જોર લગા કે હૈસા… અગ્નિકાંડ લોકોના ઝમીરની પણ કસોટી છે, અભી નહિ તો કભી નહિ
ગુજરાતી પત્રકારત્વને સલામ,પ્રજાને મોમેન્ટમ જાળવી રાખવાની ઘડી:કાળા ઘેટાઓને સિસ્ટમમાંથી વીણી વીણીને સજા કરવાનો અવસર
हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए
आज ये दीवार पर्दों की तरह हिलने लगी
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए
हर सड़क पर हर गली में हर नगर हर गाँव में
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए
सिर्फ़ हंगामा खड़ा करना मिरा मक़्सद नहीं
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए
मेरे सीने में नहीं तो तेरे सीने में सही
हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ,મેરી કોશિષ હૈ કિ યે બુનિયાદ હિલની ચાહિએ. કવિ દુષ્યંત કુમારના આ શબ્દો આજ લોકઆંદોલન બની રહયા છે. રાજકોટમાં બનેલી ટીઆરપી અગ્નિકાંડની ઘટના અને 3૦થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત બાદ સમગ્ર ગુજરાત ખળભળી ગયુ છે. પૈસા માટે સિસ્ટમમાં બેઠેલા આઇએએસ,આઇપીએસ,નેતાઓ,ધંધાર્થીઓ કેવા રકત પિપાસુ બને છે તેનું આ ઘટના ઉદાહરણ બની ચુકી છે. પ્રચંડ લોકરોષ વચ્ચે સમગ્ર ઘટનામાં સત્ય ઉજાગર કરવાની મથામણ થઇ રહી છે. ઘટનાના પ્રારંભથી ગુજરાતી પત્રકારત્વએ જે ઝિરો ટોલરન્સ દર્શાવ્યુ છે તે અદભૂત છે. લોકરોષને વાચા આપવામાં નાના મોટા અખબારો,ડિજિટલ ચેનલો,ટી.વી.ચેનલો સહિતના તમામ માધ્યમોએ અવિરત,અનકન્ડિશનલ, નિર્ભિક પણે લોકઅવાજને વાચા આપી છે. ઢબુરાયેલા અસત્યો,હરામખોરી અને ચતુરાઇને જે રીતે ઉજાગર કરી છે તેને માટે પત્રકારત્વના તમામ માધ્યમોના તમામ કર્મીઓને સલામ છે. પત્રકારત્વ આજે ફરી એક વખત વ્યવસાયને બદલે લોકમાધ્યમ બની ગયુ છે. પ્રજાના એક વર્ગે પણ આ પત્રકારત્વના આ સત્ય ઉજાગર કરવાના જોમ અને જુસ્સાને બળ આપ્યુ છે. પણ સવાલ એ છે કે આઇએએસ,આઇપીએસ,નેતાઓ અને તકસાધુ વેપારીઓ,નફાખોરોની નેકસસ સામેની આ લડત માનવામાં આવે છે એટલી સરળ નથી. શરૂઆતની સફળતા આભાસી પણ બની શકે છે. જાગતા રહેજો…..
રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડની તપાસમાં જયારે જયારે કોઇ સ્થાપિત હિત તપાસના હવનમાં હાડકા નાંખે ત્યારે ન માત્ર રાજકોટે,સમગ્ર ગુજરાતે, સમગ્ર દેશે જેમને સ્મશાનની ચિતા પણ નસીબ ન થઇ અને ગેમઝોન જ ચિતા બની ગઇ એ દ્રશ્યો યાદ કરવાના છે. એ જલતી ચિતામાં ન કહેવું જોઇએ તમારા સંતાનો કે પરિવારજનો હોત તો શું થાત એ પરકાયા પિડામાં પ્રવેશવાનું છે. એ દ્રશ્યો યાદ કરી રાજકિય નેતાઓને તેમની સાચી ફરજ શું છે એ યાદ કરાવવાનું છે. એ અધિકારીઓને તમે શા માટે રિસ્પેકટ કરતાં હતાં તે યાદ કરાવવાનું છે. ગુનાખોરી,ભ્રષ્ટાચારીમાં લિપ્ત થયેલા અધિકારીઓની બદલીઓથી સંતોષ નથી માનવાનો.આ સિસ્ટમ તોડવાનો ભવિષ્યમાં આવી તાકાતો પ્રજાના હકકને ,સુખ શાંતિને,અધિકારોને તરાપ મારી બેફામ ભ્રષ્ટાચાર આચરી તુમાખી ન કરે એ માટે પરિવર્તનની આ આગ જલતી રાખવાની છે. પ્રજાને ચોકકસ માનસિકતા વાળા અધિકારીઓ, રાજકારણને પાવર અને કૌભાંડ કરવાનું રાજકારણ માનનારા હરામખાયા લોકો(નેતા શબ્દ તેમના માટે બરાબર નથી) અને આ બન્નેની સતા દ્વારા પૈસા બનાવી કાયદાને ખીસ્સામાં રાખતાં ધંધાર્થીઓની નેકસસ તોડવાનો આ સમયનો તકાજો છે. જો આજે નહિ તો કયારે ય નહિ. લોક આંદોલનનું સ્વયંભુ ઉભુ થયેલુ મોમેન્ટમ તોડવા માટે મિડિયા મેનેજરો, તિકડમબાજો, લપોડશંખો કૌભાંડકારોને સજા આપવાનો આ સમય છે. ગુજરાતના દરેક માધ્યમોમાં ગુજરાતમાં વહિવટમાં કેટલી લાલિયાવાડી ચાલે છે તેની સ્ટોરીઓ ગળા ફાડીને કહેવામાં આવી રહી છે. બહેરા કાન પણ સાંભળી શકે તેટલી તિવ્રતાથી સત્ય,તથ્યો સાથે ઉજાગર થઇ રહ્યુ છે.
