પ્રખ્યાત જમજીર ધોધ આસપાસ ખડકાયેલા અનઅધિકૃત દબાણો ઉપર જીલ્લા વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ
હાઈવે અને પ્રવાસન સ્થળએ સરકારી જગ્યામાં ખડકાયેલા ધાર્મિક સહિતના દબાણો દુર થતા કરોડોની જમીન ખુલ્લી થઈ
ગીર સોમનાથ જીલ્લાના ટુરીસ્ટ સર્કીટના હાઈવે ઉપર તથા પ્રખ્યાત જમજીર ધોધ આસપાસ સરકારી તથા ખેતી-બિનખેતીની જગ્યા ઉપર ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક સહિતના બાંધકામો દુર કરવા જીલ્લા વહીવટી તંત્રએ કામગીરી હાથ ધરી હતી. જેમાં છ જેટલા ધાર્મિક દબાણોએ સ્વચ્છેઆએ દુર કર્યા હતા જ્યારે જમજીર ખાતેના દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળતા 6 કરોડની જમીન ખુલ્લી કરાવી છે. તંત્રની આ કામગીરીથી ભુમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
જિલ્લામાં મુખ્ય ટુરિસ્ટ સર્કિટ તરીકે ઓળખાતા સોમનાથ-વેરાવળ વાયા તાલાલા હાઈવે ઉપર તેમજ જિલ્લા સેવા સદન પાસે આવેલા ધાર્મિક દબાણના લીધે રાજ્યધોરી માર્ગ પર રોડ સેફટીની દ્રષ્ટિએ બ્લાઈન્ડ સ્પોટ જનરેટ થતા અકસ્માત થવાની ભીતિ સર્જાતી હતી. જેથી જિલ્લા કલેકટર ડી.ડી. જાડેજાએ કરેલ અપીલને લોક સહકારથી હાઇવે પરની મસ્તાના બાબાની દરગાહ, ઈણાજ પાટીયા પાસે મામાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી તથા સવની પાટીયા પાસે ખોડીયાર માતા મઢ, મામાદેવ મંદિર મળી કુલ છ જગ્યાના ધાર્મિક દબાણો દુર થતા અંદાજે 8 હજાર ચો.ફુટ જગ્યા ખુલ્લી થઈ છે.
આ ઉપરાંત જામવાળા પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી. જે ધ્યાનમાં આવતા કલેક્ટર જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લઈને કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકૃત દબાણો આઇડેન્ટીફાય કરી તા.14 જુનના રોજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક પાસે માપણી કરાવતા જુદા-જુદા આસામીઓએ ખેતી અને બિનખેતી વિષયક દબાણો કરેલ હોવાનું સામે આવ્યુ હતુ. જેને દુર કરવા કલેકટરે સુચના આપતા સ્થાનીક વહીવટી તંત્રની ટીમ દ્વારા ધોધ આસપાસના દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યુ હતુ. જેમાં ત્રણ આસામીઓએ કરેલા દબાણો દુર કરાતા અંદાજે 6 કરોડની જમીન ખુલ્લી થઈ છે. જેથી ધોધ ખાતે આવતા પ્રવાસઓને પાર્કિંગ અને પહોળા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.