- સિંધુભવન રોડ પર સ્પા કાંડ બાદ પોલીસની આબરૂના લીરેલીરા ઊડતા તંત્ર હરકતમાં
- PIની ચેમ્બરમાં જ બનાવેલો વીડિયો વાઇરલ થયો છતાં પીઆઈ સામે કોઈ કાર્યવાહી ન થઈ
- આદેશ બાદ પીઆઈ ધવને વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈનો ચાર્જ સંભાળી લીધો
શહેરના પોશ વિસ્તારમાં આવેલ સિંધુભવન રોડ પર ગેલેક્સી સ્પાના મહિલા ભાગીદારને સ્પાના માલિકે ફ્ટકારી હતી, જેમાં મહિલા પોલીસ ફરિયાદ કરવા પહોંચી હતી, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી અને બહાના બતાવીને મહિલાને પરત મોકલી હતી. જે બાદ વીડિયો વાઇરલ થતા બોડકદેવ પોલીસે તાત્કાલિક મહિલાની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ પણ કરી હતી. જેમાં બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ અભિષેક ધવનની બેદરકારીથી પોલીસની આબરૂના લીરેલીરા ઊડયા હતા. આથી આ ઘટના બાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગંભીર નોંધ લઇને પીઆઇ ધવનને તાત્કાલિક અસરથી ખસેડીને તેના સ્થાને એસ.એન.પટેલને હાજર થવા આદેશ કર્યો છે. આ આદેશ બાદ પીઆઈ ધવને વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈનો ચાર્જ સંભાળી લીધો છે. જોકે મહિલા પીઆઇ કોઇ કારણોસર મોડા હાજર થવાના હતા, પરંતુ સ્પાકાંડ બાદ તેમને તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરાયો છે. મહત્ત્વનું છે કે, બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં યુવતીનો વીડિયો બનાવી વાઇરલ કરાયો હતો, તેમ છતાં પીઆઈ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન થઈ.
સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના માલિકે તેના સ્પામાં કામ કરતી યુવતીને ઢોર માર મારતો વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટનામાં પહેલા પોલીસે ફરિયાદ ન નોંધી, પરંતુ સમગ્ર શહેરમાં હોબાળો મચતા યુવતીની ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ સરકાર તેમજ પોલીસ કમિશનર જી.એસ.મલિકને થતાં આ ઘટનાની નોંધ ગંભીરતા લઇને બોડકદેવના પીઆઇ અભિષેક ધવનને તાત્કાલિક અસરથી ખસેડીને તેમના સ્થાને એસ.એન. પટેલને હાજર થવા માટે હુકમ કર્યો હતો. નોંધનીય છે કે અગાઉ જ્યારે પીઆઇની બદલી કરવામાં આવી ત્યારે આ મહિલા પીઆઈની બોડકદેવ પીઆઇ તરીકે બદલી થઈ હતી, પરંતુ કોઈ કારણસર તેઓ મોડા હાજર થવાના હતા. આથી પોલીસ કમિશનરે તેમને તાત્કાલિક અસરથી બુધવારે જ હાજર થવા માટે હુકમ કર્યો હતો.