જૂનાગઢ-માણાવદર હાઇવે ઉપર માણાવદરથી 6 કિમીના અંતરે આવેલું ‘ચંદ્રશ્રુતિ’ એટલે 65 વર્ષ વટાવી ચૂકેલા વડીલો માટેનું વિરામસ્થાન. તાલુકા મથક માણાવદર એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સોલવન્ટ પ્લાંટ અને જીનીંગ-પ્રેસિંગ ઉદ્યોગ માટે વિખ્યાત હતું. માણાવદરના વતની ચંદ્રકાંતભાઈ દોશીએ રાજકોટ નજીક શાપર ખાતે રાજુ એન્જિનિયરિંગની સ્થાપના સાડા ત્રણ દાયકા પૂર્વે કરી હતી. સમયની સાથે અને સંચાલકોના પુરૂષાર્થ સાથે રાજુ એન્જિનિયરિંગ કંપનીએ ખૂબ વિકાસ સાધ્યો છે પરંતુ કંપનીના સંચાલકે માણાવદર સાથેનો સંબંધ અતૂટ જાળવી રાખ્યો છે. તળ ભૂમિ પ્રત્યેના લગાવથી દોશી પરિવારને માણાવદરમાં ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમનો તારીખ 28-8-2021 ના રોજ આરંભ કર્યો હતો.
‘ચંદ્રશ્રુતિ’ના સંચાલક અને રાજુ એન્જિનિયરિંગના મેનેજિંગ ડિરેક્ટર રાજુ દોશીએ આપેલી માહિતી પ્રમાણે દોશી પરિવાર (માણાવદર) રચિત શ્રુતિના ફાઉન્ડેશન સંચાલિત, ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમ પાંચ વીઘા જમીનમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું સંકુલ છે. પ્રાકૃતિક અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં માણાવદરની આસપાસના ગામોના, જTનાગઢ જિલ્લાના અને રાજકોટના મળીને કુલ 19 અંતેવાસીઓ અહીં રહે છે. જેમાં ૧૨ પુરૂષો અને સાત મહિલાઓ છે. ઈમારતના પ્રાંગણમાં પ્રવેશી એટલે કુદરતી શાંતિનો અનુભવ થાય એક તરફ મહાદેવનું મંદિર બીજી તરફ બગીચો અને ફળ વૃક્ષો તથા શાકભાજીના છોડવાઓથી સંકુલ હર્યું ભર્યું લાગે.
‘ચંદ્રશ્રુતિ’માં બે તરફથી વીંગમાં આઠ-આઠ મળી કુલ ૧૬ રૂમો છે. સામુહિક ભોજનાલયને ‘સંતૃપ્તિ’ અને સત્સંગ હોલને ‘સંગાથ’ નામ અપાયું છે. નવરાત્રિના દિવસોમાં આસપાસના ગામની બાળાઓને અહીં સંસ્થાની બસ દ્વારા લાવીને ‘સંગાથ’માં નવરાત્રીની ઉજવણી કરાય છે. માણાવદરના મહિલા મંડળો સહિતના મંડળોને પોતાનો કાર્યક્રમ અહીં કરવો હોય તે તો સંસ્થાના સંચાલકોનો સંપર્ક સાધે છે. જૈન મુનિઓ સાથે શ્રાવકો વિહાર કરતી વેળાએ ‘ચંદ્રશ્રુતિ’માં વિરામ લે છે.
ચંદ્ર સુધીની બે ત્રણ વિશેષતાઓ છે એક અહીં કોઈ વ્યક્તિ પાસેથી નાણાકીય અથવા ચીજ વસ્તુઓનું દાન સ્વીકારવામાં આવતું નથી. રાજુભાઈ કહે છે કે જેને આપવું હોય તે સમય દાન આપો. કેટલાક અંતેવાસીઓના પરિચિતો ફ્રુટ, બિસ્કિટ, દૂધ લાવે તો તેનો આભાર અસ્વીકાર કરાય છે.
રાજુભાઈ દોશી અને તેમના પત્ની રીટાબેને સેવા કરવાની ભાવના સાથે 32 વ્યક્તિનો સમાવેશ કરતા આ વૃદ્ધાશ્રમનો આરંભ કર્યો હતો. દંપતીની ઈચ્છા અહીં સમય મળે તેમ આવીને રહેવાની હતી. રીટાબેનનું 2022 માં મૃત્યુ થયા પછી રાજુભાઈ બેવડી જવાબદારી વહન કરે છે. સંગાથ હોલમાં દર મહિને જેનો જન્મદિવસ આવતો હોય તેની ઉજવણી કેક કટિંગ કરીને મનાવાય છે. સવાર સાંજ અહીં સત્સંગ થાય છે મહિલાઓ અલ્પ શિક્ષિત છે પણ રાજકોટના એક અંતેવાસી રેખાબેન શિક્ષિત છે. તેઓ મહિલાઓને સમક્ષ ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરે છે આશ્રમના અંતેવાસીઓને આ પ્રવૃતિમાં રસ પડ્યો છે.
વડીલોને દર મહિને એક દિવસનો પ્રવાસ કરાવાય છે. તે માટે સંસ્થા પાસે બસની વ્યવસ્થા પણ છે. સાફ-સફાઈ સતત થતા. રહેતા હોવાથી સમગ્ર સંકુલ ચોખ્ખું ચણાક હોય છે. રસોઈ, સફાઈ વગેરે માટે છ વ્યક્તિનો સ્ટાફ છે. ગીરીશભાઈ સહિતના ચાર સ્થાનિક મિત્રો સંસ્થામાં વિના મૂલ્યે સમય દાન આપી વ્યવસ્થા જાળવે છે.
રાજુભાઈ દોશી રાજકોટમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. તેવું ક્લિનિક આ સંકુલમાં પણ છે. સમયાંતરે રાજુભાઈ અહીં દર્દીઓને તપાસે છે. સંસ્થાના અંતેવાસીઓને દવા આશ્રમમાંથી અપાય છે. 65 વર્ષથી ઉપરના નિરાધાર અથવા પુત્રી ધરાવતા વયસ્કોને ‘ચંદ્રશ્રુતિ’માં પ્રવેશ અપાય છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની એક સારી સામાજિક સંસ્થા માણાવદરમાં છે તેમ કહી શકાય.