ઈશ્વરીયા આસપાસના ગામોમાં 60 હેકટરમાં ઊગે છે ડ્રેગન ફ્રૂટ જેવા રોકડીયા પાક
આજે તા.૨૨ માર્ચ એટલે ‘વિશ્વ જળ દિવસ’, આ એક જ દિવસ માટે નહીં પણ જીવન પર્યંન્ત સૌ કોઇએ એ સમજવુ જોઇએ કે, જળ એ જ જીવન છે, તેને બચાવશુ તો આપણી આવનાર પેઢીનું જીવન હર્યુભર્યુ રહેશે. આ સો ટચના સોના જેવી હકિકત સૌ કોઇએ સમજવી જ રહી. વેસ્ટેજ પાણીનો સદઉપયોગ કરીને પણ આ સુત્રને સાર્થક કરી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ આવા જ એક અભિગમ સાથે શહેરમાંથી નીકળતા ડ્રેનેજના ગંદા પાણીને પીવા સિવાયના ખેતી, ઔદ્યોગિક એકમો, બાગ-બગીચા અને અન્ય વપરાશમાં લેવા માટે એક ભગિરથ પ્રયાસ શરૂ કરેલો છે અને તેમા નોંધપાત્ર કહી શકાય તેવા સારા પરિણામ મળી રહ્યા છે. શહેરમાંથી નીકળતા ગટરના ગંદા પાણીને શુધ્ધ કરાયા બાદ નીકળતા પાણીમાંથી આજે ઇશ્વરિયા, આણંદપર સહિતના વિસ્તારોમાં ૬૦ હેકટરથી વધુ વિસ્તારમાં ખેતી લીલીછમ્મ રહે છે. એટલુ જ નહીં રાજકોટના ખંઢેરીમાં આવેલુ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના મેદાનનો નિભાવ પણ રાજકોટના ગંદા પાણીથી જ થઇ રહ્યુ છે.
રાજકોટમાં વપરાશી પાણી ડ્રેનેજ સિસ્ટમ મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થતા ટ્રીટેડ વોટરનો શક્ય તેટલા ક્ષેત્રોમાં પૂન: ઉપયોગ થાય અને તેના પરિણામે ચોખ્ખા પાણીનો શક્ય તેટલો બચાવ થાય તે માટે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવેલી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુનઃ વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તેના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ સંકુલમાં વપરાશ માટે માસિક આશરે ૩૦ લાખ લીટર ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા વોટર O & M સેલ (ડ્રેનેજ) શાખા હસ્તક હાલમાં કુલ ૭ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા ૩૩૧.૫ એમ.એલ.ડી. છે, જેમાં પ્રતિદિન ૨૬૦ એમ.એલ.ડી. સુએઝને ટ્રીટ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલઆ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલ પાણીને પુનઃ વપરાશ માટે જેવા કે ગાર્ડન, બાંધકામ તેમજ ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઇ શકાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીયુઝ પોલીસી બનાવવામાં આવી છે, જે અન્વયે નિયત થયેલ દરે પાણીના ચાર્જ વસુલીને જળ જથ્થો આપવાની નીતિ અપનાવવામાં આવેલ છે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. જેમાં ઈશ્વરીયાની મંડળીના ૩૧ સભ્યો ૪૪.૫૯ હેક્ટર ખેતીની જમીનમાં અને આણંદપરની મંડળીના ૧૩ સભ્યો ૧૬.૩૭ હેક્ટર ખેતીની જમીનમાં આ ટ્રીટ થયેલું પાણીની મદદથી કૃષિ પાક લઇ રહ્યા છે.
૨૦૨૫ સુધીમાં વોટર ૭૦ ટકા વેસ્ટ વોટર રીયુઝનો લક્ષ્યાંક
રાજકોટ મહાનગરપાલિકાને “ગુજરાત સરકાર વેસ્ટ વોટર રીયુઝ પોલીસી”ના ૨૦૨૫ સુધીમાં ૭૦% વેસ્ટ વોટર રીયુઝના લક્ષ્યાંકને મેળવવામાં સરળતા રહેશે. તેમ ઉમેરતા મ્યુનિ. કમિશન આનંદ પટેલે કહ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સેક્ટર જેવા કે ઉદ્યોગો, બાંધકામ, બાગાયત, વગેરેમાં સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ માટે અલગઅલગ સમૂદાયો સાથે બેઠકના આયોજન પ્રગતિમાં છે. ૨૦૨૫ સુધીમાં મનપાનો એવો લક્ષ્યાંક છે કે, ૭૦ ટકા વેસ્ટ વોટર રીયુઝ થાય.
નાકરાવાડીમાં સુએઝનું ટ્રીટ વોટર પહોંચાડવા ૧૨ કી.મી. પાઇપલાઇનનું કામ ચાલુ
રાજકોટ આખાનો કચરો જ્યા ઠલવાય છે એ નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે સુએજ ટ્રીટેડ વોટરની ૧૨ કી.મી.ની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે, જે પૈકી ૮ કી.મી. પાઈપલાઈન બિછાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩ એમ.એલ.ડી. જળ જથ્થો આપી શકાશે. આમ સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ વડે રાજકોટ મહાનગરપાલિકા પીવાના શુધ્ધ પાણીનો સારી એવી માત્રામાં બચાવ કરી શકશે.
મનપામાં અલગથી ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ બનશે
આવનારા દિવસોમાં ટ્રીટેડ વોટરનો પીવા પાણી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગ થાય અને જેની સામે પીવા લાયક પાણીની શહેરીજનો માટે બચત થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટ મુજબ ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ (જળ વ્યવસ્થાપન માટે ખાસ સમર્પિત એકમ)ની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત જળ સંચય સેલ કાર્યરત કરવામાં આવી છે.