લોકશાહિના મૂળભુત સિધ્ધાંતોથી અલગ ચાલ ચાલતાં ભાજપ પ્રમુખ મૂકેશ દોશી
પક્ષના કાર્યકરો ટોચના નેતાઓ પાસેથી નૈતિક મૂલ્યો શીખે છે,તેમની શિસ્તમાં રાખવા મોટા નેતાઓએ અણીશુધ્ધ પ્રમાણિકતા કેળવવી પડે
ભારતિય જનતા પાર્ટી હવે એક કંપનીની જેમ ચાલવા માંડી છે. ગોધુમલ આહુજા,કેશુભાઇ પટેલ, અરવીંદભાઇ મણિયાર,ચીમનભાઇ શુકલ અને અન્ય અનેક કર્મઠ નેતાઓએ ખુન પસીનાથી ઉભી કરેલી ભાજપ આજે સમયના એ ત્રિભેટે આવીને ઉભી છે કે આગળ પાર્ટી કઇ તરફ જશે તે નકકી નથી. ટીઆરપી કાંડના આઘાત પ્રત્યાઘાત જેટલાં સમાજમાં ઉભા થયા છે એટલાં જ ભાજપમાં થયા છે. ભાજપ એક નહિ અનેક છાવણીમાં વિખરાઇ ગયો છે. જેમાં બહુમતી વર્ગ હાલ અનુભવ અને સિનિયોરિટી ધરાવતો હોવા છતાં કોઇને કોઇ કારણસર હાંસિયામા ધકેલાઇ ગયો છે. પક્ષમાં પૂર્વ કેન્દ્રિય મંત્રીઓ, પૂર્વ રાજય મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ નિગમના ચેરમેનો અને પક્ષના સંગઠનની ધરી રહી ચુકેલા લોકો હાંસિયામાં ધકેલાઇ ગયા છે.જેને ભાજપના વર્તુળમાં વ્યંગમાં વૃધ્ધાશ્રમ યોજના પણ કહેવાય છે.
બીજુ હાલમાં સંગઠનના પદ ઉપર રહેલાં અને પદ પાછળથી દોરી સંચાર કરતાં કેટલાક મહત્વના નેતાઓ પક્ષનું સંગઠન ચલાવે છે. આવા નેતાઓ પક્ષમાં જ આંતરવિરોધનો શિકાર છે. ગત લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનમાં ડેમેજમેનેજમેન્ટ ન થઇ શકયુ તે બતાવે છે કે પક્ષ ભૂતકાળની માફક એકજુટ નથી.
હવે ટીઆરપી કાંડને પગલે ઉઠેલી ફરિયાદો બાદ શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશીએ એક આદેશ કર્યો છે. જે મુજબ કોર્પોરેટર વગેરેએ અધિકારીઓ પાસે કામ કરાવવા માટે લેખિત ફરિયાદ આપવી પડશે. જેનો સીધો મતલબ એ થશે કે તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને પદાધિકારીઓ હવે અરજદાર બની જશે.દરેક બાબતમાં લીખાપટ્ટી એ ઉપાય નથી.
મનપાએ વોટસેપ ઉપર નાગરિકોની ફરિયાદ માટે વ્યવસ્થા ઉભી કરી છે. તેના હાલ કેવા છે એ એક વખત મૂકેશ દોશીએ જોવુ જોઇએ. કોઇ અધિકારીને અરજદાર એક વખતથી વધુ ફોન કરે છે તો તેમને જવાબ આપવાનું બંધ થઇ જાય છે. મુનસુફી મુજબ ફોનના જવાબ અપાયે છે. અધિકારીઓ મોટા ભાગે જવાબ ન આપવાનો અધિકાર ધરાવે છે. તેમને જવાબ ન આપવા બદલ કોઇ સજા થઇ હોય એવો દાખલો મૂકેશ દોશી બેસાડી શકે એ અપેક્ષિત છે.
