- એવું કોઈ પાપ કરીએ જ નહીં કે જેના માટે પાછળથી અફસોસ કરવો પડે
કનોજ રાજ્યના રાજકુમારની આ વાત છે. કનોજ રાજ્યના રાજા ભદ્રાનિક હતા. શૂરવીર તો હતા જ પણ સાથે સાથે એ જ્ઞાનવીર પણ હતા. પ્રજાની સાથેનો એમનો સંબંધ પિતા-પુત્ર જેવો હતો. પ્રજાના આનંદમાં એ આનંદિત હતા. એમના પુત્રનું નામ કુમાર હતું. રાજકુમારમાં હોવા જોઈએ એવા બધા ગુણો એમનામાં હતા. ભવિષ્યમાં રાજા બનવાનો હોય તો તે ગુણો વિના પ્રજાનું પાલન કેવી રીતે કરી શકે? સૌમ્ય અને શિષ્ટ હતો. તો સાથે શૂરવીર પણ હતો. આવા ઘણાં બધા ગુણોની સાથે એને શિકારની આદત ભયંકર હતી. એ પોતે પણ આ વાત જાણતો હતો, પણ છોડવાની એની તાકાત ન હતી. ઘણી વાર એણે આ વિચાર કરેલો કે આપણે કોઈ પણ જીવનો શા માટે શિકાર કરવો? પણ પછી પાછો એ વિચાર શમી જતો અને જંગલમાં જવાનું એને મન થઈ આવતું અને શિકાર કરતો.
એક દિવસની ઘટના છે. એ ઘોડા ઉપર બેસીને જંગલમાં ટહેલવા નીકળેલો. સાથે તીરકામઠાં તો હોય જ દૂરથી હરણના દોડવાનો અવાજ આવ્યો. પેલા રાજકુમારની આંખ અને કાન સક્ષમ હતાં. એને સ્પષ્ટ અણસાર આવ્યો કે નક્કી ત્યાંથી હરણ પસાર થઈ રહ્યું છે એણે તો અવાજના અણસારે જ બાણ છોડ્યું અને બિચારી હરણીનું પણ પુણ્ય ઓછું પડ્યું હશે તે બાણ તેના મર્મસ્થાને જ લાગ્યું. કમનસીબી તો એવી હતી કે એ હરણી બે જીવવાળી હતી. એણે આ આઘાતમાં બચ્ચાંને જન્મ આપ્યો અને બેય જીવ તરફડિયાં મારતાં મરણને શરણ થયા. રાજકુમાર બાણની દિશામાં આગળ વધ્યો. ત્યાં જઈને હરણીનાં બચ્ચાં સાથેના તરફડાટને જોયો. આ દૃશ્યના કારણે એને ઊંડો આઘાત લાગ્યો. અરે રે, મારા પૈશાચિક આનંદને ખાતર બે જીવોનો ભોગ લીધો?! વારંવાર એને આ જ વિચાર આવ્યા કર્યો. પેલા હરણી અને તેનાં બચ્ચાંને બચાવવા માટે હું શું કરી શકું? આવો વિચાર આવે છે, પણ એની પાસે પણ હવે બીજો કોઈ માર્ગ બચ્યો નહીં.
એ સીધો રાજમહેલમાં ગયો. એનાં માતાપિતાએ ભોજન કરવા બોલાવ્યો. બેઠો-થાળી પણ પીરસાઈ ગઈ છે, પણ એ ખાઈ શકતો નથી. માતા-પિતાએ એને ઘણો સમજાવ્યો, પણ એ સમજવા જ તૈયાર નથી. એની આંખ સામેથી પેલી હરણીના તરફડાટનું દૃશ્ય જતું જ નથી અને દેખાય ત્યાં સુધી કેવી રીતે ખાઈ શકાય. અરે, એની આંખમાંથી ઊંઘ પણ ચાલી ગઈ.
હવે એણે નિયમ તો કરી જ નાંખ્યો છે કે હવે પછી ક્યારેય આ રીતે, અરે કોઈ પણ રીતે શિકાર કરવો જ નહીં. અત્યાર સુધીના સંકલ્પો નબળા હતા, પણ આ વખતનો સંકલ્પ સબળ હતો, કારણ કે બે જીવો તો તરફડાટ માત્ર પોતાના એક જ બાણના કારણે હતો.
