જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ લોકસભા ચુંટણીમાં વિજય બન્યા બાદ એક જાહેર સભામાં વિવાદીત ધમકી ભર્યું નિવેદન આપતા કોંગ્રેસે પણ આ નિવેદન સામે વળતો જવાબ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના નેતા પુંજા વંશે જિલ્લાના પ્રશ્નાવડા ખાતે યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં પર ઉપરોક્ત કથીત નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે હું ચેલેન્જ કરું છું. ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળે, જે સમયે, જયાં હિસાબ કરવો હોય ત્યાંગ નક્કી કરીને કેજો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે એની ખબર પડી જાય.
કોંગ્રેસે આ લોકસભાની ચુંટણીમાં ભલે પરાજય મેળવ્યો હોય પરંતુ કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો અકબંધ છે અને આભાર દર્શન કાર્યક્રમ યોજી રહ્યા છે. ગઇકાલે તાલાલા બેઠકના પ્રશ્નાવડા ગામે યોજાયેલ કોંગ્રેસના આભાર દર્શન કાર્યક્રમમાં કોંગી નેતા પુંજા વંશે આક્રમક અંદાજમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા અને ભાજપ પર આકાર પ્રહારો કર્યા હતા. આ આભાર વિધિ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા અને INDIA ગઠબંધનના સાથીદારો દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પુંજા વંશ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ, અમુ સોલંકી, મનસુખ ગોહિલ, દેવેન્દ્ર સોલંકી, રામ વાજા, પ્રતાપ જાદવ, હિરેન બામરોટીયા સહિતના હોદેદારો, કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાંસદે અગાઉ આવું વિવાદીત નિવેદન આપેલ…
એકાદ માસ અગાઉ જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા તાલાલા વિધાનસભા બેઠકના પ્રાચી ખાતેના આભાર દર્શન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા કહેલ કે, પાર્ટી હિસાબ કરે કે ના કરે મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને પાંચ વર્ષમાં નહીં મૂકું…. ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાની આ ગર્ભિત ધમકી ભર્યા નિવેદનના પગલે વિવાદ સર્જાયો હતો અને ચૌતરફ ટીકા પણ થઈ હતી. આટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણી દ્વારા તો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા થી જીવનું જોખમ હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.