- ભગવાન શંકર અને માતા પાર્વતી અહીં ચોપાટ પણ રમે છે!
- આ મંદિરનું નિર્માણ સને 1063માં રાજા ઉદયાદિત્યે કરાવ્યું હતું એવું અનુમાન છે
ભારતનાં કેટલાંક રાજ્યોમાં એવાં શિવ મંદિરો પણ આવેલાં છે જે ખૂબ જ જૂનાં અને પૌરાણિક છે! તો કેટલાંક રાજ્યોમાં એવાં શિવમંદિરોમાં પણ છે જે ચાળીસ કે પચાસ વર્ષ જૂનાં છે પરંતુ તેનું માહાત્મ્ય ખૂબ જ અનેરું છે. ભારતમાં ભગવાન શંકરનાં મુખ્ય બાર જ્યોતિર્લિંગમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે. આ ઓમકારેશ્વર મંદિર ભારતના મધ્ય પ્રદેશના ખંડવા નામના જિલ્લામાં નર્મદા નદી નજીક આવેલા શિવપુરી અને માંધાતા પાસે આવેલું છે.
મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
આ મંદિરનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું તે વિશે કોઇ ખાસ તથ્ય મળતું નથી, પરંતુ તેનાં કેટલાંક ઐતિહાસિક પ્રમાણો મળ્યાં છે જે પ્રમાણે આ મંદિરનું નિર્માણ સને 1063માં રાજા ઉદયાદિત્યે કરાવ્યું હતું એવું અનુમાન છે. રાજા ઉદયાદિત્યએ ચાર મોટા પથ્થરોને સ્થાપિત કર્યા હતા અને તેના પર સંસ્કૃત ભાષામાં કેટલાક સ્તોત્ર કંડારવામાં આવેલા હતા. ત્યારબાદ સને 1195માં રાજા ભારતસિંહ ચૌહાણે આ મંદિરનું પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું.
મંદિર વિશે પ્રચલિત ત્રણ લોકકથા
ઓમકારેશ્વર મંદિર માટે કુલ ત્રણ લોકકથા ભારતભરમાં જાણીતી છે. જેમાં પહેલી લોકકથામાં જ્યારે નારદજી વિંધ્યાચલ પર્વત પર નીકળે છે તે દરમિયાન ત્યાં પર્વતરાજ કહેવાતા વિંધ્યાચલે નારદજીનો ખૂબ જ આદર-સત્કાર કર્યો અને તેમનું સ્વાગત કર્યું. થોડી વાર બાદ વિંધ્યાચલે નારદજીને કહ્યું કે, હું સર્વગુણ સંપન્ન છું અને મારી પાસે તમામ વસ્તુ છે. નારદજી ખૂબ જ શાંત રીતે તેમની વાતો સાંભળતા રહ્યા અને મૌન પણ રહ્યા. આ તરફ પર્વતરાજની વાતો સમાપ્ત થઇ ત્યારે નારદજી તેમને કહેવા લાગ્યા કે, મને ખબર છે આપ સર્વગુણ સંપન્ન છો પરંતુ તમે સુમેરુ (સમેરુ) પર્વતની જેમ ઊંચા નથી! તેમજ સુમેરુ પર્વતને જોઇએ તો તેનો ઊંચો ભાગ છેક દેવલોક સુધી પહોંચે છે પરંતુ તમે ત્યાં સુધી તો પહોંચી શકતા નથીને!
આખરે, નારદજીની વાતો સાંભળીને પર્વતરાજ પોતાને સુમેરુ પર્વત કરતાં ઊંચો સાબિત કરવાના પ્રયત્નો કરે છે. નારદજીની વાતો સાંભળીને પર્વતરાજ મૂંઝવણમાં પણ મુકાઇ જાય છે. અંતે તેઓ ગમેતેમ કરીને પોતાને ઊંચો સાબિત કરવાના પ્રયત્નો કરે છે. થોડો સમય વિત્યા બાદ તેઓ પોતાની જાતને ઊંચો સાબિત કરવા માટે ભગવાન શિવની આરાધના કરવા લાગી જાય છે. તેઓ સંપૂર્ણપણે શિવમય બનીને તન મન ધનથી શંકર ભગવાનની ઉપાસના કરવા લાગી જાય છે. પર્વતરાજ સતત છ મહિના સુધી કઠોર તપશ્ચર્યા કરે છે અને તેમના પર ભગવાન શંકર પ્રસન્ન થાય છે. ભોળાનાથ પર્વતરાજની ભક્તિ જોઇને તેમને કોઇ એક વરદાન માંગવાનું કહે છે.
