- કૃષ્ણએ જે રાસ રચ્યો એમાં જે એના સ્ટેપ્સ કે એની મુદ્રાઓ એ કોઈ સામાન્ય માનવીની બાબત નથી; એ પરમતત્ત્વની બાબત છે અને પરમ સત્ય હોય એ જ ટકી શકે
ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે. `શ્રીમદ્ ભાગવત’ તો કૃષ્ણચરિત્ર જ છે. `હરિવંશપુરાણ’માં પણ છે અને કૃષ્ણના ચરિત્રનો વધારે આસ્વાદ કરવો હોય તો `મહાભારત’માં જવું પડે. `મહાભારત’ મહાકોશ છે કૃષ્ણ ચરિત્રનો. `મહાભારત’ ઉપર આપણે ત્યાં બહુ જ કામ થયું છે; થવું જ જોઈએ. આપણે ત્યાં એક ખોટી પ્રચલિત ધારણા આવી ગઈ હતી કે `મહાભારત’ ઘરમાં રખાય નહીં! લોકો એમ માને કે `મહાભારત’ ઘરમાં હોય તો ઘરમાં `મહાભારત’ થાય! પરંતુ શાસ્ત્રથી ડરવું નહીં, શાસ્ત્રોના ખોટા અર્થો કરે એનાથી ડરવું. શાસ્ત્રોની મૂળ વસ્તુને પોતાના હેતુ માટે આઘીપાછી કરી નાખે એવા માણસોથી ડરવું. શાસ્ત્રોએ અદ્ભુત કામ કર્યું છે. તો `મહાભારત’માંથી કૃષ્ણના ચરિત્રનો પરિચય મળે છે. મારે કૃષ્ણને ત્રણ રૂપમાં જોવા છે.
કૃષ્ણની લીલાને હું ત્રણ ભાગમાં વહેંચવા માગું છું. એક, કૃષ્ણની રામલીલા, છે કૃષ્ણ પણ એની લીલાનું નામ હું આપું છું રામલીલા. બીજું, કૃષ્ણની રાસલીલા અને ત્રીજી કૃષ્ણની રાજલીલા. મારી વ્યાસપીઠનો કૃષ્ણ ત્રણ ભાગમાં છે. એક તો કૃષ્ણની રામલીલા. `રામલીલા’ શબ્દ હું એટલે માટે વાપરું છું કે એ કૃષ્ણએ બલરામ સાથે કરેલી લીલા છે. બલરામ અને કૃષ્ણની વચ્ચે બહુ જ પ્રેમ છે; મતભેદ પણ છે. છતાંય બલરામજી મોટા છે તોય કૃષ્ણનું માને છે બહુ. કૃષ્ણને કોણ ન માને? જેનાં ભાગ્ય ફૂટી ગયાં હોય એ ન માને!
તો એક, કૃષ્ણની રામલીલા, એટલે કે એમની બલરામ સાથેની લીલા. એનાં કેટલાં સુંદર પદો મળે છે વૈષ્ણવ પરંપરામાં! કૃષ્ણની બલરામ સાથેની નિર્દોષ બાળલીલા છે. બલરામજી સાથેની કૃષ્ણની લીલાઓ એ રામલીલા છે. બધાંને બધું જ આપ્યું કૃષ્ણએ, પણ જ્યારે મહાપ્રયાણનો સમય થયો; યાદવાસ્થળી થઈ ગઈ; કૃષ્ણને લાગ્યું કે ધરતી પર બહુ ભાર છે અને એ ભાર ઉતારવા માટે હું આવ્યો છું. ધરતીનો બોજ મારે ઉતારવો જોઈએ. કહે છે કે કૃષ્ણ અને બલરામ સોમતીર્થ, ભગવાન સોમનાથના દ્વારે આવે છે. મહાદેવની મહાપૂજા થાય છે, કારણ કે સોમનાથ કાળનો દેવ છે. સોમનાથની ત્રિવેણીનું જળ લઈને બંને ભાઈઓ અભિષેક કરે છે. મહાદેવનો અભિષેક થયો. પૂજારીજીએ શિવલિંગ પરનાં બિલ્વપત્ર-ફૂલ ભગવાન કૃષ્ણના હાથમાં આપ્યાં છે. સોમેશ્વર ભગવાનના મસ્તક પરથી પ્રાપ્ત નમન કૃષ્ણએ આજે બલરામજીની આંખ પર અડાડ્યું. બલરામજીની આંખો ભરાઈ આવી! એમને ખબર પડી ગઈ છે કે બસ, હવે થોડો સમય બાકી છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રાચીના એ પીપળાની નીચે આવીને આખા જીવનકાર્યનો જાણે થાક ઉતારતા હોય એમ પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન થાય છે. જરા નામનો પારધિ આવે છે અને કૃષ્ણના લાલચટક પગના તળિયાને લક્ષ્ય કરીને તીર ફેંકે છે.
તો એક, કૃષ્ણની રામલીલા. બીજી લીલા છે રાસલીલા. કૃષ્ણની રાસલીલા અદ્ભુત છે. એ પ્રેમલીલા છે. એ ભક્તિની લીલા છે. આજ સુધી એ રાસલીલાએ મારા ને તમારા અંત:કરણને પવિત્ર રાખવાનું પુણ્યકર્મ કર્યું છે. કૃષ્ણએ જે રાસ રચ્યો એમાં જે એના સ્ટેપ્સ કે એની મુદ્રાઓ એ કોઈ સામાન્ય માનવીની બાબત નથી; એ પરમતત્ત્વની બાબત છે અને પરમ સત્ય હોય એ જ ટકી શકે. કૃષ્ણનો રાસ કેવો હશે કે પાંચ હજાર વર્ષ થઈ ગયાં તોય હજી આપણને ફરતાં રાખે છે!
