ગરીબોના સંતાનોને હવે સિસ્ટમમાંથી ધીમે ધીમે બહાર કાઢવાનું કારસ્તાન
શ્રીમંત કોચીંગ કલાસીસવાળાઓનું પરિણામ કેમ સો ટકા આવે છે ? કરોડો રૂપિયામાં પેપર વેંચાતા હોવાની શંકા
નીટ –યુજી મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશ માટેની પરીક્ષા લેતી એનટીએ (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) અને કેન્દ્ર સરકારની ક્ષમતા અને નિષ્ઠા સામે સવાલ
રાજકોટમાં ૧૯૮૦ના દાયકામાં એક કલાસીસ શરૂ થયા હતાં.એ સમયે શ્રેષ્ઠ શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોને પાર્ટ ટાઇમ કલાસીસમાં નોકરીએ રાખી ફુલ ટાઇમ કરતાં વધુ પગાર આપી અહિં બેસ્ટ શિક્ષણ આપવામાં આવતું હતું. આ શિક્ષકો સ્કુલમાં ભણાવતાં હતાં તેના કરતાં અહિં વધુ પરસેવો પાડતાં હતાં. આ જ શિક્ષકોએ આ કોચીંગ કલાસીસ માટે માર્કેટીંગ એજન્ટનું કામ કર્યુ. કોચીંગ કલાસમાં શિક્ષકોની ભરતી સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવતું હતું કે શાળાઓમાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓનો મોટો માસ હોય.એટલું જ નહિ એ એફોર્ડેબલ કલાસ એટલે કે ખાનગી ટયુશનમા ફી ભરી શકે તેવો હોય. ધીમે ધીમે આ મોડસ ઓપરેન્ડી આગળ વધી. પરિણામો સારા આવવા માંડયા. જ્ઞાનની ગંગા જાણે કે આ કલાસીસમા જ વહી. જુની પ્રતિષ્ઠીત શાળાઓ પાછળ રહેવા માંડી. આગળ જતાં સ્કુલમાંથી નિશાળ નિશાળમાંથો અબજો રૂપિયાની ઇમારતો અને શાખાઓમાં આ શિક્ષણ પ્રવૃતિ વિકસી.બાદમાં બોર્ડમાં પણ તેમના નંબર આવવા માંડયા. ટોપ ટેન નહિ નંબર વન આવવા માંડયા. આ સ્કુલમાં પોતાના સંતાનોને ભણાવી ઉજ્જવળ પરિણામ મેળવવા વાલીઓની લાઇનો લાગવા માંડી. ધીમે ધીમે વાલીઓમાં એવી વાતો વહેતી થઇ કે પરીક્ષાના આગલા દિવસોમા બોર્ડના વિદ્યાર્થીઓને આઇએમપી માટે રાત્રે પણ સ્કુલે બોલાવે છે. છેલ્લા જે પેપર સોલ્વીંગ કરાવે તેમાથી સો ટકા પૂછાય છે. એવું જ થવા માડયુ. આ મોડસ ઓપરેન્ડ પછી બીજા કેટલાક પહોંચેલા સંચાલકોએ અપનાવી. શહેરમાં અન્ય કોઇ હોશિયાર શાળા કે વિદ્યાર્થીઓ જ ન હોય. એક સમુહ એક જ જગ્યાએ એકત્ર થાય બાકી બધા ઠોઠ. આવુ તો અકલ્પનિય છે. પણ બન્યુ. કહેવાય છે કે આના મૂળમાં પેપરલીક છે. આ પેપરલીકની પૂર્વભૂમિકા એટલે આપી કે આ મોડસ ઓપરેન્ડીનું રાષ્ટ્રિય ક્રિમિનલ સ્વરૂપ એટલે નીટ –યુજીનું પેપર લીક.
