જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ પાઠવ્યું આવેદનપત્ર
બદલી નહીં અટકાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ગ્રામજનોની તૈયારી
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે તલાટી મંત્રીની મનસ્વી રીતે કરાયેલ બદલી મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. ગ્રામ પંચાયતના હોદેદારો સહિત ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બદલી અટકાવવા રજુઆત કરી હતી.
સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મી મેન એમ.એમ. ભરગા પોતાની કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતાને પગલે ગ્રામજનોમાં ખૂબ લોકચાહના ધરાવે છે. ત્યારે અચાનક બદલી કરી દેવાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજરોજ ગ્રામ પંચાયતના જવાબદાર હોદેદારો સહિત ગામના મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તલાટી મંત્રીની બદલી રોકવા રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગામમાં ફરજ બજાવતા તલાટી મંત્રી એમ.એમ. ભરગા (એક્સ.આર્મી) કે જેઓ ભારતીય સેનામાં 18 વર્ષની સેવા ફરજ બજાવી અને વહીવટ તંત્રના પંચાયત વિભાગમાં તલાટી મંત્રી તરીકે નિમણૂક પામેલા હોય આ વ્યક્તિએ વેરાવળ સોમનાથના ગામડાઓમાં 13 વર્ષ ઈમાનદારી અને નીડરતાથી સેવા બજાવેલ હોય નોકરીના છેલ્લા વર્ષોમાં એમને વતનમાં ફરજ બજાવવાનો લાભ મળેલ હોય ત્યારે આવા ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક સુસાશન કરનાર કર્મચારીને અમુક માફિયા અને ભ્રષ્ટાચારી અને રાજનીતિના છત્રછાયામાં પોતાના ખિસ્સા ભરનારાઓ ખોટી રાવ/ ફરિયાદ કરી અને ઉમદા અને પારદર્શક વહીવટ ચલાવનારા કર્મચારીની બદલી કરાવી અને પોતાના માર્ગ માંથી હટાવવા માંગતા હોય. આપણા દેશની લોકશાહી માટે શરમજનક અને દુઃખદ ઘટના છે ત્યારે અમારા સોળાજ ગામના તમામ લોકોની લાગણી અને માંગણી છે કે ગામના સંનિષ્ઠ તલાટી મંત્રીની કારણ વગર કરાયેલ મનસ્વી બદલીને અટકાવવા આવે જો બદલી નહીં અટકાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની પણ ગ્રામજનો તૈયારી દર્શાવી છે.