ભાવ વધારાથી બચવા ગરીબ-મધ્યમવર્ગને બજારમાંથી સસ્તુ નબળુ દૂધ લેવાની ફરજ પડશે
અમૂલનું ટર્ન ઓવર ભાવ વધારા સાથે આવતાં વર્ષે એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.
ચૂટણી પૂરી થવાની જાણે કે રાહ જોવાતી હોય તેમ મતદાન પૂરુ થયુને ગણતરીના કલાકોમાં જ ગુજરાત મિલ્ક માર્કેટીંગ્ ફેડરેશને તેની વૈશ્વીક બ્રાન્ડ અમૂલ દૂધના ભાવમાં એક લીટરે બે થી ત્રણ રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા ૬૪થી વધીને ૬૬ થયો છે. જયારે અમૂલ ભેંસના દૂરકના ભાવ ૬૮ રૂપિયાથી વધીન ૭૧ રૂપિયા થયો છે. દૂધના આ ભાવ વધારાની અનેક તરફી અસર થશે. એક તરફ જે સહકારની ભાવનાથી અમૂલની શરૂ થયેલી દૂધ ક્રાંતિ હવે કોર્પોરેટ નફાખોરી તરફની યાત્રાએ નિકળી ચુકી છે. ભારતની પ્રજામાં હવે તેમને ગ્રાહક અને પ્રોફિટ જોવા મળી રહયો છે. વધુને વધુ નફો અને વેંચાણની તકો જોવા મળી રહી છે. આ સહકારી પ્રવૃતિનો પવિત્ર હેતુ અદ્રશ્ય થઇ ગયો છે.બીજી બાજુ અમૂલ દૂધના લગભગ દર વર્ષે વધતાં ભાવ ગરીબ અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જઇ રહયા છે. અથવા ના છુટકે તેઓ આ ભાવ વધારો સહન કરી રહયા છે. કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના ભારતિયો અમૂલના દૂધના ભાવથી બચવા માટે બજારમાં ખુલ્લા અને નબળી ગુણવતાના લુઝ દુધની બજાર તરફ ફરજિયાત ધકેલાશે. આ કારણે ગરીબ અને નબળા વર્ગમાં ખાસ કરીને બાળકોમા પોષણની સમશ્યા છે તે વધશે. એટલું જ નહિ અમૂલ માર્કેટ કન્ટ્રોલર હોવાથી અમૂલ દૂધના ભાવ સાથે અનઓર્ગેનાઈઝડ દૂધની બજાર પણ ભાવવધારો કરશે. આથી નબળી ગુણવતાનું દૂધ પણ વધુ મોંઘુ બનશે. પરંતુ બજાર જાળવી રાખવા તેના ભાવ અને અમૂલના ભાવમાં થોડા તફાવત રાખશે.
સવાલ એ થાય કે સરકાર એક બાજુ દૂધના ભાવમાં વધારો કરવાની છુટ આપે છે અને બીજી બાજુ કરોડો રૂપિયાની પોષણ યોજનાઓ ચલાવે છે. આ માટે કરોડો રૂપિયાનો પ્રચારમાં પણ ધુમાડો કરે છે. આ તમામ ખર્ચમાં કાપ મૂકી ગરીબ અને મધ્યમ વર્ગને અમૂલ દૂધ રાહત દરે મળી રહે અથવા ભાવવધારો ટાળવા સરકાર અમૂલને કોઇ કલ્યાણ યોજના સાથે ડાઇરેકટ લીન્ક કરે તો લોકો કવોલિટી મિલ્ક રાહતદરે મેળવી શકે.
જો કે, અમૂલ દૂધનો ભાવ વધારો અને પેટ્રોલ સહિતના ઇંધણના ભાવવધારાની પ્રતિક્રિયાથી સરકાર અને અમૂલ ડેરી ટેવાઇ ગઇ છે પ્રજા ર૪ થી ૪૮ કલાકમાં આ ભાવવધારાને ભૂલી જશે. ફરી એકાદ વર્ષ થશે ત્યાં લોકોને નવો ભાવવધારો ખમવાની તૈયારી રાખવી પડશે.
દરમિયાનમાં અમૂલના બિઝનેશ ઉપર નજર કરીએ તો અમૂલ ર૦ર3ની સાલમાં ૭ર૦૦૦ કરોડના બિઝનેશ સુધી પહોંચી ગયુ છે. આ ભાવ વધારા અને સેલ્સના આધારે ર૦ર૫ની સાલમા અમૂલ ૧ લાખ કરોડના બિઝનેશ ટર્નઓવર સુધી પહોંચી જશે. આંકડામાં એક કંપનીની પ્રગતિ યોગ્ય છે. પરંતુ દેશ હવે સંપૂર્ણ મૂડીવાદ તરફ જઇ રહયો છે. સહકારી પ્રવૃતિ પણ નફાના ગણીત ઉપર જ ચાલે છે. ગરીબોને હવે અમૂલનું દૂધ નહિ પરવડે. તેની ચિંતા સરકાર નહી કરે. તેની ચિંતા સહકારી ક્ષેત્રના નેતાઓ નહિ કરે. ગરીબો અને મધ્યમ વર્ગને તેમના હાલ ઉપર છોડી દેવાયા છે. તેમને માટ બે જ વિકલ્પ છે. કાં મોંઘા ભાવનું દૂધ ખરીદી તમારા બાળકોનું પોષણ કરો. અથવા બજારમાંથી તમને પરવડે એવું લુઝ દૂધ લઇને તમારા બાળકોને કુપોષણનો શિકાર બનાવો.
દૂધ અને પેટ્રોલિયમ ભાવના વધારામાં આ રીતે સરકારે સંવેદનશીલતા ગુમાવી દીધી છે એ ચિંતાજનક બાબત છે. સરકારના સતત વિજયથી સરકારના આવા નિર્ણયને પણ પ્રજાનું સમર્થન મળે છે એવી એક પરોક્ષ ધારણા પણ બંધાય છે. સરકાર પણ વેપાર કરે અને કેટલાક પ્રજા કલ્યાણના ક્ષેત્રોમાં બિઝનેશની તક જુએ ત્યારે લોકો વધુ લાચાર બને છે. અમૂલ દૂધના ભાવવધારામાં પણ ભાજપ સરકારની ચતુરાઇ દેખાય છે. જેવી લોકસભાની ચૂંટણી પૂરી થઇ મતદાનનો છેલ્લો તબકકો પૂરો થયો અને અમૂલના દૂધમાં ભાવવધારો ઝિંકાઇ ગયો. એ પણ નવી સરકારના ખાતે ન ચડે તેની ચિવટ રાખવામાં આવી. હવેના દિવસો વિજયની ઉજવણીના દિવસો આવશે. પ્રજાની લાચારી ફરી એક વખત ચકાચૌંધ ઉજવણી નીચે દબાઇ જશે.કંપનીઓના નફા તગડાં થશે અને ગરીબોના બાળકો કુપોષીત.