પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર સહિતના અગ્રણીઓની વેપારીઓ વતી રજુઆત
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગકાંડના કારણે વહિવટી તંત્રએ આડેધડ પગલા લેવા માડતા શહેરના ૫૦ ટકાથી વધુ વેપાર ધંધા, શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલો, હોસ્ટેલો તથા શોપીંગ મોલ સહિતના એકમોને સીલ લાગી જતાં વેપાર ઉદ્યોગમાં દેકારો બોલી ગયો છે. હાલના તબક્કે ભાજપના અગ્રણીઓ જો અધિકારીને રજુઆત કરવા જાય તો ટીઆરપી ગેમ ઝોનની ઘટનાને આગળ ધરી ભાજપના અગ્રણીઓને પણ મીડિયામાં ચમકાવી દેવાની માનસિકતા રાખતા અધિકારીઓને હવે મુખ્યમંત્રી જ રોકી શકે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ સ્થિતિને ધ્યાને રાખી કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર સહિતના આગેવાનોએ આજે ગાંધીનગર મુખ્યમંત્રીને મળવાનો સમય લીધો છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના જણાવ્યા મુજબ પરિસ્થિતિ એટલી હદે રાજકોટમાં વણસી ગઇ છે કે આ મામલે મુખ્યમંત્રીને વાકેફ કરવા જરૂરી હોવાથી અમે મુખ્યમંત્રીનો સમય લઇ આજે બપોરે ૪ વાગ્યે મળી રહ્યા છીએ. પ્રભારી મંત્રી રાઘવજીભાઇ, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી માધદ દવે વગેરે મુખ્યમંત્રીને રાજકોટની સ્થિતિથી વાકેફ કરી સુકા પાછળ લીલુ ન બળે અને વેપાર ઉદ્યોગ ઠપ્પ ન થઇ જાય તે માટે સમાધાન સહિતનાં પગલા લેવા માટે રજુઆત કરવામાં આવશે.
મુકેશ દોશીએ જણાવ્યું હતું કે દુધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડના કવાર્ટર ખાલી કરાવવામાં જે પ્રશ્નો થયા છે તેમાં તંત્રને વ્યવહારૂ રસ્તો શોધવા તેમજ રાજકોટ શહેરમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, હોસ્ટેલ, શોપીંગ મોલ તથા નાના-મોટા એકમોમાં જે રીતે સીલ લાગી રહ્યા છે તે રીતે રાજકોટમાં કામગીરી થશે તો અરાજકતા સર્જાશે. વહિવટી તંત્ર પાસે પૂરતી ટીમ નથી અને શહેરમાં આગ માટે એનઓસી લેવા પુરતા સાધનો પણ આટલી ઝડપથી ઇન્સ્ટોલ થઇ શકે તેમ નથી. તો સમગ્ર પરિસ્થિતિનો કયાસ કાઢી એક સમિતિ બનાવવામાં આવે અને સ્ટીયરીંગ સમિતિ છે તે આ પગલાઓ ઉપર નજર રાખે અને લોકોની હાલાકી ન પડે તેમજ નિયમોનું પણ બનતી ત્વરાએ પાલન થાય તેવો રસ્તો કાઢવાની જરૂરીયાત હોવાનું મુખ્યમંત્રીને જણાવાયું છે.
દરમિયાનમાં રાજકોટમાં નવા આવેલા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ અને ડે.કમિશનર સ્વપ્નિલ ખરે વેપાર ઉદ્યોગ અને શિક્ષણના સંગઠનો સાથે ખૂબ જ ખરાબ ભાષામાં વાત કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સ્વપ્નિલ ખરે પાસે કાયદાનું જ્ઞાન હશે પરંતુ શહેરના વેપાર-ઉદ્યોગના અગ્રણી સંગઠનો તથા જાણીતા જવાબદાર અગ્રણીઓ સાથે કામ પાર પાડવાનો અનુભવ જણાતો નથી. તેની પરીપકવતા અંગે પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ અધિકારી જીડીસીઆરનું પણ પોતાની રીતે અર્થ ઘટન કરતા હોવાથી અનેક એકમો પાસે ફાયર એનઓસી હોવા છતાં તેમના એકમો સીલ કરવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદ છે. આ કારણે અનેક એકમો બંધ થવાથી મોટી માત્રામાં લોકો બેકાર બની ગયા છે અને આ કારણે હોસ્પિટલના દર્દીઓ, હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને મોટી માત્રામાં કામદારો હેરાન થઇ ગયા હોવાનું જાણવા મળે છે. બાંધકામ સહિતના ઉદ્યોગો સદંતર ઠપ્પ થઇ ગયા છે. તંત્ર સુકા સાથે લીલુ બાળતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્વપ્નિલ ખરે જેવા અધિકારીની બદલીની પણ માંગણી ઉઠી છે.