જીલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ કલેકટરએ પોતાની સતાનો પ્રજાહિતમાં સદઉપયોગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દીધેલ જેનો અણગમાંથી વ્હાઈટ કોલર અકળાયા
કલેકટરની બદલી કરાવવા રાજકીય આકાઓ અને ભુમાફીયાઓના ગાંધીનગરમાં ધમપછાડા
ગીર સોમનાથમાં રાજકીય ઓથ હેઠળ ચાલતી બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ત્રણ માસ દરમ્યાન જીલ્લા કલેકટરએ ઘોસ બોલાવી કડક કાર્યવાહી કરી રહ્યા છે. જેનાથી અકળાયેલા રાજકીય નેતાઓએ કલેકટરની વડલી કરાવવા ગાંધીનગરમાં ધામા નાંખતા ચુંટણીના પરીણામ સુધી રાહ જોવાનું આશ્વાસન મળ્યું હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. ત્યારે 4 જુન પછી સરકાર પ્રજા હિતમાં કલેકટરે કરેલા કાર્યોની નોંધ લેશે કે રાજકીય નેતાઓની તે જોવું રહ્યુ.
ગીર સોમનાથ જીલ્લાની રચના થયાને આઠેક વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને આ સમયગાળા દરમ્યાન અનેક કલેકટરોએ ફરજો બજાવી છે. પરંતુ ગત ફેબ્રુઆરી માસમાં જિલ્લા કલેકટર તરીકે નિયુક્ત થયેલ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને પ્રજાહિતમાં કામગીરી કરવાને લઈ અનેક પગલાંઓ ભરી કડક કાર્યવાહી કરી છે. જાડેજાએ જીલ્લા કલેકટર પાસે રહેલી વિશાળ સતાનો પ્રજાહિતમાં સદઉપયોગ કરી અનેક કૌભાંડનો પર્દાફાશ કરવાની સાથે મોટાપાયે ખનીજચોરી, લાકડા ચોરી, સરકારી અનાજની હેરફેરનું કૌભાંડ ઝડપી પાડવા જેવી કડક કાર્યવાહી કરીને સારી એવી લોકચાહના મેળવી છે. ત્યારે જીલ્લામાં ખનીજચોરો, ભુમાફિયાઓ જેવા વ્હાઈટ કોલર માફીયાઓ છે જેઓ રાજકીય ઓથ હેઠળ બેનંબરના ગેરકાયદેસર ઘંધાઓ કરે છે. તેઓએ તમના રાજકીય આકાઓ સમક્ષ કલેકટરની બદલી કરાવવા રાજકીય દોર શરૂ કર્યો છે. જેને લઈ રાજકીય નેતાઓએ સરકારમાં કલેકટરની બદલીને લઈ ધમપછાડા શરૂ કર્યા છે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. જેથી હજે જોવાનું રહ્યુ કે, રાજકીય નેતાઓના ધમપછાડા લેખે લાગે છે કે પછી કલેકટરે પ્રજાહિતમાં કરેલ પ્રામાણિક કામગીરીની સરકાર નોંધ લે છે.
રાજકોટની આગની ગોઝારી ઘટના બાદ જીલ્લામાં બીયુ અને ફાયર એનઓસી સહિતના નિયમોની કડક અમલવારી કતાવવા ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા કટિબધ્ધ બન્યા છે. તેમાં પ્રજાની સુરક્ષાને અગ્રતા રાખી સિનેમા, ગેમઝોન, હોસ્પીટલ, કલાસીસો, બહુમાળી ઈમારતો જેવા જાહેર સ્થળોએ બીયુ, ફાયર જેવી તમામ પ્રકારની જરૂરી મંજુરીઓ લીધેલ હોય તે દર્શાવતુ ફોર્મ સાથેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ ફોર્મેટ મુજબ જે તે મિલકત ધારકોએ 30 દિવસની અંદર લોકો વાંચી અને જોઈ શકે તે રીતે રાખવા હુકમ કર્યો છે. આ પ્રકારની પ્રજાના હિતમાં આગવી પહેલ રાજ્યભરમાં પ્રથમ ગીર સોમનાથ કલેકટરે કરી હોય જેને અટકાવવા પણ ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરોએ પણ બદલી કરાવવા મોરચો માંડયો છે.