ભાજપ શ્રધ્ધયેયતા ગુમાવે છે જનાધાર,લોકવિશ્વાસ વગરની કોઇ પણ સરકારને સમયની થપાટ કયારેય પણ જમીનદોસ્ત કરી શકે છે
ગુજરાતના ઇતિહાસમાં નજીકની કોઇ એવી પ્રથમ ઘટના હશે જે સતત ત્રીસ દિવસ સુધી મિડિયા અને જનમાનસમાં સરકાર પ્રત્યે રોષ,અવિશ્વાસ,ધિકકાર,વિરોધ વ્યકત કરતી રહી હોય.સતત. મોરબી ઝુલતાં પુલ દુર્ઘટનાનો મૃત્યુ આંક તો ખૂબ મોટો હતો. એ ઘટના પણ દિવસો જતાં મિડિયાની હેડલાઇનમાંથી અદ્શ્ય થઇ ગઇ હતી. લોકરોષ્ ધરબાઇ ગયો હતો. હરણીકાંડ અને તક્ષશિલા કાંડની રોષની જવાળાઓ પણ સમય જતાં શાંત થઇ ગઇ હતી.પરંતુ રાજકોટના ટી.આર.પી આગ કાંડમાં ર૮ માણસોના જીવતાં ભુંજાઇ જવાની ઘટના શાંત પડવાને બદલે હવે રાજયવ્યાપી આંદોલન બની રહી છે સરકાર ઉપર તપાસમાં પારદર્શકતાનો અભાવ શંકાના એરણે આવ્યો છે. રાહુલ ગાંધીએ આ મુદો સંસદમાં ઉઠાવવા તૈયારી દાખવી છે.
પાના ગલ્લે,ચા’ની કિટલીએ પાર્કમાં,મહોલ્લાઓમાં,મેળાવડાઓમાં જયાં જયાં લોકો એકઠા થાય છે ત્યાં ટી.આર.પી. આગકાંડની ઘટનાની ચર્ચા થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ર૮ લોકોમાં ચર્ચા કરનાર પોતાના સ્વજનની કલ્પના કરે છે. કારણ કે શહેરના મનોરંજનના સ્થળોએ મોટા ભાગે યુવાનો જતાં હોય. પોતાના સંતાનોની વયના દિકરા,દિકરીઓ રમવા ગયા અને પછી કદી જ એમનો ચહેરો જોવા ન મળ્યો.મૃતદેહ સ્વરૂપે પણ નહિ.કારણ કે મૃતદેહના નામે ભુંજાઇ ગયેલા માંસના લોચા જ હતાં. 3૦૦૦ સેલ્સીયસની ગરમીમાં લોઢુ પણ પીગળી જાય ત્યાં ફુલ જેવા સંતાનોની શું વિસાત. માણસો દુ:સ્વપ્નની જેમ આ ઘટનાને યાદ કરે છે અને ભુલવા મથે છે તેમ તેમ વધુ તિવ્રતાથી તેમની સામે આવે છે.
આ ઘટના અકસ્માત નહોતી. એક સામુહિક ક્રાઇમ હતો. જેમાં સરકારી તંત્ર,પદાધિકારીઓ અને ધંધાદારીઓની નેકસસ હતી. આથી લોકરોષ ભડકયો છે. વાડ જ ચીભડા ગળી ગઇ છે. જે અધિકારીઓને સલામ ઠોકતાં હતાં એ ટોચના અધિકારીઓ જ પૈસા માટે લોકોના જીવના તરસ્યા બન્યા હતાં. શૈતાની કૃત્યના ભાગીદાર બન્યા હતાં. આજે એક મહિના બાદ પણ લોકરોષ શાંત પડવાને બદલે વધુને વધુ શા માટે ભડકે છે ?
કેટલાક કારણ છે.એક કારણ છે બનાવની થોડી જ કલાકોમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી ગયા. તેમણે તાત્કાલીક નિષ્ઠાવાન ગણાતાં આઇપીએ સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સીટની જાહેરાત કરી દીધી. મૃતકોના પરિવારને ગુજરાત સરકારે ચાર – ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી. એક સીટ બાદ પોલીસની બીજી સીટની રચના થઇ. દિવસો આગળ જતાં ગયા તેમ હાઇકોર્ટે ઘટનાની ગંભીરતા સમજી ચોકકસ મુદ્દાઓ ઉપર તપાસ કરવા સચિવ કક્ષાની સમિતિનુ ગઠન કરવા આદેશ કર્યો. એટલું જ નહિ મોરબી સહિતની દુર્ઘટનામાં સરકારની નબળી માનસિકતાનો ઉલ્લેખ કરી ચોકકસ તારીખ સુધીમા રિપોર્ટ કરવા આદેશ કર્યો. આમ ત્રણ ત્રણ સમિતિઓ એક જ ઘટના માટે નિમવામાં પણ ગુજરાત સરકારે રેકોર્ડ બનાવ્યો છે.
ઘટનાની તપાસની દિશા પ્રથમ દિવસથી જ શંકામાં હતી. કારણ કે ઘટના બની એ જ રાત્રીમાં સમગ્ર ઘટનાનો ક્રાઇમ સીન વીંખી નાંખવાનો આદેશ થયો. રાત્રીના બાર વાગ્યાથી સવાર સુધીમાં ટી.આર.પી. ગેમઝોનના સ્થળે બુલડોઝર ફરી વળ્યા. સંભવિત પુરાવાઓનો નાશ થયો. કોણે કર્યો ? કોના કહેવાથી કર્યો ? હર્ષ સંઘવીએ આ મામલે સત્ય બહાર લાવવું પડશે. કારણ કે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. ટોચ ઉપર બેઠેલા નેતાઓ સિવાય કોઇ આવી હિંમત કરી શકે નહિ. સ્થાનિક અધિકારી તો આ ઘટનાથી એટલાં ડઘાઇ ગયા હતાં કે તેઓ તેમની ત્વચા બચાવવામાં પડયા હતાં. ત્યારે આ ક્રાઇમ થયો છે.