માતા-પિતા એને પૂછે છે શું થયું? આજે ભોજન કરતા સુનમૂન કેમ થઈ જાય છે, પણ જવાબ આપવાની પણ ક્ષમતા એની રહી નથી. માણસ જ્યારે કોઈ ખોટું કામ કરે અને પછી જ્યારે એને સાચી સમજણ આવે ત્યારે એની દશા આવી જ થતી હોય છે. એના અફસોસનો કોઈ પાર નથી. પોતાનાં માતા-પિતાને એણે વાત કરી. આજે મારાથી આવી ગોઝારી ઘટના બની ગઈ છે અને એને હવે હું બરદાસ્ત કરી શકતો નથી. હવે હું શું કરું?
પિતાએ એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો. ક્ષત્રિયને આવા શોખ હોય, શિકાર એ સામાન્ય છે વગેરે… પણ એને આમાંની એક પણ વાતથી સંતોષ થયો નહીં. ત્યારે પિતાએ પાપનું પ્રાયશ્ચિત કરવાની વાત કરી. પાપ તો તેં કર્યું જ છે તો એના પ્રાયશ્ચિતમાં સોનાનાં બે હરણ કરાવીને બ્રાહ્મણને ભેટ આપી શકાય, એ પણ કર્યું, છતાં એના મનને ક્યાંય શાંતિ નથી. મનમાં એક જ વિચાર આવ્યા કરે, મેં ખૂબ ખોટું કર્યું. રાજકુમારના મનની શાંતિ માટે માતા-પિતા ઘણાં સંતો પાસે લઈ જાય છે. એમની પાસેથી કંઈક સાંત્વન મળે એવી આશા પણ ઠગારી નીવડે છે.
રાજકુમારને હવે મહેલમાં રહેવાનું ગમતું નથી. એક દિવસ એણે મહેલનો ત્યાગ કરી દીધો. ઘેર કોઈને કંઈ વાત કરી નથી, પણ એટલું કહી દીધું કે હવે મારી તપાસ કરતા નહીં, હું અહીં રહી શકું એમ નથી. અહીં હોઈશ ત્યાં સુધી મારા મનમાંથી આ વાત બહાર નીકળશે નહીં એટલે હું જાઉં છું. મારું ભાગ્ય મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ. મારી ચિંતા કરશો નહીં.
ઘરમાંથી નીકળ્યા પછી એ ઘણો ભટકે છે. દેશવિદેશમાં ફરે છે. ફરતાં ફરતાં એક દિવસ એને એક જૈનાચાર્યશ્રી સિદ્ધસિંહસૂરિજીનો સંપર્ક થાય છે. કોઈ નગરના ઉપાશ્રયમાં એ પોતાના પરિવાર સાથે આવેલા હતા. બધા મહાત્માઓ પોતપોતાની સાધનામાં વ્યસ્ત હતા. કોઈ અધ્યયન કરતા તો કોઈ બાલવૃદ્ધ કે ગ્લાન મુનિની સેવા-સુશ્રૂષા કરતા હતા તો કોઈ પોતાની આત્મસાધનામાં તલ્લીન હતા.
પોતાના આશ્રયસ્થાનમાં કોણ આવે છે એનું પણ એમને કોઈ ધ્યાન રાખવાની જરૂર ન હતી. બધાં પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા. આ બધા મહાત્માઓની મસ્તી જોઈને એ પ્રસન્ન થઈ ગયો. આ મહાત્માઓ કેટલા બધા નિઃસ્પૃહ છે. આત્મસાધનામાં આવી અંતરમુખતા આવી જાય તો સાધના સિદ્ધિ અપાવ્યા વગર રહે નહીં.
એક એક મહાત્માની પાસે નજીક જઈને એણે અભ્યાસ કર્યો. બધા પોતપોતાના સાધનાકાર્યમાં વ્યસ્ત હતા. તો એમનાં અમુક કાર્યમાં બધાની સહયોગિતા અપૂર્વ હતી. લાવને એમના મોટા ગુરુજીના સાંનિધ્યમાં બેસું કદાચ મને શાંતિ મળે.
એ તો સીધો પહોંચ્યો સિદ્ધસિંહસૂરિજી પાસે. એમણે નવો માણસ જોયો. ધર્મલાભ આશિષ આપી. રાજકુમારને સારું લાગ્યું. એમની પાસે એ બેઠો. એમની ઓરામાં એને શાંતિનો અનુભવ થયો. સાચી ઠંડકની અનુભૂતિ તો આ જ સ્થાને મળી શકે એવા એના ભાવ જાગે છે.
સિદ્ધસિંહસૂરિજીએ એને ધર્મ સંભળાવવાનો શરૂ કર્યો. જુઓ ભાગ્યશાળી, આપણે કરેલાં કર્મો આપણે જ ભોગવવાનાં હોય છે. આજે કરેલું કર્મ ક્યારે ઉદયમાં આવશે એની આપણને જાણ હોતી નથી, પણ એનો જ્યારે સમય આવશે ત્યારે ઉદયમાં આવશે. એટલે કર્મબંધ કરતી વખતે આપણે સજાગ થવાની જરૂર હોય છે. ઉદયમાં આવવાવાળા કર્મને આપણે રોકી શકવાના નથી તો તો આવનારાં કર્મની ચિંતા કરવા કરતાં હવે નવાં કર્મો એવાં ન બંધાય કે જે આપણને વધારે પરેશાન કરે એવો આપણે શા માટે વિચાર ન કરવો. એને પણ વિચાર આવે છે વાત તો સાચી છે મેં ભૂલ તો કરી જ છે. એ ભૂલનો હિસાબ જ્યારે થશે ત્યારે પણ એના કારણે હવે પછી નવાં કર્મો તો સારાં બંધાય એવો પ્રયત્ન શા માટે ન કરવો? સિદ્ધસિંહસૂરિજીની વાત એના અંતરમાં ઊતરી જાય છે. એના મનને આજે અપૂર્વ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એણે મહાત્માને વિનંતી કરી. આપ આજ્ઞા કરો તો મારે થોડા દિવસ આપની નિશ્રામાં રહેવાના ભાવ થાય છે. આપની પાસે મને શાંતિનો અનુભવ થાય છે.
આચાર્ય ભગવંત કહે છે, ભાગ્યશાળી તમારી ભાવના હોય એમ કરો. તમારે રહેવાની ભાવના હોય તો રહી શકો છો. રાજકુમારને સિદ્ધસિંહસૂરિજી મહારાજની પાસે ગમી ગયું. અત્યાર સુધી એના અંતરનો ઉકળાટ જે શાંત થતો ન હતો એમાં હવે ઘણી સારી ઠંડકનો અનુભવ એ કરી શકતો હતો.
થોડા દિવસ રહ્યા પછી એણે જ કહ્યું, ગુરુદેવ, મારી ઇચ્છા થાય છે તમે મને દીક્ષા આપો, મારે આપની પાસે દીક્ષા લઈને જ રહેવું છે.
ગુરુદેવે કહ્યું, તમારી હાર્દિક ઇચ્છા હોય તો તમે લઈ શકો છો, પણ તમે વિચારી લો ખરેખર તમારે આ માર્ગે આવવું છે? કારણ કે આ માર્ગ એક વાર પકડ્યા પછી છોડવાનો નથી હોતો. જગતનો સૌથી શ્રેષ્ઠ માર્ગ જો કોઈ પણ હોય તો આ જ છે.
એણે દીક્ષા તો લીધી પણ દીક્ષા લીધા પછી અત્યંત આદરપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો. દેશવિદેશમાં (વિદેશ એટલે ભારતના દરેક પ્રદેશોમાં) ફર્યા. ઘણાબધા માણસોને એમણે પ્રતિબોધ આપ્યો અને એમને સુસંસ્કારિત કર્યા. ગુરુદેવે એમને યોગ્ય જાણીને આચાર્ય પદ પણ અર્પણ કર્યું. એમણે આગમના આધારે જ બધા નિર્ણયો કરવાનો આગ્રહ રાખ્યો. જેના કારણે એમનો ગચ્છ આગમિક ગચ્છ કહેવાયો.
આચાર્ય પદાર્પણ પછી એમનું નામ આ. શ્રી શીલગુણ સૂરિશ્વરજી રાખવામાં આવેલું. એમણે એ સમયના સાધુ-મહાત્માઓમાં આવેલી શિથિલતાને દૂર કરવા માટે પ્રયત્ન કરેલો એ સમયે એક બીજા આચાર્ય યશોદેવ સૂરિશ્વરજી હતા એ પણ પ્રભાવશાળી અને શાસ્ત્રાભ્યાસી હતા. આ બેય આચાર્ય ભગવંતોએ ભેગા મળીને કિયોદ્ધાર કરાવેલા. આ ઘટના વિક્રમની બારમી-તેરમી શતાબ્દી દરમિયાન બનેલી છે.
આના ઉપરથી આપણે બોધ લેવાનો કે આપણે એવું કોઈ પાપ કરીએ જ નહીં કે જેના માટે પાછળથી અફસોસ કરવો પડે. પાછળથી ચિત્તમાં ઉદ્વેગ થાય એવું આપણે શા માટે કરવું જોઈએ?