સાંઢિયા પુલને બંધ કરી વૈકલ્પીક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સદંતર નિષ્ફળ
કોઇ પણ સફળતાનો એક સેચ્યુરેશન પોઇન્ટ આવે છે. કોઇ પણ પર્ફોમન્સ તેની એક ઉંચાઇએ આંબી ગયા બાદ તેમનું નીચે તરફનું ઢલન લગભગ નિશ્ચીત છે. ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતમાં તેની તમામ ટોચને આંબી લીધી છે. આ પક્ષે ગુજરાતને ઢગલા મોઢે પ્રગતિ આપી છે. નામ આપ્યુ છે. નેતાઓ આપ્યા છે. વિકાસ પ્રોજેકટ આપ્યા છે. ફર્સ્ટ કલાસ સિટિઝન તરીકેની ઓળખ આપી છે. અમદાવાદ તરફ તમે મીટ કરો તો ભવિષ્ય હજુ ખુબ સારૂ દેખાય છે. ગિફટ સિટી,મેટ્રો ટ્રેન અને ઓલમ્પિક સ્ટેડિયમની આજથી ર૦ વર્ષ પૂર્વે કોઇ કલ્પના કરવી ગુજરાત માટે મૂશ્કેલ હતી. એક સમયે દંગાથી કુખ્યાત ગુજરાતમાં હવે કહેવું પડે કે ચકલું ય ફરકતું નથી. દેશનું રાજકિય પાટનગર ભલે દિલ્હી હોય. પરંતુ આર્થિક પાટનગર તરીકે અમદવાદ ઝડપભેર ઉભરી રહયુ છે. સેમી કન્ડકટર પ્લાન્ટ અને ઓટો પ્લાન્ટ સહિતના વૈશ્વિક કંપનીઓના એકમો અમદાવાદ કે ગુજરાતમાં લાગી રહયા છે. સીકસ લેન ફોર લેન રસ્તાઓ, પર્વતથી નદીઓ વચ્ચેના જોડાણ, સિ-કોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર,ટુરીઝમ અને અનેક વિકાસની કુચ ચાલુ છે.
સૌરાષ્ટ્ર તરફ નજર નાંખીએ તો પોર્ટ,મંદિરો અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ નજરે પડે છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ અને એઇમ્સ જેવી સવલતો આપીને દેશના મુખ્યપ્રવાહમાં જોડી દીધુ છે. આ બધું જ ભાજપના રાજમાં થયુ. સૌરાષ્ટ્રની મુખ્ય સમશ્યા પાણીની હતી. પાણીદાર લોકોની મોટા ભાગની ઉર્જા પાણી વગરના પંથકમાં પાણી મેળવવામાં અથવા બચાવવામાં વપરાઇ જતી હતી. નર્મદા યોજના અને ખાસ કરીને સૌની યોજનાથી જળાશયો ભરવાની ઉપલબ્ધી અવગણવા જેવી નથી.
ભાજપનું સતાના સિંહાસન ઉપર બેસવું ખુબ સ્વાભાવિક હતું. મતદારો જનતા માટે એક જ સૂત્ર હતું. જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે. ભાજપે અનેક અશકયતાઓને શકયતાઓમાં ફેરવી લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમા દોર એ દમામથી રાજ કર્યુ છે. સાથે સાથે મતદારોના દીલ ઉપર પણ રાજ કર્યુ છે. લોકોની અપેક્ષાઓ વધતી ગઇ. ખાસ કરીને નરેન્દ્રભાઇ પાસે લોકોની અપેક્ષા વધતી ગઇ અને ભાજપની ડિલિવરી ડિલાઇટ વધતી ગઇ. ગુજરાતની જનતાએ પણ રિટર્ન ગિફટ આપવામાં કોઇ કંજુસાઇ નથી કરી. લોકસભાની બે ચૂંટણીમા સતત ર૬માંથી ર૬ બેઠક આપી ભાજપ ઉપર મંજુરીની મહોર મારી ત્રીસ વર્ષની વયે પહોંચેલા લોકોએ ભાજપ સિવાય કોઇનું રાજ નથી જોયુ. ગુજરાતથી જ નરેન્દ્રભાઇ અને ભાજપનો દિલ્હીના સિંહાસનનો રસ્તો કંડારાયો.
