વિશ્વને અચરજ થાય એવી ઘણા પડકારો ચૂંટણી પંચ પાર પાડે છે !
૯૭ કરોડ મતદાર, ૧૦.પ લાખ પોલીંગ સ્ટેશન,૧.પ કરોડ પોલીંગ ઓફિસિયલ્સ,સિકયુરિટી સ્ટાફ પપ લાખ ઇવીએમ ૪ લાખ વાહનોનો
પાવર કામે લાગે છે વિશ્વના સૌથી મોટા દેશની લોકસભાની ચૂંટણી માટે
હિમાલયની ઉતુંગ શિખરમાં ,દરિયા વચ્ચેના ટાપુમાં, ગીરના ગીચ જંગલમાં,નક્ષલીથી ઘેરાયેલા વિસ્તારમાં ચૂંટણી તંત્રના કર્મચારીઓ મતદારો સુધી પહોંચે છે
ચૂંટણીની મોસમ આવે એટલે ચુંટણી તંત્રની કચેરીમાં જે કર્મચારીઓના નામ ફરજની યાદિમાં આવ્યા હોય તેમાંથી ઘણા લોકો સાચા અને ખોટા કારણે નામ રદ કરાવવા આવે છે. કારણ કે ભારતની ચૂંટણી પ્રક્રિયા એક પડકાર છે. બારે માસ એરકન્ડીશન્ડ ચેમ્બરોમાં કે કચેરીઓના ઓરડામાં આરામથી કરેલી નોકરી જેવી આ નોકરી નથી. તમે સરકારી કર્મચારી હો તો તમને ચૂંટણી ફરજ ઉપર તમારા વિસ્તારમાં કયાંય પણ મૂકી શકાય છે. તમારે ગીચ જંગલમાં એક મતદાર માટે વેરાન જગ્યાએ જવુ પડે. તમારે છતીસગઢ જેવા નક્ષલી વિસ્તારમાં જાન હથેળી ઉપર લઇને જવુ પડે. હિમાચલની ઉતુંગ ગીરીમાળામાં નિર્જન વિસ્તારમાં પણ ફરજ બજાવવી પડે. આ ઉપરાંત રાજકિય પક્ષો અને માફિયાઓના દબાણનો પણ સામનો કરવો પડે. ભારતનું ચૂંટણી પંચ અને કર્મચારીઓ જે ફરજ બજાવે છે એ પડકારરૂપ જ નથી. વિશિષ્ઠ પણ છે. વિશ્વના સૌથી મોટા લોકશાહિ દેશની ચૂંટણી વ્યવસ્થાનો સમગ્ર વિશ્વએ સ્ટડી કેસ તરીકે અભ્યાસ કરવો પડે.
ર૦ર૪ની લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. તેનો વ્યાપ અને તેની વ્યવસ્થા,સંશાધનો,ટેકનોલોજી,મેનપાવર દરેક બાબતે અજોડ છે. આ ચૂંટણીમાં કુલ ૯૭ કરોડ મતદારોના મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને માટે દેશભરમાં ૧૦.પ લાખ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. દોઢ કરોડ ચૂંટણી કર્મચારીઓ,અધિકારીઓ અને સલામતિ સ્ટાફ આ ચૂંટણી માટે તહેનાત કરવામાં આવશે. દેશભરમાં પપ લાખ ઇવીએમ ગોઠવાશે. કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓની હેરફેર માટે ૪ લાખ વાહનો તહેનાત કરાશે.