હા,આખા દેશમાં એક જ જગ્યાએ કોઇ ટેલન્ટનો સમહુ ભેગો થાય આખા દેશના વિદ્યાર્થીઓ ઠોઠ હોય એવુ કેમ બને? પણ બન્યુ. જ્યાં ખુબ જ શ્રીમંત વર્ગના વિદ્યાર્થીઓ કોચીંગ કલાસમાં ગયા એ રાજસ્થાન અને અન્ય સ્ટેટના વૈભવી કોચીંગ કલાસના જ વિદ્યાર્થીઓ રાજકોટની નિશાળની જેમ સો ટકા પરિણામ મેળવવા માંડયા. તેમની ચમચમતી ઉંચી ઇમારતો જુઓ તો તમારી ડોક નમી જાય એટલી ઉંચાઇએ પહોંચી. આવી સફળતામાં પેપર લીક મુખ્ય પરિબળ રહયુ.આ કોચીંગ કલાસવાળા કરોડો રૂપિયા આપી પેપર લીક કરાવતાં હોવાનું હવે ઓપન સિક્રેટ સામે આવી ગયુ છે. છતાં આપણે હજુ તપાસના કર્મમાંડ કરીએ છીએ.
નીટ –યુજીની પરીક્ષા એટલે દેશભરમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષા.આ પરીક્ષાના મેરીટસ ઉપર મેડિકલ કોલેજોમાં વિઘ્યાર્થીઓન પ્રવેશ મળે. એટલે ભવિષ્યના ડોકટર બનવાનો દરવાજો અહિં ખુલે. આ પરીક્ષા લેનારી એજન્સી એટલે કેન્દ્ર સરકારે નિયુકત કરેલી એનટીએ(નેશનલ ટેસ્ટીંગ એજન્સી). તાજેતરમાં નીટ-યુજીનું પેપર લીક થયુ તેની દેશભરમાં ચર્ચા છે. ર3 લાખ વિદ્યાર્થીઓ પેપર લીકને કારણે તૈયારી છતાં પરીક્ષા ન આપી શકયા. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિતના ત્રણ જજોની બેંચે સુનાવણીમાં પેપર લીક થયુ છે એ સ્વીકાર્યુ. ફેર પરીક્ષા લેવી કે નહિ એ બાબતે હજુ નિર્ણય નથી લેવાયો.
પરંતુ દેશની સુપ્રિમ કોર્ટથી માંડ ર3 લાખ વિદ્યાર્થીઓ અને ર3 લાખ પરિવારો સાથે ગૂનાખોરી કરના એનટીએને તાત્કાલીક વિખેરી નાંખવી જોઇએ. જેમની જવાબદારી હેઠળ પરીક્ષા લેવાઇ હોય તે તમામને પહેલાં જેલમાં ધકેલી દેવા જોઇએ અને બાદમાં સી.બા.આઇ. કે કોઇ સક્ષમ એજન્સી દ્વારા સુપ્રિમ કોર્ટની દેખરેખમાં ટાઇમબાઉન્ડ તપાસ થવી જોઇએ. કારણ કે આ પેપર લીક નથી. જે દેશ ચંદ્રમાં પહોંચવાની અને વિકાસની વાતો કરતો હોય તેનું ચરિત્રય આટલું ઢીલું હોય તે ન ચાલે. આ સિસ્ટમ ફેઇલ્યોર છે. આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તમે ગમે તેટલાં રાષ્ટ્ર પ્રેમી હોવાનો દાવો કરતાં હો, તમારી ક્ષમતાં દેશમાં ભરોસામંદ પરીક્ષા સિસ્ટમ ચલાવવાની ન હોય તો તમે નાલાયક છો. દેશનો દ્રોહ કરો છો. ગરીબોનો દ્રોહ કરો છો. તમે એક એવી સિસ્ટમને જન્મ આપ્યો છે જ્યાં કરોડો રૂપિયા આપી પેપર લીક કરનાર કોચીંગ કલાસવાળા તેમને ત્યાં આવતાં