લોકરોષને પગલે તાત્કાલીક રાજકોટ મ્યુ.કમિશ્નર આનંદ પટેલ અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી થઇ. બે પી.આઇ.ને સસ્પેન્ડ કરાયા. આર એન્ડ બી.ના ઇજનેર અન મનપાના ટી.પી. શાખાના મધ્યમ હરોળના કેટલાક અધિકારીને સસ્પેન્ડ કરાયા. આમ છતાં લોકરોષ શાંત ન થયો એટલે અનેક સૂત્રધારોમાંથી એક મપનાપાન ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની ધરપકડ થઇ. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ થઇ. તેમની સામે એસીબીની તપાસ થઇ. આમ છતાં કોંગ્રેસ અને મિડિયામાં સતત એક પ્રશ્ન ઉઠતો રહયો કે આ ઘટનામાં તત્કાલીન પોલીસ કમિશ્નર અને મ્યુ.કમિશ્નરની સામે કેમ કાર્યવાહી નથી થતી.મનપામાં સંકલન કરતાં ભાજપના નેતાઓ સુધી કેમ તપાસ નથી પહોંચી? નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છોને કેમ જતાં કરી દેવામાં આવ્યા છે.
લોકરોષને ખાળવા નવા આવેલા મ્યુ.કમિશ્નર દેવાંગ દેસાઇએ સમગ્ર રાજકોટના વેપાર ધંધા ગૂનેગાર હોય તેમ સેંકડો શાળા,કોલેજો,હોસ્પિટલો,શોપીંગ મોલ, ગરીબ વિદ્યાર્થીઓની બોર્ડીંગો,જ્ઞાતિની વાડીઓ વગેરેને શીલ મારવાની ઝુંબેશ શરુ કરી.જાણે કે રાજકોટના વેપાર ધંધા બંધ કરી લોકોને અરાજકતામાં ધકેલી દેવા હોય તેમ લોખંડી પંજો વિંઝયો. વિરોધ એટલો વધી પડયો કે ખુદ ભાજપના પ્રમુખ,ધારાસભ્યો અન મનપાના પદાધિકારીઓને મુખ્યમંત્રી પાસે દોડ જવુ પડયુ. બાદમાં દેસાઇ નરમ પડયા.
આ બધાં વચ્ચે ગુજરાતના તમામ માધ્યમો અને કોંગ્રેસે ર૮ મૃતકોની તપાસ તેના તાર્કિક અંત સુધી પહોંચે અને ખરા ગૂનેગારો સુધી પહોંચે તે માટેની લડત નરમ ન પડવા દીધી.
આજે રપમી જુન ટી.આર.પી. કાંડની પ્રથમ માસિક પૂણ્ય તીથિ છે. એક મહિના બાદ પણ ભાજપ સરકાર ઘટનાના મૂળ સુધી નથી જઇ શકી. સરકાર ઉપર આક્ષેપ થાય છે કે ભાજપના નેતાઓએ પાર્ટી ફંડ અને ભ્રષ્ટાચાર માટે અધિકારીઓને આપેલી અમર્યાદ સતાઓનું આ પરિણામ છે. ભાજપના એ નેતાઓ જેઓ સ્લીપર છાપ હતાં તે હવે ર૦ માળના બિલ્ડીંગ પ્રોજેકટના ભાગીદારો બની ગયા છે.તે પ્રજાની નજરથી છાનું નથી રહયુ. લોકો શેરીએ ગલીએ આ ચર્ચા કરે છે. ટી.આર.પી. કાંડથી ભાજપ સરકારની અગ્નીપરીક્ષા થાય છે,ભાજપની લોકપ્રિયતા ઘટે છે એ ભાજપના નેતાઓને ખબર નથી એવુ નથી. પરંતુ મૂળ સુધી પગલાં લેવાય તો અનેક હાડપીંજર બહાર આવે. જે પક્ષનો એક પ્રકારનો ગુનાઇત એકરાર બની જાય. આ ડરથી તપાસ તેના મૂળ સુધી નથી જતી એવો જાહેર આક્ષેપ કોંગ્રેસ કરે છે. આ આક્ષેપમાં લોકોને વજુદ જણાય છે. રાજકારણનું અપરાધિકરણ છરી –ચાકા કે ગનપોઇન્ટથી જ ન થાય. ભ્રષ્ટાચાર માટે અપરાધિક લોકોને છુટ્ટો દોર આપવાથી પણ થઇ શકે. સાગઠિયા જેવા પૈસાની ભુખવાળા અધિકારી હાથા બની જાય. પણ પરિણામ પ્રજાને ભોગવવું પડે. રપમી જુન કટોકટી દિવસ છે. ભાજપને ઘરઆંગણાની કટોકટી નથી દેખાતી. દાયકાઓ પહેલાંની ઘટનાનો વિરોધ દિવસ ઉજવાય છે. કદાચ આ જ બાબતે ભાજપ તેની શ્રધ્ધેયતા ગુમાવે છે. ભાજપ સરકાર માટે પણ આગળનો રસ્તો સરળ નથી. લોકવિશ્વાસ વગરની સરકાર તકલાદી બની જાય છે. તેને સમયની કોઇ પણ થપાટ પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત કરી શકે છે.