રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે ઉઠેલો
પ્રચંડ ઉત્સાહ આજે ઓસરી કેમ ગયો ?
લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમા ઉમેદવારોની પસંદગી સાથે સતાનું રણમેદાન બન્યુ ગુજરાત
વડોદરા,સાબરકાંઠા,અમરેલી,રાજકોટ,જૂનાગઢ સહિત અનેક સેન્ટર આજે ધુંધવાટમાં છે
રર જાન્યુઆરી ર૦ર૪ના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ યોજાયો ત્યારે દેશભરમાં જે રામભકિતનો જુવાળ ઉઠયો હતો તે કલ્પનાતિત હતો.અયોધ્યા રામમંદિર માટે અડવાણીજીની રથયાત્રાથી માંડી પી.એમ. મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપનું યોગદાન સૌથી મહત્વનું રહયુ. કાનુની ક્ષેત્રમાં પણ મંદિર સામે કદી પડકાર ન ફેંકાય એ રીતે ન્યાયિક ચુકાદા માટે લડત સફળ રહી.લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે કે ભારતિય જનતા પાર્ટી માટે લાલજાજમ દેશભરમાં પથરાઇ ગઇ હોય તેવું લાગતું હતું. આ લોકઉત્સાહના આકલન બાદ જ ભાજપના હાઇકમાન્ડે અબ કી બાર ૪૦૦ કે પાર સૂત્ર પણ વહેતું કરી દીધુ. પરંતુ રર જાન્યુઆરી ર૦ર૪ અને ર એપ્રિલ ર૦ર૪ માત્ર ૯૦ દિવસમાં સર્યુ નદીમાં ઘણા નીર વહી ગયા. ઘડિયાળના કાંટા સતત ફરતાં રહયા. સમયના ચક્રમાંથી ઘટનાઓના જે મણકા છુટ્ટા પડયા તે ઘટનાઓએ નવા નવા આઘાત પ્રત્યાઘાત પાડયા.
સૌ પ્રથમ જોઇએ તો કોંગ્રેસ અને વિપક્ષને નિષ્પ્રાણ કરવાના આશયથી વિપક્ષી નેતાઓ અને વિપક્ષો સામે કરવામાં આવેલી વિવિધ એજન્સી ઇ.ડી., સી.બી.આઇ. આવકવેરા વગેરેની કાર્યવાહિએ સરકારની નીતિ રીતિ સામે સમાજના એક વર્ગમાં સવાલ પેદા કર્યા. બીજી બાબત પક્ષમાં આમૂલ પરિવર્તન કરવા માટે લગભગ તમામ રાજયોમાં કોંગ્રેસ તથા જે તે રાજયોમાં ભાજપ મજબુત હોય કે નબળી એ રાજયના વિપક્ષી નેતાઓને ભાજપમાં જોડવાની ઝૂંબેશ. ત્રીજી બાબત ભારતિય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારો અને જે રાજયોમાં વિધાનસભાની પેટા ચૂંટણી અને ચૂંટણીઓ છે ત્યાં મોટા પાયે પક્ષાંતર કરાવી જે તે આયાતી ઉમેદવારોને ભાજપમાં જોડી ટિકિટ આપવાનું અભિયાન કરવામાં આવ્યુ તે. ચોથી અને ખુબ જ મહત્વની બાબત ઇલેકટરોલ બોન્ડની વિગતો જાહેર કરવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ જાહેર કર્યા બાદ કોર્પોરેટ અને ભાજપ સહિતના પક્ષો વચ્ચેના આર્થિક વ્યહવારો ખુલ્યા તે બાબત. તેની પેટા બાબત તરીકે જે તે કંપનીઓમાંથી ચોકકસ કંપનીઓએ ઇ.ડી. અને સી.બી.આઇ. જેવી એજન્સીઓની ધોંસ બાદ ચૂંટણી ફંડમાં નાણા આપ્યા એ બાબતે ભાજપ પણ દુધે ધોયેલો નથી એવા આક્ષેપ કરવાની કોંગ્રેસને દસ્તાવેજી તક મળી.