કૃષ્ણની રાસલીલા એ વિશ્વને પ્રેમાદ્વૈતનું વરદાન છે. હું અને તમે બધાં પરસ્પર વિશુદ્ધ પ્રેમમાં જીવવા માંડીએ તો કેટલી બધી સમસ્યાઓનો નિકાલ થઈ જાય! તો કૃષ્ણની રાસલીલા અદ્ભુત છે! રાસલીલાનાં તો કેટલાં કેટલાં પ્રકરણો છે! અલબત્ત, એમાં ગોપીઓને જ જવાનો અધિકાર છે અથવા તો એમાં પ્રવેશવા માટે વ્યક્તિએ ગોપીભાવમાં આવવું પડે. વ્યક્તિ સ્વયં પ્રેમસ્વરૂપા બને તો એમાં પ્રવેશ મળે એવું આચાર્યોએ કહ્યું છે. કૃષ્ણની રાસલીલા પ્રેમની પરાકાષ્ઠા છે. વ્રજવાસીઓ પ્રેમલીલામાં ડૂબ્યાં છે તેથી એમને ક્યાંય ચેન નથી! અંદરથી બિલકુલ અદ્વૈત છે, પરંતુ બહિરતાનો પણ કંઈક મહિમા છે, એટલે ભક્તોએ ગાયું કે `શ્યામ વિના વ્રજ સૂનું લાગે…’ તમે કલ્પના કરો, પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ પોતાનું શરીર છોડ્યું હશે ત્યારે આ દુનિયાની કેવી દશા થઈ હશે!
ત્રીજી લીલા છે કૃષ્ણની રાજલીલા. એના જેવી કોઈ રાજલીલા નહીં! કૃષ્ણની રાસલીલા જોવી હોય તો `શ્રીમદ્ ભાગવતજી’માં જવું પડશે. કૃષ્ણની રામલીલા જોવી હોય તો પણ `ભાગવત’માં અથવા `હરિવંશપુરાણ’માં જવું પડશે, પરંતુ કૃષ્ણની રાજલીલા વધારેમાં વધારે પ્રકાશિત થઈ છે `મહાભારત’માં. `મહાભારત’માં કૃષ્ણની એન્ટ્રી દ્રૌપદીના સ્વયંવરમાં થાય છે, એના પહેલાં નથી થતી. દુનિયાભરના રાજા-મહારાજાઓ આવીને દ્રુપદકન્યાને પ્રાપ્ત કરવા માટે પોતાના આસન પર બિરાજિત છે, અને દ્વારિકાથી રથ આવ્યો! કૃષ્ણના ચહેરા પર કાયમ સ્મિત જ હોય છે. ત્રણેક પ્રસંગો `મહાભારત’માં દેખાયા. જ્યારે કૃષ્ણના ચહેરા પર સ્મિત ન હતું. એમાંનો એક પ્રસંગ, જ્યારે દ્રૌપદીના પાંચ પુત્રોને અશ્વત્થામાએ હણી નાખ્યા. આશ્વાસન આપવા માટે કૃષ્ણ આવે છે. જ્યારે બધા હટી જાય છે અને કૃષ્ણ દ્રૌપદીને મળે છે. એક ક્ષણ માટે જીવને પરમ ઉપર સંશય થતાં વાર નથી લાગતી, તેથી ભજન કરનારાઓએ બહુ સાવધ રહેવું પડે. એક નાનો એવો તણખો વિશ્વાસની ગંજીને ક્યારે બાળી નાખે એ કહેવાય નહીં! પાંચ પુત્રો મર્યા એટલે રોષ તો હતો જ, એટલે દ્રૌપદી કૃષ્ણને જરા આક્રોશમાં પૂછે છે કે, `મહાભારત’માં કોને, ક્યારે, કેવી રીતે મારવો એની યોજનાનો દોર તમારા હાથમાં હતો; આ પાંચ બાળકોને મારવાની યોજના તમારી તો નહોતીને? એ વખતે કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયાં! કંઈ બોલ્યા નહીં. એના મને જ દ્રૌપદીને પ્રશ્ન પૂછ્યો કે તનેય મારા પર સંદેહ થયો? તને પણ ભરોસો ન રહ્યો? નવસો ને નવાણુંમાંથી એકેય સાડી યાદ ન આવી? કોઈ બુદ્ધપુરુષને ખાતરી હોય કે મારામાં અજવાળું જ છે અને એના ઉપર જ્યારે પોતાની જ વ્યક્તિ આવો આરોપ કરે ત્યારે એ વેદનાને કોઈ વર્ણવી ન શકે! ક્યારે, કોને સંદેહ થાય એ નક્કી નથી! આસુરી વૃત્તિ બળવાન બહુ હોય છે; એટલે દેવતાઓ અને અસુરોના યુદ્ધમાં વધારેમાં વધારે દેવતાઓની જ હાર થઈ છે! તો ભગવાન કૃષ્ણની રાજલીલા `મહાભારત’માં છે.