વડોદરાના ચાર સોનીને સ્મગલીંગથી આવતું સોનું વેચતો ફૈઝલ ફરાર : મૌલવીના ઘેર એસઓજીની સર્ચ
તાજેતરમાં સુરત એસઓજીએ મૌલવી દંપતિ સહિત ચારને સોનાની સ્મગલીંગ કરતા ઝડપી લીધા હતા. પૂછપરછમાં સમગ્ર રેકેટમાં પદાર્ફાશ થયો છે અને તેમાં આ રેકેટ હેઠળ મૌલવીને 25 ટકા નફો મળતો હોવાનું ખુલ્યું છે. વડોદરાના ચાર વેપારીઓને આ સોનું વેચવામાં આવતું હોવાનું અને તેનું સંચાલન ફૈઝલ નામનો શખ્સ કરતો હોવાનું ખુલવા પામતા એસઓજીએ તેને દબોચવા દરોડા પાડ્યા હતા. પરંતે ફૈઝલ નાસી છુટ્યો હતો. હાલ આ સમગ્ર મામલે એસઓજીએ અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરી છે.
સુરત જીલ્લાના માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસે ટ્રોલી બેગમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી તેને સ્થાનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ SOGને કર્યો હતો. સુરત SOGએ રવિવારે મળસ્કે જહાંગીરપુરા પાસેથી મસાલીના શાહગામના મદરેસાના મૌલવી અને ખેડૂત અબ્દુલસમદ ફારુક બેમાત, તેના ડ્રાઈવર ફિરોઝ ઈબ્રાઈમ તુરુ દુબઈથી સોનું લઈ આવેલા માંગરોળના દંપતી નઈમ મો. હનીફ સાલેહ-ઉમૈમાને રૂ.૬૪.૮૯ લાખના ૯૨૭ ગ્રામ સોના સાથે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.૭૬.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી આ નેટવર્ક ચલાવતા જહોનીસબર્ગ રહેતા મૌલવીના પિતરાઈ ભાઈ સોકત મોહમદ બેમાત અને હાલ દુબઈમા રહેતા તેના મિત્ર શહેજાદ અફઝલ શાહ ( તેમજ સોનું મંગાવનાર વડોદરાના ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન, એસઓજીએ આજે સાંજે મૌલવી અબ્દુલસમદ ફારુક બેમાતના ઘરે સર્ચ શરૂ કરી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે કોરોના પહેલા ૧૪ વર્ષ મહારાષ્ટ્રમાં રહીને મદ્રેસામાં ભણાવતો હતો અને કોરોના બાદ અહીં રહેવા આવી ગયો હતો. તે ગોલ્ડ સ્મગલીંગ માટે આઠ વખત દુબઈ ગયો હતો અને ત્યારે બાદ ૨૦ વ્યક્તિને સોનું લેવા માટે દુબઈ મોકલ્યાની કબૂલાત મૌલવીએ કરી છે. સ્મગલીંગથી આવતા સોનાને વેચી જે નફો થાય તેમાં મૌલવી ૨૫ ટકાનો ભાગીદાર છે.આ તરફ હાલમાં જે સોનું વડોદરાના ફૈઝલે મંગાવ્યું હતું તે વડોદરાના ચાર સોનીને આપવાનું હતું.એસઓજીએ ફૈઝલની તપાસ કરી હતી પણ તે ફરાર થઈ ગયો છે. એસઓજી તેની પણ શોધખોળ કરી રહી છે
ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક ચલાવતા સોકત બેમાત અને શહેજાદ શાહ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરાશે
સુરત એસઓજીએ ઝડપેલા ગોલ્ડ સ્મગલીંગ નેટવર્ક ચલાવતા જહોનીસબર્ગ રહેતા મૌલવીના પિતરાઈ ભાઈ સોકત મોહમદ બેમાત (મૂળ રહે.ઘંટી ફળીયું, માંગરોળ ગામ, જી.સુરત) અને હાલ દુબઈમાં રહેતા તેના મિત્ર શહેજાદ અફઝલ શાહ ( મૂળ રહે.વસરાવી ગામ, તા,માંગરોળ, જી.સુરત) ને ઝડપી પાડવા એસઓજી બંને વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરવા કાર્યવાહી કરશે.
એસઓજીએ અગાઉ જે સોનું ઝડપેલું તેમાં અને હાલમાં ઝડપાયેલા સોનામાં બોગસ બિલ એક જ સ્થળના
લાખો રૂપિયાનું સોનું ખરીદવા માટે જહોનીસબર્ગમાં રહેતો સોકત બેમાત પૈસાનું રોકાણ કરે છે. જોકે, આટલી મોટી રકમની વ્યવસ્થા તે કેવી રીતે કરે છે તે જાણવા માટે પણ એસઓજી કવાયત કરી રહી છે. એસઓજીને આશંકા છે કે સોનું ખરીદવા જે પૈસા આવે છે તે હવાલા મારફતે આવે છે.ઉપરાંત, એસઓજીએ અગાઉ જે સોનું ઝડપેલું તેમાં અને હાલમાં ઝડપાયેલા સોનામાં બોગસ બિલ એક જ સ્થળના હોય તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.