કવિ દુષ્યંતકુમારે કહયુ છે તેમ
આજ યે દિવાર પર્દો કી તરહ હિલને લગી,
શર્ત લેકિન થી કી યે બુનિયાદ હિલની ચાહિયે..
હા, આજે ટીઆરપી ગેમઝોન કાંડમાં આ શબ્દો શાસ્વત સત્ય થઇ પ્રગટી રહયા છે. રપ મે ર૦ર૪ની સાંજ પહેલાં કોણે કલ્પના કરી હતી કે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને સીટ સમક્ષ કેફિયત આપવા સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારી સામે આરોપી તરીકે ખડુ રહેવુ પડે. કોને ખબર હતી કે જેને ચેમ્બરની બહાર નિકળતાં ચોકિયાતથી કર્મચારી સલામ ઠોકતાં હોય એ મ્યુ.કમિશ્નર આનંદ પટેલને સીટ સમક્ષ રજૂ થવુ પડે. કોને ખબર હતી કે ત્રણ ચાર વરસ પહેલાં ગેમઝોનમાં શોભામાં અભિવૃધ્ધિ કરવા ગયેલા તત્કાલીન મ્યુ.કમિશ્નર અમિત અરોડા, તત્કાલીન રાજકોટ કલેકટર મહેશ બાબુ,ડીસીપી ઝોન વન અને એસપીની તસવીર વિલન ઓફ ધ કાંડ તરીકે ગુજરાત અને દેશભરમાં વાઇરલ થશે. તેમને પણ સીટ સમક્ષ હાજર થવુ પડશે. આ લોકરોષનું જ માત્ર પરિણામ નથી. પ્રજાએ તેમના મત થકી આપેલી લોકતંત્રની સતાઓ અન વહિવટી સતાઓનું પોતાની અંગત તાકાત વધારવા અને પોતાની અંગત સંપતિ, વગ,પ્રખ્યાતિ વધારવા સતાનું નગ્ન પ્રદર્શન કર્યુ છે, સતાનો દૂરઉપયોગ કર્યો છે તેનું પરિણામ છે. આજ કારણે તેમને આરોપીના કઠેડામાં ઉભુ રહેવું પડયુ છે.(બોયા બીજ બબુલ કા તો આમ કહાં સે પાયે?) તેમની સામે સીધો આરોપ ભલે હજુ ઘડાયો નથી. પરંતુ શકમંદના કઠેડામાં છે.
સાચી લડાઇ જ અહિંથી શરૂ થાય છે સતાની તમામ દોરી સ્થાપિત અધિકારીઓ,તંત્ર અને નેતાઓ પાસે છે. પ્રજા પાસે માત્ર મત અને લોકમત છે. પરંતુ ફ્રેન્ચ ક્રાંતિ હોય કે, ભારતની આઝાદીની લડાઇ હોય. વિકટીમ પ્રજા બની છે. સતાની લાઠીઓએ તેમના મનોબળ તોડયા નથી. તેમની અંદર સત્ય અને ગુલામીમાંથી મુકત થવાની ઝંખના આગ બનીને જાગી છે. બસ આજે નવા અંગ્રેજો સામેની નવી ગુલામીની આ લડાઇ છે. જેમાં હજુ પગલાં લેવાની સારી શરૂઆત થઇ છે. જયાં સુધી સરકાર સત્ય ઉજાગર કરવા માટે તપાસનીશ એજન્સીને છુટ્ટો દોર આપે જયાં સુધી આરોપીઓ અને સિસ્ટમને તોડ મરોડનારા ન માત્ર અધિકારીઓ કે કર્મચારીઓ,ધંધાર્થીઓ સામે પગલાં લેવાય. પરંતુ આમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ સુધી કાનુનનો પંજો ન પહોંચે ત્યાં સુધી આ તપાસને બિનશરતી ટેકો આપવાનો છે.દરેક ઘરેથી તેમના સંતાનો ભવિષ્યમાં સુરક્ષિત રહે તે માટે સત્યની મશાલ જલાવવાની છે.
અસત્યની દિવાલો પડદાની માફક ધ્રુજવા માંડી છે. પરંતુ હજુ હરખાવાનું નથી. સિસ્ટમમાં સફાઇ ઝૂંબેશ તેના લોજીકલ એન્ડ સુધી ન પહોંચે ત્યાં સુધી આ જાગરણ, આ લોકલડતમાં તેલ પુરતું રહેવાનું છે. અન્યથા તમારા સંતાનો તમને કહેશે કે તમે તો અમોને અગ્નિકાંડ,હરણી કાંડ,મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાઓ જ વારસામાં સોંપવાની તૈયારી કરીને સંતોષ માન્યો ને ?