રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ
ગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ
જીસકા ડર થા વો હિ બાત હો ગઇ. અંતે ગુજરાતમાં લોકસભાની રપ બેઠક ઉપર ગઇ કાલે તારીખ ૭ મેના રોજ મતદાન થઇ ગયુ. મતદાન પૂર્વે જ કંગાળ મતદાન થવાની સહુને આશંકા હતી.ગુજરાતનું સરેરાશ મતદાન પ૯.૪૯ ટકા થયુ. ચૂંટણી પંચે રાત્રે સાડા બાર વાગ્યે જ મતદાનના ફાઇનલ આંકડા જાહેર કરી દીધા. ગુજરાતમાં સહુથી ઓછુ મતદાન અમરેલીમાં માત્ર ૪૯.રર ટકા નોંધાયુ છે. સહુથી વધુ મતદાન વલસાડમાં ૭ર.ર૪ ટકા નોંધાયુ છે. ઓછા મતદાન માટે ગરમી ઉપર માટલું ફોડવામાં આવે છે. પરંતુ સત્ય હકિકત એ છે કે ગુજરાતમાં ૪૦ ટકા લોકોને હવે લોકશાહિની આ પ્રણાલી અને ખાસ તો મતદાન પ્રક્રિયા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. આ માટે પ્રજા બીજો વિકલ્પ ન શોધે ત્યાં સુધી સહુથી વધુ જવાબદાર પોતે જ છે. હાલમાં તમારી પાસે વૈકલ્પિક સિસ્ટમ ન હોય ત્યાં સુધી આ સિસ્ટમમાં રહીને જ તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકયત: પરિવર્તન કરવું જોઇએ.
જો કે, પ્રજા બચ્ચાડી એકલી જ જવાબદાર નથી. ઓછા મતદાન માટે અવિશ્વાસના દાયરામાં આવી ચુકેલા ચૂંટણી પંચને અને તેના વર્તમાન ટોચના અધિકારીથી સ્થાનિક ઇ.સી.ને સરખા ભાગે જવાબદાર ગણી શકાય. તેઓ પ્રજાભીમુખ ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું ચુકયા છે. તેને બદલે તેમણે સતાભિમુખ ચૂંટણી વ્યવસ્થા તંત્રને પનપવા દીધુ. ગુજરાતમાં સુરતમાં ચૂંટણી જ ન થઇ તેને માટે સૌથી મોટી જવાબદારી ચૂંટણી તંત્રની છે. ૧૮ લાખ મતદારોના મતદાનના અધિકાર ઉપર તરાપ મારવી એ લોકશાહિનું નિર્મમ ખૂન છે. તેના ભાગીદારોમાં સતાધારી ભાજપ પક્ષ પ્રથમ તકસીરવાન છે. જયારે બીજા નંબરે વિરોધ પક્ષ કોંગ્રેસની બેદરકારી,ભોળપણ,મેળાપીપણુ જે કહો તે જવાબદાર રહયુ. આવી તકે લોકો ન્યાય તંત્ર ઉપર મીટ માંડે. ન્યાય તંત્ર સુધી કોઇ ન ગયુ. એ કોંગ્રેસના મગરના આંસુ કહી શકાય. કપીલ સિબ્બલ,પ્રશાંત જેવા કોગ્રેસ સમર્થીત વકિલોની ફોજ આતંકવાદીઓને છોડાવવા અડધી રાત્રીના કોર્ટના દરવાજા ખખડાવી ચુકયા છે. તેમની કોંગ્રેસે મદદ શા માટે ન લીધી એ સવાલ છે. ન્યાય તંત્રમાં પણ ટોચ ઉપર કેટલાક સારા જજમેન્ટ આવ્યા છે એટલે હજુ લોકવિશ્વાસ જળવાઇ રહયો છે. પરંતુ આ કિસ્સામાં આપણી સમગ્ર સિસ્ટમ પેરેલાઇઝ થઇ ગઇ.
કંગાળ મતદાનની વાત ઉપર પુન: પરત ફરીએ તો જયારે ૪૦ ટકા ઓછુ મતદાન થયુ ત્યારે તેના કારણોમાં સૌ પ્રથમ આ વખતે ચૂંટણી તંત્રએ શેરો શાયરી બહુ કરી.પરંતુ જમીની મામલામાં શાહમૃગી નીતિ અપનાવી. પ્રથમ બે તબકકાના પરિણામો જાહેર કરવામાં અસહ્ય અને આશંકિત કરે તેવો વિલંબ, વિરોધ પક્ષો દ્વારા સતાધારી પક્ષ સામે આચાર સંહિતાની ફરિયાદોને ફાઇલ કરી દેવા અને ફાલતું જવાબ આપવા સિવાય ચૂંટણી તંત્રએ કોઇ મહોર નથી મારી. જયારે ચૂંટણી તંત્ર પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે શાસક પક્ષના દબાવ,લોભ,લાલચમાં આવવા માંડે એવુ પ્રજાને લાગે ત્યારે લોકો સંઘર્ષના માર્ગે વળવાને બદલે શરણાગતિનો માર્ગ પસંદ કરી લ્યે છે. કારણ કે સરેરાશ સામાન્ય વર્ગનો માણસ શાંતિપ્રિય છે. તેમને સરકાર સાથે,પોલીસ તંત્ર અને રાજકિય માફિયાઓ સાથે સંઘર્ષ કરવાની તૈયારી અને ત્રેવડ નથી હોતી. આવા સંજોગોમાં નિરાશ સમુહ મતદાન ન કરી તેમનો અણગમો,અસહકાર,રોષ,અવજ્ઞા વગેરે વ્યકત કરે છે. કદાચ તેમની આ રીત લોકશાહિ માટે ઘાતક છે. પરંતુ જાહેરમાં મતદાનની અપીલ કરતાં રાજકિય પક્ષો ખાનગીમાં તેમના વિરોધી મતદારોને અંકુશમાં રાખે છે. જો તેમની વિરુધ્ધ જાય એવુ મતદાન હોય તો એવા આખા વર્ગને મતદાનથી અળગો રાખવા પ્રયાસ કરે છે.
દેશના ૯૭ કરોડ લોકો માટે ચૂંટણી તંત્ર અબજો –અબજો રૂપિયા ખર્ચ કરીને નિષ્પક્ષ અને નિર્ભિક ચૂંટણીની વ્યવસ્થા કરે છે. પરંતુ ચૂંટણીનો જુનો ઇતિહાસ લોહિથી ખરડાયેલો હતો. સુરક્ષાના મામલે પરિસ્થિતિ છેલ્લી ચૂંટણીઓથી સુધરી છે. આ બાબતનો સ્વીકાર કરવો પડે. પરંતુ સતાની નાગચુડમાંથી ચૂંટણી પંચ બહાર નથી રહયુ. જેથી મતદાન અંતે તો ઘેરાયેલો છે. જો ચૂંટણીમાં મતદાનની ટકાવારી આ રીતે૬૦ ટકાથી ઓછી થવાની હોય તો ભવિષ્યમાં હાલ થતી ચૂંટણી વ્યવસ્થા સામે મોટા ફેરફારો આવી રહયા છે. જેને કારણે સિસ્ટમમાં પણ ફેરફાર લાવવા પડશે. દેશને હવે એક સ્વતંત્ર ચૂંટણી પંચ જોઇએ છે જે સતાધારી પક્ષની ચાંપલુસી ન કરે. લોકોનો વિશ્વાસ વધારે એવી અપેક્ષા છે.