ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોના ઘર પર પોલીસનો છાપો
આંગડીયા મારફત પૈસા મોકલાવ્યા હતા તે મામલે તપાસ
સાબરકાંઠાના અમીર ગઢની ચેકપોસ્ટ પરથી એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયેલા એક શખ્સની પુછપરછમાં જામનગર કનેકશન નીકળ્યું હતું. આ અનુસંધાને પોલીસે જામનગરમાં ત્રણ શખ્સોના ઘરે છાપા માર્યા છે. આ ઉપરાંત આંગડીયા મારફત થયેલા ડ્રગ્સના નાણાના વ્યવહાર અનુસંધાને પુછપરછ હાથ ધરવામાં આવી છે. એક શખ્સના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવામાં સમગ્ર તંત્ર કમર કસી રહયું હતું. દરમિયાન તમામ જગ્યાએ દારૂ તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃતિઓ પર બાજ નજર રાખવામાં આવી હતી. ત્યારે રાજસ્થાનને જોડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક કાર મારફતે ગુજરાતમાં ઘૂસ્યા હતા. જેને બનાસકાંઠા નજીકની ચેકપોસ્ટ પાસે રોકવામાં આવ્યા હતા, અને કારની તલાસી લેતાં તેમાંથી એક કરોડ ઉપરાંતની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
જામનગર પાસિંગની આ કારમાંથી જામનગરના ઇશાક આરિફ બ્લોચ (ઉ.વ.૬૫, અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધી (નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર) અને અસલમ અબદુલ સત્તાર દરજાદા (શિશુ વિહારવાળી શેરી, લીમડા લાઇન, જામનગર)ને અટકાવી ક્રેટા કારની તલાસી લેતા તેમાંથી ૧ કરોડની કિંમતનું ૧.૭૨૦ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ.૧,૧૬,૪૯,૦૦૦નો મુદામાલ કબ્જે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ એનડીપીસી એકટ હેઠળ ગુનો દાખલ કરી આ જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું અને જામનગરના આ શખ્સોની વધુ તપાસ માટે ડીસા પોલીસ જામનગર આવી હતી અને ત્રણેય શખ્સોના ઘરની ઝડપી કરી હતી. તેમજ તેઓના પરિવારજનોના બેંક ખાતાઓની વિગતો મેળવી હતી અને પુછપરછ દરમિયાન જે આંગડીયા પેઢી મારફત રૂ.નવ લાખ મોકલાવેલા, ત્યાં પણ પોલીસે તપાસ કરી હતી. જે પોલીસ તપાસમાં જામનગરના જ વધુ એક શખ્સ જુનેદ અબ્દુલ રઝાક ચૌહાણ (રહે.પીલુડીફળી)નું નામ ખુલ્યું છે. આ શખ્સ હજુ સુધી પકડાયો નથી. જેથી જામનગર તેમજ ડીસા પોલીસ તેને શોધી રહી છે.