એક સમય હતો જ્યારે માણસની અંદરનું સૌથી પ્રભાવક પરિબળ તેની ભાવના હતી. આજે, ભાવના તમારી અંદરનો સૌથી પ્રભાવી હિસ્સો નથી પરંતુ તે હજુ પણ તમારામાં સૌથી તીવ્ર હિસ્સો છે. મોટાભાગના લોકો તેમના ભૌતિક શરીરને તીવ્રતાના ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માટે સક્ષમ નથી હોતા. એ જ રીતે, મનને તીવ્ર સ્થિતિમાં ટકાવી રાખવા માટે બહુ ઓછા લોકો સક્ષમ હોય છે. તેઓ મનને ફક્ત ક્યારેક ક્યારેક તીવ્ર રાખી શકે છે. સામાન્ય રીતે લોકોની ઊર્જા બિલકુલ તીવ્ર હોતી નથી, પરંતુ ભાવના ખૂબ જ તીવ્ર બની શકે છે. જો પ્રેમમાં નહીં, તો ઓછામાં ઓછું ગુસ્સામાં તમે તીવ્ર હો છો. જો હું તમારી સાથે દુર્વ્યવહાર કરીશ, તો તમે એટલી હદ સુધી તીવ્ર થઈ જશો કે તમને આખી રાત ઊંઘ નહીં આવે.
લાગણી ખૂબ જ મધુર અને અદ્ભુત સ્વરૂપો લઈ શકે છે, અને તે તદ્દન ગંદાં અને ભયાનક સ્વરૂપો લઈ શકે છે. તે મધુર સ્વરૂપ લે તે માટે તમારે તેને તાલીમ આપવાની જરૂર છે. ભક્તિ એ તમારી ભાવનાઓને નકારાત્મક્તામાંથી સુખદતામાં પરિવર્તિત કરવાનો એક માર્ગ છે. જરા જુઓ, જે લોકો પ્રેમમાં છે તેમને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની પરવા નથી હોતી. તે બસ એટલું જ છે કે તેમણે તેમની ભાવનાઓને સુખદ સ્વરૂપ આપ્યું છે, એટલે એમનું જીવન સુંદર છે.
ભક્તિ એ પ્રેમસંબંધનું અનેક ગણું મોટું અને ઉન્નત સ્વરૂપ છે. જો તમે કોઈ પુરુષ અથવા સ્ત્રી સાથે પ્રેમમાં પડો તો, તેઓ તમારી અપેક્ષાઓ પર ખરાં ઊતરી શકતાં નથી, અને છેવટે તે પ્રેમસંબંધ કોઈ મુશ્કેલીમાં પરિણમે છે. તેથી જ લોકો ભગવાનને પસંદ કરે છે. તે ફક્ત એક પ્રેમસંબંધ છે અને બદલામાં તમે કોઈ અપેક્ષા રાખતા નથી. તમારું જીવન ખૂબ જ સુંદર બની જાય છે, કારણ કે તમારી લાગણી ખૂબ જ મધુર બની ગઈ છે. એ મીઠાશથી વ્યક્તિનો વિકાસ થાય છે.
ભક્તિનો અર્થ એ નથી કે તમારે મંદિરમાં જવું જોઈએ, શ્રીફળ વધેરવાં જોઈએ. એક ભક્તને અસ્તિત્વમાં પોતાનું સ્થાન શું છે તે સમજાઈ ગયું છે. આ બ્રહ્માંડ ખૂબ વિશાળ છે. તમને ખબર નથી કે તે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરું થાય છે. સેંકડો અબજો આકાશગંગાઓ છે. આ વિશાળ બ્રહ્માંડમાં, આ સૂર્યમંડળ એક નાનકડો કણ છે. જો સૂર્યમંડળ આવતીકાલે ગાયબ થઈ જાય, તો બ્રહ્માંડમાં તેની ગેરહાજરીની ખબર પણ નહીં પડે. આ નાના કણમાં, પૃથ્વી એક સૂક્ષ્મ કણ છે. આ સૂક્ષ્મ કણમાં, તમે જે શહેરમાં રહો છો તે એક અતિ સૂક્ષ્મ કણ છે. એમાં તમે એક મોટા માણસ છો! આવો દૃષ્ટિકોણ એક ગંભીર સમસ્યા છે. આને લીધે જ તમારામાં ભક્તિ નથી.
જો તમે ફક્ત તમારી આસપાસની દરેક વસ્તુને ધ્યાનથી અને કાળજીથી જોતાં શીખો, તો તમને સમજાશે કે તમે ખાલી એક પરમાણુની પ્રકૃતિને પણ પૂરી રીતે સમજી નથી શકતા. બધું તમારી બુદ્ધિમત્તાથી પરેનું છે. જો બધું તમારાથી ઉપર હોય તો તમે સ્વાભાવિક રીતે જ ભક્ત બનશો.