પરંતુ, પરંતુ આ ભાજપમાં હવે કયાંક કયાંક ડિલિવરી ડિલાઇટનો સેચ્યુરેશન પોઇન્ટ આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત,વિકાસશીલ ગુજરાત,ભ્રષ્ટાચાર મુકત ગુજરાત,શિસ્તબધ્ધ ગુજરાત , ગ્લોબલ ગુજરાતને ગંભીરતાથી અમલ કરતાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ પાસેથી એ જ લેવલનું પર્ફોર્મન્સ મેળવનાર ભાજપની નેતાગીરી કયાંક ગુંચવાઇ છે. અધિકારીઓ બેકાબુ બન્યા છે. ભાજપના હાલના નેતાઓમાં વહિવટી કુશળતાનો એ ટચ કયાંક ખોવાયો છે. બોગસ સરકારી કચેરીઓ, ભરતીની પરિક્ષાઓના પેપર ફુટવા,નવા નકકોર બ્રીજ કડડભુસ થઇ જવા, ભ્રષ્ટાચારના આક્ષેપો ચરમ સિમાએ છે. દેશના અન્ય રાજયો ઇર્ષાવશ જેના વખાણ કરતાં હતાં એ ટચવુડ હાઇ-વે તેમના સ્તર અને બેન્ચમાર્ક ગુમાવતાં જાય છે. ભારતિય જનતા પાર્ટીના નેતાઓ કદાચ સેચ્યુરેશન પોઇન્ટ અનુભવી રહયા છે. અથવા તેમની કારકિર્દી અંગેની અસલામતિને કારણે તેમનું બેસ્ટ ઇન્વેસ્ટ કરવાની માનસિકતાથી પર થઇ રહયા છે.લોકસભાની ચૂંટણીમાં નાની નાની સમશ્યાઓએ દિગ્ગજ ભાજપને ઓકવર્ડ સ્થીતિમાં મૂકી દીધા. જેમ તેમ કરીને ચૂંટણીનો આ મહાકુંભ સાંગોપાંગ પાર કરવાની મનોદશામાં ભાજપને મૂકી દીધો તે તેનું તાજુ ઉદાહરણ છે.
આ તમામ બાબતોને રાજકોટની તાજેતરની એક બાબત સાથે જોડવી છે. રાજકોટમાં લગભગ છ દાયકા સુધી અવિરત સેવા આપનાર સાંઢિયા પુલ દુરસ્ત કરવાનો છે. નવા પુલનું નિર્માણ કરવાનો છે. આ બ્રીજને દૂર કરવાનું આગોતરું આયોજન હતું છતાં વૈકલ્પિક રસ્તા કાઢવા અને ત્રણ લાખ લોકોની અવર જવરનું માધ્યમ બંધ થતાં ઉભી થનારી ટ્રાફિક સમશ્યાને ઇજનેરી કૌશલ્ય અને ટાઉનપ્લાનીંગ નિષ્ણાતો,રેલવે તંત્રના કાબિલ ઇજનેરો અને અધિકારીઓના સંયુકત સંકલનથી હલ કરવાને બદલે કોઇ નાનકડા ટાઉનમાં હોય એવા થર્ડ કલાસ વહિવટી તંત્રથી આખો મામલો હેન્ડલ થયો. નેતાઓ તેમના તોરમાં રહયા. સાંઢિયા પુલ ગઇ કાલે બંધ થયો અને તુરંત જ ભોમેશ્વર બાજુનો વૈકલ્પિક રસ્તો ટ્રાફિક જામથી ઉભરાયો.અહીંના નાલાને વાઇડનીંગ ન કરાયુ. ફાટક પહોળું ન કરાયુ. દબાણો દૂર ન કરાયા. માત્ર કાગળ ઉપર જાહેરનામુ પોલીસ કમિશ્નરે બહાર પાડી દીધુ. રાજકોટમાં આટલા અન્ડરપર્ફોમન્સ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો કદી અનુભવ નથી થયો. પોણા ત્રણ લાખ વાહનોની જયાંથી દરરોજ અવર જવર થાય છે એ રસ્તો બંધ કરતી વખતે એવી જ માનસિકતા અધિકારીઓની હશે કે લોકો હેરાન થશે એટલે અન્ય રસ્તાઓ વળી જશે. એથી આપોઆપ સમશ્યા હલ થઇ જશે. આપણે વધુ પળોજણ કરવાની જરૂર નથી. દુ:ખ સાથે કહેવું પડે કે સભા ગજવાનારા નેતાઓ અદ્રશ્ય છે. અખબારો અને માધ્યમો પ્રજા વતિ ચીખે છે. પ્રજા સહનશકિતના નવા નવા આયામ સર કરતી જાય છે. કોંગ્રેસના નેતા ચૂટણી લડી અમરેલી ચાલ્યા ગયા છે. અન્ય નેતાઓ પદ મળ્યાનો હનિમુન પિરિયડ હજુ ઉજવી રહયા છે. કોઇ આંદોલન નથી. કોઇ વિરોધ નથી. પ્રજા હેરાન થાય છે અધિકારી અને પદાધિકારીઓ રાજકિય પક્ષો તેમની મસ્તીમાં છે. ખાસ કરીને ભાજપને આટલી અન્ડર પર્ફોર્મન્સમાં કદી નથી જોયુ. આશા રાખીએ કે ભાજપમાં ભૂતકાળમાં હતાં એવા કોઇ નેતાઓ સમગ્ર મામલો હાથમાં લઇ અને લોકોની હાડમારી દૂર કરે.