શહેરમાં આગ જેવી ઘટના બને તો પાલીકા તંત્રએ કુવો ખોદવા બેસવો પડે તેવી પરિસ્થિતિ
પાલીકાના ફાયર વિભાગમાં ખાટલે મોટી ખોટ જેવી ગંભીર બેદરકારી
જીલ્લા મથક વેરાવળ-સોમનાથ માં આગ લાગે તો પાલિકાને કુવો ખોદવા જાવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા ના ફાયર બીગ્રેડના ચારમાંથી ત્રણ ફાયર ફાઈટરો બંધ હાલતમાં છે તો હાઈરાઈઝ બિલ્ડિંગમાં પાણી પહોંચાડવાની કોઈ જ સગવડ નથી. 22 ફૂટ ઉંચાઈ સુધી જ જઈ શકાય એવી નિસરણી હાલ ફાયર બીગ્રેડમાં ઉપલબ્ધ છે. આમ પાલીકાના ફાયર વિભાગમાં ખાટલે મોટી ખોટ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
રાજકોટમાં અગ્નિકાંડ થયાની ઘટના બની ત્યારથી રાજકોટ સિવાયની પાલિકાઓમાં ફાયર સેફ્ટી બાબતે અનેક છીંડાઓ સામે આવી રહ્યા છે. યાત્રાધામ સોમનાથ અને વેરાવળમાં પાલિકા હસ્તકના ફાયર બ્રિગેડ વિભાગમાં હાલ જે ચાર ફાયર ફાઈટર છે એમાંથી ત્રણ તો સાવ નોનયુઝ હાલતમાં છે. આથી એક જ ફાયરફાઈટર કામમાં આવે એમ છે. જો જોડીયા શહેરમાં કોઈ મોટી આગ લાગવાની દુર્ઘટના બને તો બહારગામથી ફાયરબ્રિગેડને બોલાવવા પડે એવું છે. જો કે, રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે પરંતુ અહીની પાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે.
જીલ્લા મથક વેરાવળ- સોમનાથમાં બે લાખથી વધુ વસતી હોવા સાથે યાત્રાધામ પણ છે. આના કારણે જન સલામતી માટે ફાયરબ્રિગેડ વિભાગને સક્ષમ રાખવો જોઈએ એના બદલે અહી બધુ થાગડ થીગડ ચાલે છે. પાલિકા પાસે 12 હજાર લીટર જળ ક્ષમતાના ચાર વોટર બ્રાઉઝર છે. પણ એમાં એક જ ચાલુ છે . જયારે ત્રણમાં ટાયર બેસી ગયેલી હાલતમાં બંધ છે. એક ટાંકો તો પથ્થરના ટેકે પાર્ક કરી દીધો છે. વળી પ્રભાસપાટણ, ખારવાવાડ, સોની બજાર જેવા સાંકડા વિસ્તારમાં જો કોઈ વાર આગ લાગે તો શેરી ગલીમાં જઈ શકે એવા વાહનો કે એવા પાઈપ નથી. આ ઉપરાંત 22 ફુટ સુધી ઉપર જઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી અને એવી કોઈ નિસરણી પણ નથી. તો જોડીયા શહેરમાં પાંચ માળથી 14 માળ ઉંચાઈની બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો પણ આવેલા છે. અહીના ફાયર વિભાગમાં અઢારનો સ્ટાફ છે. પણ સાધનો નથી અને ટાંકાની સવલત નથી. પાલિકાના ચીફ ઓફિસર કે સતાધારીઓ આ બાબતે જરા પણ ગંભીર હોય તેવું જણાતું નથી.
આ ઘોરબેદરકારી બાબતે ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે, પાલિકા તંત્રના ફાયર બીગ્રેડ પાસે કુલ ચાર વોટર બ્રાઉઝર પૈકી એક બહુ જૂનું છે અને કન્ડમ સ્થિતિમાં છે જ્યારે બાકીના 3 પૈકી 2 માં સામાન્ય ટેક્નિકલ ફોલ્ટ હોય જેને તાત્કાલિક રીપેર કરવાની કામગીરી પ્રોસેસમાં છે.શક્ય એટલું વ્હેલી તકે બાકીના બંન્ને વોટર બ્રાઉઝર કાર્યરત થઈ જશે.