અધિકારીઓને બફામ સતા આપી સાગઠિયાનું સર્જન કરનારી સિસ્ટમ ફરી વખત એ જ ભુલ નથી કરતી ને ? દીવાની દાઝે કોડિયાને બટકાં ભરવાના પ્રયોગો લોકશાહિની મૂળ વ્યવસ્થા ઉપર ઘા કરનારા તો નથી બનતાંને. મનપાના અધિકારીઓને વધુ સતા આપી મૂકેશ દોશી વધુ માત્રામાં સાગઠિયા,ઠેબા,ખેરનું સર્જન કરવાના ભયજનક રસ્તે તો નથી જઇ રહયા ને ? આ સવાલ ઉભો થવો જોઇએ.
જો કોર્પોરેટરોની અને પદાધિકારીઓની રજૂઆતની મૂળભૂત સતા લઇ લેવાની હોય તો કોર્પોરેટરોની ચુંટણી કરવાને બદલે માત્ર પક્ષમાંથી એક સી.ઇ.ઓ.ને મનપાનો વહિવટ સોંપી દેવાનો નવો વિકલ્પ વિચારી શકાય. આમ પણ સાગઠિયા વગેરેનું સર્જન કોર્પોરેટરો કે મધ્યમ હરોળના નેતાઓની દેન નથી. એ મોટા નેતાઓના સી.ઇ.ઓ. સ્ટાઇલના સંકલનથી ઉભી થયેલી સિસ્ટમની ગંદકી છે. જેનું પરિણામ ર૭ માણસોને મોતમાં ધકેલી દેવાથી આવ્યુ છે.
સુધરેલી ભાષામાં જેને કોસ્મેટિક મેઝર કહેવાય છે. એ ઉપરછલ્લા પગલાંથી મૂકેશ દોશી ભાજપનું નવસર્જન નહિ કરી શકે. કોર્પોરેટરોની વોર્ડ પ્રમુખો કે લોકપ્રતિનિધિઓની પાંખો કાપી મૂકેશ દોશી પારદર્શકતા લાવી શકશે વહિવટમાં સુધાર લાવી શકશે એ બાબત શંકાસ્પદ છે. હાલના પક્ષનું નવસર્જન કરવા માટે ભાજપના પૂર્વ સૂરીઓની નૈતિકતા અને શિસ્ત જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અરવિંદભાઇ મણિયાર અને ચીમનભાઇ શુકલએ જનસંઘ ભાજપનું સર્જન ટાંચા સાધનોથી કર્યુ હતું. આજનો ભાજપ એ સમયના નેતાઓના પાયા ઉપર નવપલ્લવિત થયો છે. ભાજપને જે લુણો લાગ્યો છે એ મોટા નેતાઓના ભ્રષ્ટાચારનો લાગ્યો છે. નાના નેતાઓ અને કોર્પોરેટરો ઉપરથી પક્ષનું તંત્ર ચોખ્ખુ હોય તો ખોટુ કરવાની હિંમત ન કરે. જરૂર છે અરવિદભાઇ મણિયાર અને ચીમનભાઇ શુકલ જેવા સુકાનીઓની જે. પોતે સાધન અને સાધ્ય શુધ્ધી રાખે. વાસ્તવમાં ભાજપની વર્તમાન પેઢી નિયો રીચ કલાસ જેવી થઇ ગઇ છે. મા-બાપ સંઘર્ષ કરીને બે પાંદડે થયા હોય.અને નવી પેઢી કુછંદે ચઢી જાય.
પક્ષના કાર્યકરો કે નેતાઓને શિસ્તમાં રાખવા માટે મોટા નેતાઓની સાધન શુધ્ધીથી શરૂઆત થવી જોઇએ. પરિવારના વડિલો પ્રમાણિક હોય તો સંતાનોમાં પ્રમાણિકતા પાલનની શકયતા વધુ રહે છે. બાકી અધિકારીઓને વધુ સતા આપી લોકશાહિના મૂલ્યો ઉપર કુઠારાઘાત મૂકવાની ચેષ્ટા ખુદ ભાજપને જ ભારે પડી શકે છે. પાવરલેસ કોર્પોરેટર કે સમિતિ ચેરમેન, કે વોર્ડ પ્રમુખ પ્રજાનું ભલુ ન કરી શકે તો પક્ષનું કેમ ભલું કરી શકશે ?