સદાશિવ શંકરને પોતાની સમક્ષ જોઇને પર્વતરાજ કહે છે કે, હે ભગવાન મને એવી બુદ્ધિ પ્રદાન કરો કે, હું જે કંઇ પણ કાર્ય કરું તે સિદ્ધ થાય. શિવજીને પર્વતરાજ પાસે જોઇને ઋષિમુનિઓ પણ ત્યાં ઉપસ્થિત થયા અને ભોળાનાથ અહીં જ પોતાનો વાસ કરે તેવી પ્રાર્થના કરી. ભગવાન શંકર પણ સૌની વાત માનીને ત્યાં જ વસી ગયા. ત્યારબાદ અહીં સ્થાપવામાં આવેલું શિવલિંગ બે ભાગમાં વિભાજિત થઇ ગયું જેમાં વિંધ્યાચલ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પાર્થિવ લિંગનું નામ મમલેશ્વર લિંગ રાખવામાં આવ્યું જ્યારે જે જગ્યા પર ભગવાન શંકરનો વાસ માનવામાં આવે છે તેને ઓમકારેશ્વર શિવલિંગ નામ રાખવામાં આવ્યું.
ઓમકારેશ્વરની બીજી લોકકથામાં કહેવાય છે કે, રાજા માંધાતાએ અહીં ભગવાન શંકરનું ધ્યાન કરીને ખૂબ જ આકરામાં આકરી તપશ્ચર્યા કરી હતી. ત્યારબાદ ભગવાન શંકર રાજા માંધાતા ઉપર પ્રસન્ન થયા હતા. રાજા માંધાતાએ પણ ઋષિમુનિઓની જેમ જ ભગવાન શંકરને અહીં વસી જવા જણાવ્યું હતું. ત્યારથી જ અહીં ઓમકારેશ્વર નામનું શિવલિંગ સ્થાપિત છે અને આ લોકકથા વધારે પ્રચલિત છે. જ્યારે ત્રીજી લોકકથામાં એમ કહેવામાં આવ્યું છે કે, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું ત્યારે તમામ દેવતાઓ દાનવોથી હારી ગયા હતા. દાનવોથી હાર્યા બાદ દેવતાઓ ખૂબ જ હતાશ થયા અને ભગવાન શિવની પૂજા-અર્ચના શરૂ કરી દીધી. દેવતાઓ દ્વારા કરવામાં આવેલી પૂજા-અર્ચનાથી ભગવાન શંકર તેમનાથી પ્રસન્ન થયા અને ભગવાન શંકર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ત્યારબાદ તેમણે તમામ દાનવોને પરાજિત કર્યા હતા. અલબત્ત, ઓમકારેશ્વરનો ઉલ્લેખ ઘણી લોકકથાઓમાં પણ જોવા મળી રહ્યો છે.
મંદિરમાં કઈ-કઈ નદીનો સંગમ છે?
ઓમકારેશ્વર મંદિરમાં નર્મદા નદી અને કાવેરી નદીનો સંગમ જોવા મળે છે. ઓમકારેશ્વરમાં મમલેશ્વર અને ઓમકારેશ્વર એમ જે બે જ્યોતિર્લિંગ સ્થાપિત છે, તેમાં ઓમકારેશ્વર માંધાતા પર્વત અને શિવપુરીના મધ્યમાં સ્થિત છે જ્યારે દક્ષિણ તટે મમલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે.
માતા પાર્વતી અને ભગવાન શિવ અહીં આરામ કરવા આવે છે!
ભગવાન શંકરનાં 12 જ્યોતિર્લિંગમાં ઓમકારેશ્વર મંદિરનો અલગ જ મહિમા છે. ભગવાન શંકર અને માતા પાર્વતી ત્રણેય લોકમાં ભ્રમણ કરતાં હોય છે અને તેઓ રાત્રીના સમયે ઓમકારેશ્વરમાં વિશ્રામ કરવા આવે છે. આ મંદિરના અન્ય મહિમા વિશે એમ પણ કહેવાય છે કે, ભગવાન શંકર અને માતા પાર્વતી અહીં ચોપાટ પણ રમે છે! રોજ સાંજની આરતી બાદ અહીં ચોપાટના સીધા પાસા રાખવામાં આવે છે અને રાત્રે અહીં કોઇને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જ્યારે વહેલી સવારે આરતી માટે ગર્ભગૃહ ખોલવામાં આવે છે ત્યારે ચોપાટ પરના પાસા આડાઅવળા જોવા મળતા હોય છે!
કેવી રીતે પહોંચશો?
ઓમકારેશ્વર પાસેનું સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દૌરમાં અહિલ્યાબાઇ હોલ્કર એરપોર્ટ છે. અહીંથી ઓમકારેશ્વર અંદાજિત 84 કિમી.આવેલું છે. જો તમે સડકમાર્ગથી આવવા માંગતા હો તો ખંડવા અને ઇન્દૌરથી મધ્ય પ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમની બસોથી પણ આવી શકો છો. આ સિવાય અન્ય ખાનગી વાહનો દ્વારા પણ આપ અહીં સરળતાથી આવી શકો છો. જ્યારે રેલમાર્ગ માટે મોટાભાગના મુખ્ય શહેરની ટ્રેન ખંડવા આવે છે અને ખંડવાથી ખાનગી વાહનો કે બસો દ્વારા ઓમકારેશ્વર જઈ શકાય છે.