આગામી ચૂંટણીમાં ૯૭ કરોડ મતદારોમાંથી ૪૯.૭ કરોડ પુરુષ મતદારો તથા ૪૭.૧ કરોડ મહિલા મતદારોનો સમાવેશ થશે. કુલ ૯૬.૮ કરોડ મતદારો છે. જેમા ૮પ થી વધુ વયના સિનિયર સિટિઝનની સંખ્યા ૮ર લાખ છે. જયારે ૪૮ હજાર ટ્રાન્સજેન્ડર છે. પ્રથમ વખત મતદાન કરતાં યુવા મતદારોની સંખ્યા ૧.૮ કરોડ છે. જયારે ર૦થી ર૯ની વયના કુલ મતદારોની સંખ્યા ૧૯.૭૪ કરોડ છે. ૮૮.૪ લાખ દિવ્યાંગ મતદારો છે. જયારે ૧૯.૧ લાખ સેવાકર્મી મતદારો છે. ૧૦૦ વર્ષની વય વટાવી ગયેલા મતદારોની સંખ્યા પણ ર.૧૮ લાખ છે. દેશમાં સતાયુ મતદારોની હૈયાતી દિર્ઘાયુની એક નિશાની છે. તેમનું મતદાન પણ એક ઐતિહાસિક દસ્તાવે જ છે.
ચૂંટણી પંચનું કાર્ય મોબાઇલ સ્ક્રિન ઉપર દેખાય છે એટલું સહેલું નથી હોતું. દરેક કર્મચારીન એક સૈનિક તરીકે કાર્ય કરવુ પડે છે. વિશ્વમાં સૌથી વધુ ભૌગોલિક,સામાજીક,હવામાન અને સંસ્કૃતિની ભિન્નતાનો સામનો ચૂંટણી કર્મચારીઓને કરવો પડે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભરૂચના આલિયા બેટ કે શિયાળબેટ ટાપુ ખાતે નહિવત મતદારો માટે દરિયો પાર કરીને મતદાન મથક અનુ મતદાન વ્યવસ્થા ગોઠવવી પડે છે. હિમાચલ પ્રદેશમાં વિશ્વના સૌથી ઉતુંગ શિખર તાશિગેંગ ઉપર ચૂંટણી સ્ટાફને પહોંચાડવો અને વિષમ હવામાન વચ્ચે મતદાન કરાવવું એ એક યુધ્ધના પડકારથી કમ નથી. અરૂણાચલના પડકારજનક પર્વતો અને ખીણ પ્રદેશમાં જંગલમાં મતદાનની વ્યવસ્થા કરવી, છતીસગઢના ચાંદામેટા જેવા વિસ્તારમાં ચૂંટણી પંચ સૌ પ્રથમ વખત મતદાન મથક ઉભુ કરી રહયુ છે. નક્ષલી વિસ્તારોમાં ચૂંટણી કર્મીઓ ઉપર પણ જાનનું જોખમ હોય છે. જેમ સૈનિકો ઉપર હોય છે. રાહુલ ગાંધી જયાંથી ગત ચુંટણીમાં સાંસદ બન્યા હતાં તે વાયનાડના અભયારણમાં એક મતદાર માટે મતદાન મથક બનશે. ત્રિપુરાના ડંબર લેક તરીકે ઓળખાતા જળવિસ્તારમાં એક ટાપુ ઉપર મતદાન મથક ઉભુ કરાશે. ભારતના ચૂંટણી પંચને કચ્છના રણમાં ૭મી મેએ ૪ર થી ૪3 ડીગ્રી તાપમાનમાં મતદાન વ્યવસ્થામાં તહેનાત રહેવું પડશે. રણ હોય કે જંગલ,જળ હોય કે પર્વત, ગરમી હોય કે કાતિલ ઠંડી ભારતની ચૂંટણીઓ સફળતાં પૂર્વક પાર પડે છે. દેશ એક લોકશાહિ પર્વ ઉજવે છે. આઝાદીના ૭પ વર્ષ બાદ આપણે અનેક ઉપલબ્ધી મેળવી છે. જેમાં આટલી વિશાળ સંખ્યામાં ફ્રિ,ફિયરલેસ અને લોકશાહિના ઉત્સવી જેવી ચૂંટણી વ્યવસ્થા પણ ઉપલબ્ધી છે. ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા સુરક્ષાકર્મીઓથી માંડી અધિકારીઓને પણ આ માટે ધન્યવાદ આપવા પડે.આ પણ એક મૂક સૈન્ય છે.