચાલીને જતી હતી. ત્યારે રસ્તામાં જૂની મેઇન બજાર પાસે અચાનક કારમાં આવેલા બે શખ્સોએ સગીરાનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. આ અંગે સગીરાના પિતાએ પોલીસને જાણ કરતા પીઆઇ આર.બી.ગઢવી સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને જે સ્થળે અપહરણ થયેલું તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી કાર નંબર મેળવી કાર અને મોબાઇલ નંબર ટ્રેક કરીને કારને રાજકોટના લોધીકા પાસેથી પકડી પાડી હતી. તપાસમાં જૂનાગઢનો મધુરમમાં રહેતો જય મયુર સુખાનંદી નામનો યુવક સગીરા સાથે વોટસએપમાં વાતો કરતો હતો અને એકતરફી પ્રેમ કરતો હતો. ત્યારે સગીરાની મરજી વિરૂધ્ધ તેણીનું જય સુખાનંદીએ પોતાના મિત્ર રિયાઝ સલીમ નાગોરી સાથે મળીને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા.
પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કારને લોધીકા તરફ મોકલી દીધી અને પોતે સગીરાને લઇને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રોકાઇ ગયા હતા. પોલીસને આ બાબતની જાણ થતાં ઝાંઝરડા રોડ પરથી સગીરાને શોધી કાઢીને મુકત કરાવી હતી. હાલ પોલીસે સગીરાનું અપહરણ કરનાર બંને શખ્સોને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે.