ન પ્રહષેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય અપ્રિયમ ।
સ્થિર બુદ્ધિરસંમૂઢો બ્રહ્મવિદ્બમણિ સ્થિત ॥ 5-20 ॥
અર્થ : જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેનું અજ્ઞાન નાશ પામ્યુ છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે તેવો બ્રહ્મને જાણનાર મનુષ્ય પ્રિય પદાર્થ મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થ પામીને દુ:ખી થતો નથી.
અહીંયાં બે બાબતો છે. મનુષ્ય બ્રહ્મને જાણનાર ક્યારે કહેવાય? તો જેની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેનું અજ્ઞાન નાશ પામ્યુ હોય તે બ્રહ્મનો જાણકાર થયો છે તેમ કહી શકાય અથવા બીજી રીતે કહીએ તો જો તમારે બ્રહ્મવેત્તા બનવું હોય તો બુદ્ધિને સ્થિર કરવી પડે અને તમારામાં જે અજ્ઞાન ભરેલું છે તેનો ત્યાગ કરી દેવો પડે અર્થાત્ અજ્ઞાનનો નાશ થઈ જવો જોઇએ. બુદ્ધિ સ્થિર કરવી એટલે ભટકતા મનને નિયંત્રિત કરીએ તો જ બુદ્ધિ સ્થિર થઈ શકશે. અજ્ઞાન તો આપણામાં ઘણા પ્રકારનું હોય છે તેને પણ હટાવવુ જ પડે. સારાં પુસ્તકો અને સત્પુરુષોનો સંગ કરીએ તો અજ્ઞાનતા દૂર થઈ શકે છે. જે વ્યક્તિમાં આવી કોઇ પણ જાતની અજ્ઞાનતા ન રહે તે વ્યક્તિ તેના જીવનમાં તેને મનગમતી સફળતા, ધ્યેય કે મંઝિલ મેળવી લે તો પણ તેમાં બહુ ઉત્સાહિત થઈ જતો નથી. પોતે કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી છે તેવી કોઈ ગર્વની ભાવના કે લાગણી તેનામાં પેદા થતી નથી. તેવી જ રીતે કશુંક અપ્રિય બને કે ન ધારેલું કે અઘટિત કંઈક બને ત્યારે તે દુ:ખમાં ડૂબી જતો નથી કે નિરાશ થઈ જતો નથી. આમ, જે મનુષ્ય જ્ઞાની છે તેને ગમતું – અણગમતું, પ્રિય – અપ્રિય જેવું કશું હોતું જ નથી તે તો બસ પોતાનાં કર્મમાં લીન રહે છે અને જે ફળ મળે છે તેનો પ્રેમથી સ્વીકાર કરી લે છે. નિરાશા મળે તો ક્યાંય કોઈને કશી પણ ફરિયાદ કરતો નથી ને જો સફળતા મળી હોય તો પણ તેના મદમાં ફુલાઈ જતો નથી. ભગવાને સ્થિર બુદ્ધિ રાખવાની વાત કરીને સફળતા કે નિષ્ફળતા બંને પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનવાનું સૂચવેલું છે.
બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ
સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષયમ શ્રુતે ॥ 5/21 ॥
અર્થ : ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન્ન થનારા સુખમાં આસક્તિરહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે. એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે.
ઇન્દ્રિય દ્વારા જે સુખ મળે છે તેમાં આસક્તિ ન રાખવી. સ્વાદિષ્ટ ભોજન, સુંદર સ્થળ, સુંદર વ્યક્તિત્વ, સુમધુર સંગીત, મધુર અને આહ્લાદક સોડમ, હળવું કંપન આ બધાં સુખ એવાં છે જેની અનુભૂતિ દરેક વ્યક્તિને થાય છે, પણ જે તેનાથી દૂર રહી શકે છે, જે તેમાં આસક્ત નથી થઇ જતો તે વ્યક્તિ મહાન છે, યોગી છે, સંસારી હોવા છતાં તેને ખૂબ મોટો તપસ્વી પણ કહી શકાય. ઇન્દ્રિયના સુખમાં આસક્તિ ન રાખે તો તેનું ચિત્ત શુદ્ધ બને છે અને આવી ચિત્તની શુદ્ધિને લીધે તે આત્માનું જે સુખ છે તેને પામી શકે છે. આત્મામાં કયું સુખ હોય છે? આત્માનું સુખ એવું છે જે જોઇ શકાય તેવું નથી. આત્મા બધાથી અલિપ્ત છે, પણ તે બધાથી અલિપ્ત રહીને જ સુખની અનુભૂતિ કરે છે. અહીં આત્માનું સુખ એટલે પ્રભુને પામવાનું સુખ એવો અર્થ લેવાનો છે. એમ કહી શકાય કે વ્યક્તિ ઇન્દ્રિયસુખમાંથી આસક્તિ છોડે એટલે આત્માનું સુખ પામે. આ સુખ ભગવાનના કહ્યા મુજબ અક્ષય છે. અક્ષય એટલે જેનો ક્ષય અર્થાત્ નાશ નથી થવાનો તેવું આ સુખ છે. ઇન્દ્રિય દ્વારા જે સુખ મેળવાય છે તે બધાં નાશવંત સુખ છે.