મહાદેવની સાંજની આરતીના પરીવાર સાથે દર્શન કરી ધ્વજારોહણ કર્યુ
ગૃહમંત્રી રાત્રી રોકાણ કરી શનિવાર બપોરે પરત ફરશે
લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુર્ણ કરીને દેશના ગૃહમંત્રી અમિત શાહ પરીવાર સાથે સાંજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. અહીં પ્રથમ હેલીપેડ ઉપર સ્થાનીક ભાજપના નેતાઓ સ્વાગત કર્યા બાદ બધા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા. બાદમાં સંય આરતી કરવા ગૃહમંત્રી પરીવાર સાથે મંદિરે ગયેલ જ્યાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ મોમેન્ટો આપી સ્વાગત કર્યુ હતુ. મંદિરમાં ગૃહમંત્રીએ પરીવારજનો સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્લોકોચ્ચાર વચ્ચે ગંગાજળનો જળાભિષેક કરીને ધ્વજાપૂજા અર્ચના કરી હતી. બાદમાં પરીસરમાં બેસીને મંદિરના શિખર ઉપર બેસીને ધ્વજારોહણ નિહાળી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જીએમ વિજયસિંહ ચાવડા, ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠિયા, જશાભાઈ બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપના રણનીતિ કાર એવા ગૃહમંત્રી અમીત શાહ દેશના કોઈપણ રાજ્યની મહત્વની ચુંટણી હોય તેનો પ્રચાર પુરો થાય એ દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે. તે મુજબ હાલ દેશની મહત્વની લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર પુરો થયો અને ગણતરીના દિવસોમાં જ મતગણતરી થવાની છે ત્યારે ફરી નિત્યક્રમ મુજબ ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવી પહોંચ્યા છે.