ભારતિય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી, રામભકત અને પાર્ટી વીથ ડિફરન્સ સહિતના મુખ્ય મુદાઓ સાથે બહુમતી હિન્દુસમાજ સાથે કનેટક હતો. આ પક્ષે રાજકારણના નવા યુગનો પ્રારંભ કર્યો. આ માટેની પ્રયોગશાળા મુખ્યત્વે ગુજરાત અને ઉતરપ્રદેશ રાખવામાં આવી. આ પ્રયોગશાળામાં નેતાઓની કદાચ દુરંદેશી હશે પરંતુ ભાજપને તળેટીએથી ટોચ ઉપર પહોંચાડનાર કાર્યકરો અને નેતાઓ હાંસિયામા ધકેલાયા તેનું પરિણામ હવે જોવા મળે છે. ભાજપ ગુજરાતમાં ર૬માંથી ર૬ બેઠક લડે છે. ગત વર્ષે તમામ ર૬ બેઠકો મેળવી હતી. આ વખતે ર૬ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો ભાજપનો નિર્ધાર છે. પરંતુ આજે ર૬માંથી અંદાજે અડધો ડઝન બેઠક ઉપર ભાજપમાં આંકતરિક અસંતોષની આગ લપકે છે. જેમાં સૌ પ્રથમ બે બેઠકની વાત કરીએ. વડોદરા અને રાજકોટ બેઠક. આ બન્ને બેઠક ઉપર પી.એમ. મોદીનું કનેકશન છે. રાજકોટ બેઠક ઉપર વડાપ્રધાન તેમની રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી લડી અને ધારાસભ્યપદ મેળવ્યુ હતું. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. બીજુ વડોદરા બેઠક. જયાં પી.એમ. મોદીએ લોકસભાની ચૂંટણીમાં યશસ્વી વિજય મેળવ્યો હતો. વડાપ્રધાનની વિરાસત જેવી આ બન્ને બેઠકો આજે વિવિધ કારણોસર વિવાદમાં સળગે છે. વડોદરામા પાર્ટીએ જાહેર કરેલાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચાઇ. ડો.ચિરાગ જોશીને તેમનાં સ્થાને ઉમેદવારી કરવાની જાહેરાત થઇ. આમ છતાં હજુ વડોદરાનો મામલો પૂરો થાળે નથી પડયો.
બીજુ રાજકોટમાં કેન્દ્રિય મંત્રી પરશોતમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી. તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે જ સ્થાનિક દાવેદાર નેતાઓના મોં પડી ગયા હતાં. પરંતુ લાફા મારીને મોં લાલ રાખવાની કોશિષ થઇ. આ બધી ભાંજગડમાં રૂપાલાજીની જીભ લપસી અને ક્ષત્રિય સમાજના દિલને ઠેસ પહોંચે એવુ વિધાન થઇ ગયુ.જબ્બર વિરોધ થયો. જેને અસંતુષ્ઠોની મદદથી હવા મળી.આમ રાજકોટ બેઠક પણ હાલ વિવાદમા સપડાઇ ગઇ. અમરેલી બેઠકમાં તો પૂર્વ સાંસદ કાછડિયાએ પોતાને ટિકિટ મળશે એ ગણતરીએ કાર્યાલય પણ ખોલી નાંખ્યુ હતું. પરંતુ ભાજપે ભરત સુતરીયાને ટિકિટ આપી. આથી કાછડિયા ગિન્નાયા. આ વિરોધનો મામલો મારા મારી સુધી પહોંચ્યો. હાલ તુરંત ડેમેજ મેનેજમેન્ટ થયુ છે. પરંતુ મન ખાટા થઇ ગયા છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજે જાહેર નિવેદન કર્યુ છે. લાડાણીને માણાવદર બેઠક ઉપર ટિકિટ આપી ત્યાં પણ જવાહર ચાવડાની નારાજગી ચાલતી હોવાના અહેવાલ છે.ગુજરાતમાં આણંદ,વલસાડ,સાબરકાંઠા,બનાસ કાંઠા,મહેસાણા સહિતના શહેરોમાં પણ આંતરિક વિરોધ ચાલે છે.
એકંદરે રામ મોજાની અસર ઘટી ગઇ છે. અને આયાતીની અસર વધી છે. જે કારણે હજુ ચૂંટણી માહોલ ભાજપની બાજુએ પૂરો જામતો નથી. સામે કોંગ્રેસ ઉપર સંજીવની છાંટવાનું કામ થયુ છે. અનેક બેઠક ઉપર કોગ્રેસ જીતનો દાવો કરી રહી છે. આપના ઉમેદવાર ચૈતર વસાવાના વિજય વિષે તો દેશના મિડિયામાં પણ અટકળો થવા માંડી છે. એકંદરે ગુજરાતને ભાજપની પ્રયોગશાળા બનાવવા જે પ્રયોગો થયા છે તે સફળ થશે કે લેબોરેટરીમાં ઓપરેશન દરમિયાન જ દર્દી ડચકાં ખાઇ જશે તે સમય બતાવશે.