ખનીજોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓને 2.55 લાખનો દંડ ફટકાર્યો : ખનીજનો જથ્થો સીઝ વેપારીઓમાં ખળભળાટ
વેરાવળમાં જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરતા આસામીઓ સામે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લાલ આંખ સમાન કાર્યવાહી કરી છે. જેમાં વેરાવળના તાલાલા રોડ ઉપર રેતી, કપચી અને બેલા પથ્થરનો રસ્તાના માર્જીનની જગ્યામાં ગેરકાયદે સ્ટોક કરતા વેપારીઓ ઝપટે ચડ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર 255 મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન, 170 મે.ટન સાદી રેતી તથા 48 મે. ટન બ્લેકટ્રેપ અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ખનીજનો જથ્થો સીઝ કરી તમામ આસમીઓને રૂ.2.55 લાખનો દંડ ફટકારતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, ડીડીઓ સ્નેહલ ભાપકર સહિત જિલ્લાના શીર્ષ અધિકારી અને કર્મચારીઓ ગઈકાલે મતદાર જાગૃતિ સતર્કતા રેલી તથા શહેરના સંવેદનશીલ મતદાન મથકના વિસ્તારોની ફલેગ માર્ચની ફેરણી દરમ્યાન વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં તાલાલા નાકાથી આઈ.ડી. ચૌહાણ સ્કુલ તરફ જતા રસ્તાના માર્જીનની જગ્યામાં વેપારીઓ દ્વારા ગેરકાયદે રેતી, બેલા–પથ્થર, કપચી વગેરે ખનીજોના સ્ટોક લાયસન્સ મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર જ જવાબદાર ખાણ-ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા.
જેના પગલે તંત્ર દ્વારા તાલાલા રોડ પર ગેરકાયદે ખનીજ સ્ટોક કરનાર અલીફ એન્ટરપ્રાઇઝ, બાસઠીયા ટીમ્બર્સ, સ્ટાર બિલ્ડીંગ મટીરીયલ, મોરી સીરામીક, રોયલ બિલ્ડીંગ મટીરીયલ સહિતના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી સ્થળ પરથી 255 મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન, 170 મે.ટન સાદી રેતી તથા 48 મે. ટન બ્લેકટ્રેપનો અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ખનીજનો જથ્થો સીઝ કરી તમામ આસમીઓને રૂ.2.55 લાખનો દંડ ફટકાર્યો છે. કલેક્ટર જાડેજાની આકરી કાર્યવાહીના પગલે ગેરકાયદેસર વેપાર કરતા આસામીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.