શ્રીમંત છોકરાઓને સો એ સો ટકા પરિણામ અપાવે છે. મતલબ કે દેશમાં હવે ડોકટર બનવા માટે ગરીબોના સંતાનો માટે દરવાજા બંધ થઇ રહયા છે. ગરીબ ખેડુત તેના હોશિયાર સંતાન માટે જમીન વેંચી અભ્યાસ કરાવે છે. આવા ગરીબો પાસે પેપર લીક નથી પહોંચતું. આથી આવા વિદ્યાર્થીઓ આંખો ફોડી અભ્યાસ કરવા છતાં નાપાસ થાય છે. કેટલાક આશા ભર્યા પરિવારોમાં સંતાનો ઉપર લાદવામાં આવેલ સફળતાંનો બોજ અને ખર્ચ આ સંતાનને નાપાસ થતાં ડિપ્રેશન અને આપઘાતના પગલાં સુધી લઇ જાય છે. ગરીબ પરિવારો કહે છે કે ગરીબનું નસીબ ગરીબ. તેઓ નસીબને દોષ આપે છે. પરંતુ એ નસીબનો દોષ નથી. તમારું બાળક હોશિયાર છે. પરંતુ તમે એક એવા દેશમાં રહો છો જયાં હવે ગરીબો વંચિત બની રહયા છે. તેમની કરુણતા એ હતી કે તેઓ આવા નામચિહ્ન કોચીંગ યુનિટ કે પેપર લીકના નેકસસ ધરાવતાં વર્ગથી કનેકટ નહોતા. તેઓ પ્રમાણિક હતાં. તેઓ સિસ્ટમમાં અને કાયદામાં માનનાર હતાં. એઓ પ્રમાણિક હતાં. પ્રમાણિકતા આ દેશમાં હવે સજા બની રહી છે. ખુબ મોંઘી જણસ બની રહી છે. શ્રીમંતો ગરીબોના હકક ઉપર તરાપ મારી રહયા છે. શ્રીમંત બનવા માગતાં લોકો લાખો લોકોની કારકિર્દી બગાડવાનો ભયંકર ક્રાઇમ કરીને પણ તેમને માટે પેપર લીક સિસ્ટમ બનાવે છે. જેને સરકાર તોડી શકતી નથી. સરકાર આટલી લાચાર કેમ હશે ? સરકાર આટલી નિર્બળ કેમ હશે ? શું આ દેશમા હવે ગરીબો અને મધ્યમ વર્ગના બાળકનોની ટેલન્ટ ગટરમાં વહાવી દઇ આમ આદમીના સંઘર્ષમા વિતાવી દેવાની રહેશે ? કોઇ કે તો ખરા અર્થમાં આગળ આવવું પડશે. ગરીબ અને અમીર વિદ્યાર્થીઓને એક સમાન લેવલ પ્લેયીંગ ફિલ્ડ આપવું પડશે. મેરા ભારત મહાન સૂત્રોચ્ચાર કરવાથી મહાન નહિ બેસે. પ્રમાણીક લોકોને ટોચની પોસ્ટ માટે પ્રજાએ પ્રમાણીત કરવા પડશે. ચોર,ઉચકકા અને કૌભાંડિયા લોકોને સિસ્ટમમાંથી હટાવવા પડશે. અન્યથા તમારા સંતાનો તમને માફ નહિ કરે. નબળા વાલી તરીકે તમે આવી સિસ્સટમને ચાલવા જ ન દીધી તેને મજબુત કરી. નીટ –યુજીનું પેપર લીક આખરી પેપર લીક હોવું જોઇએ. હવે સરકારને પણ દિવાલ ઉપર અક્ષર લખી જણાવી દેવું જોઇએ કે અમે આવી લાલીયાવાડી નહિ ચલાવીએ. પેપરલીક કલ્ચર વાસ્તવમાં પેપરલીક કલ્ચર નથી. દેશમાં ટોચના સ્થાનાઓ નાણા બનાવવાની લ્હાયમાં થતી ગૂનાખોરી છે. ભ્રષ્ટાચાર આ પાપીઓ માટે હળવો શબ્દ છે. આ દેશનું લીક ચરિત્ર છે.