વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે : વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજનનો છે અનેરો મહિમા
આજથી પ્રકૃતિ સોળે કલાએ ખીલવાનું શરૂ કરશે : ઋતુઓના રાજા વસંતની શરૂઆત
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના!
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના!
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના!
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
— મનોજ ખંડેરિયા
પ્રકૃતિનું સૌથી રમણીયરૂપ નિહાળવું હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી અનુભવવાનું શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. આથી જ વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.
આજથી ઋતુઓના રાજા વસંતની શરૂઆત થઈ ચૂકી છે. વસંત પંચમી પર આપણા પાક, ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. ઋતુરાજ વસંતનુ ખૂબ મહત્વ છે. તેની છટા નિહાળીને જડ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ મોટી છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફ્રૂતિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે. આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે.
વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ.