રામમંદિરમાં સ્થાપિત કરવા માટેના કુલ સાત ધ્વજ દંડને વિધિવત રીતે અમદાવાદથી અયોધ્યા મોકલવા રવાના કરાયા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામમંદિર માટે ઘણી સામગ્રી ગુજરાતમાં તૈયાર થઈ છે. મંદિરમાં લગાવવા માટેના ધ્વજદંડ પણ ગુજરાતમાં તૈયાર થયા છે. હવે આ સાતેય ધ્વજ દંડને અયોધ્યા પહોંચાડવા વિધિવત રીતે રવાના કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગતગુરુ રામભદ્રાચાર્ય તથા અન્ય સંતો-મહંતો અને મહાનુભાવોની હાજરીમાં વિધિવત રીતે ધ્વજ દંડને રવાના કર્યા હતા.
કોઈ પણ મંદિરમાં માથે ધ્વજ ફરકતો હોય તે એની આગવી ઓળખ હોય છે. દ્વારકાધીશના મંદિરમાં પણ 52 ગજની ધજા ચડાવવાનું માહાત્મ્ય છે અને તેના માટે ગુંબજ પર ધ્વજ દંડ લગાવેલો હોય છે.
અયોધ્યાના રામમંદિરમાં પણ આવા ધ્વજ દંડ લાગવાના છે, જેની કલા કારિગરી ગુજરાતમાં થઈ છે. ગુજરાતમાંથી તેને તૈયાર કરીને હવે અયોધ્યા માટે રવાના કરાયા છે. અમદાવાદથી આવા સાત ધ્વજ દંડનું પ્રસ્થાન કરાવાયું ત્યારે વિધિવત પૂજા કરાઈ અને ઉત્સાહથી તેને રવાના કરાયા હતા.
રામ મંદિર માટેના આ ધ્વજ દંડ શુદ્ધ પિત્તળમાંથી તૈયાર કરાયા છે. ધ્વજ દંડ બનાવવા બીજી કોઈ ધાતુનો ઉપયોગ નથી કરાયો. રામ મંદિરના ગુંબજ પર લાગનારા મુખ્ય ધ્વજ દંડની ઊંચાઈ 44 ફૂટ છે. આ ધ્વજ દંડનો ગોળાર્ધ 9.5 ઈંચ છે. તેનું વજન 5500 કિલો જેટલું હશે તેના પરથી સમજી શકાય છે કે તે કેટલો મજબૂત બન્યો હશે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી મેવાડા પરિવારની ફેક્ટરીમાં આને તૈયાર કરાયા છે. રાજકોટના શાપરમાં પણ ધ્વજ દંડનું કેટલુંક કામ થયું હતું. આ રીતે સમગ્ર રીતે ગુજરાતમાં તૈયાર થયેલા ધ્વજ દંડ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.