ગીર સોમનાથ જીલ્લામાં એક તરફ ઉનાળાના કાળઝાળ તડકા પડી રહ્યા છે તો બીજી તરફ જમીનમાં પાણીના તળ પણ નીચા ગયા છે. જેના પગલે પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે. ત્યારે નાગરીકોને પીવાના પાણીની અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ચાર તાલુકાના 43 ગામોમાં યુદ્ધના ધોરણે ટેન્કરો દ્વારા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. કારણ કે, જીલ્લાના સમુદ્ર કિનારાના સુત્રાપાડા અને વેરાવળ સહિતના તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની દર ઉનાળે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે લોકોને પીવાના પાણીથી વંચિત ન રહેવું પડે તે માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસીહ જાડેજા દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે જિલ્લા પાણી સમિતિમાં ગ્રામ્ય કક્ષાનો ચિતાર મેળવી પ્રજાને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, જિલ્લાની પાણી સમિતિની સમીક્ષા બેઠકમાં રજૂ થયેલા જરૂરીયાતવાળા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના 10 ગામો, તાલાલા તાલુકાના 9 ગામો, સુત્રાપાડા તાલુકાના 22 ગામો, ગીરગઢડા તાલુકાના 2 ગામોમાં ટેન્કર મારફતે લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગામોમાં ઉનાળા દરમ્યાન નાગરીકોને પાણી બાબતે હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે.