જામનગરમાં વીજળી પડતા ત્રણના મોત : ભારે બફારા બાદ વરસાદથી લોકોએ ટાઢક અનુભવી
છેલ્લા બે દિવસ અસહ્ય બફારા બાદ મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સવારી કરી છે. છેલ્લા 24 કલાકમાં દોઢ થી 5.50 ઇંચ વરસાદથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. અસહ્ય બફારા બાદ સચરાચર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. રાજકોટમાં મંગળવારે આખો દિવસ બફારા રહ્યા બાદ મેઘરાજાએ એકથી સવા ઇંચ જેટલું વરસી લોકો અને ધરાને ભીંજવી નાખ્યા હતા. સાંજ સુધીમાં હળવા ઝાપડા ચાલુ રહ્યા હતા. રામાપીર ચોકડી, નાણાવટી ચોક, બી.આર.ટી.એસ રૂટ, રૈયા રોડ, જે.કે.ચોક, નાના મવા સર્કલ, રૈયા ગામ વગેરે સ્થળે પાણી ભરવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં મધ્યઝોનમાં 28 મીમી, ઇસ્ટઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.
મૌસમ વિભાગે ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ આગાહી કરી ન્હોતી પરંતુ, આજે સવારે દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું જોર એકદમ વધી ગયું હતું. સૌરાષ્ટ્ર ઉપર આજે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. અગાઉ વ્યાપક વરસાદમાં વાવણી થયા બાદ કેટલાક દિવસના એકંદરે વિરામ,વરાપ બાદ આજે વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. રાજ્યના ૧૪૦ તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતા ધસમસતા પાણી વહેતા થયા હતા. સાંજે ચાર થી છ બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે પાટણ-વેરાવળ માં સાંજે ૬ સુધી માત્ર અર્ધો ઈંચ વરસાદ બાદ ૬થી ૮ બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ થયો હતો. અમરેલીના લાઠીમાં સાંજે ૪ થી ૮ કલાક દરમિયાન ચાર ઈંચ વરસાદ, બગસરામાં બે કલાકમાં બે ઈંચ થી ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં રાત્રે આઠ સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસ્યો ત્યાં એક સામટો વરસતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયા હતા. વરસાદ સાથે વિજળીના પ્રચંડ કડાકા ભડાકા થયા હતા અને જામનગર પંથકમાં વિજળીએ બે ખેડૂત અને એક મહિલા સહિત ત્રણનો જીવ લીધો હતો.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા (ઉ.વ.૫૫) પોતાની વાડીએ બપોરના 4.30 વાગ્યે હતા ત્યારે વિજળી પડતા તેઓનું તત્કાળ મૃત્યુ થયું. તાલુકાના નરમાણા ગામમાં દેવરખી અરજણ ડાંગર નામના ખેડૂત યુવાન ઉપર પણ વિજળી પડતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.આ ઉપરાંત જામનગર તાલુકાના દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની શ્રમજીવી મહિલા ઉપર વિજળી પડવાથી તેનું મોત નીપજ્યું હતું. ખેતીકામ કરતા અલ્પેશ નામના ૧૮ વર્ષના યુવાન પર વિજળી પડતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયેલ છે. પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના લાલપુરના પ્રવેશદ્વાર પર વિજળી ત્રાટકી હતી પણ સદ્ભાગ્યે ત્યાં કોઈને ઈજા ન્હોતી પહોંચી.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ૧૯૨ વિજ થાંભલાઓને નુક્શાન થયું હતું અને ૨૦થી વધુ ગામોમાં વિજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. કેતીવાડીના ૪૭ સહિત ૫૫ ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરમાં ૭૦, જુનાગઢ જિલ્લાના ૫૮, ભાવનગરના ૩૭, પોરબંદરના ૧૬ સહિત ૧૯૨ વિજથાંભલાને નુક્શાન થયું છે અને ૨૦ ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા.
સત્તાવાર સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં ૫૦થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જિ.ના ધોરાજીમાં બપોર પછી ૨ થી ૪ વચ્ચે બે કલાકમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ, લાઠીમાં સાંજે ૪ થી ૮ ચાર કલાકમાં સાડાત્રણથી ચાર ઈંચ, બગસરામાં અઢી ઈંચ, તાલાલામાં સાંજ સુધી હળવા ઝાપટાં બાદ બે કલાકમાં બે સહિત અઢી ઈંચ, જુનાગઢના વિસાવદર,મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવ વડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી. સાંજના સમયે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આમરણ વિસ્તારમાં રાત્રિના એક કલાકમાં વિજળીના કડાકાભડાકા સાથે બે ઈંચ પાણી વરસી ગયું હતું. ઉપરાંત રાણવાવ, માળિયા મિયાણા, ઉના, જેતપુર, જાફરાબાદ, ગીર ગઢડા, કલ્યાણપુરમાં એકથી દોઢ ઈંચ તેમજ ભાણવડ, થાનગઢ, વાંકાનેર, લાલપુર, અમરેલી, ધ્રોલ, બાબરા, કોડીનાર, ઉપલેટા, કેશોદ, ચોટીલા, લિલીયા, જોડિયા, બોટાદ, સાયલા, જામનગર, જુનાગઢ શહેર સહિત વિસ્તારોમાં અર્ધાથી એક ઈંચ સહિત વ્યાપક વરસાદ રહ્યો હતો જે મૂજબ આગાહી ન્હોતી.
જુનાગઢમાં રાત્રે આઠ વાગ્યા પછી પણ વરસાદનું જોર વધ્યું હતું અને રાત્રિના ૧૦ સુધીમાં માળિયા હાટીના ૪ ઈંચ, મેંદરડા તાલુકામાં ૪.૫૦થી પાંચ ઈંચ, કેશોદમાં ૩ ઈંચ, માંગરોળ અને માણાવદરમાં અઢી ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ વરસાદથી સોરઠ પંથક વધુ એક વાર જળબંબાકાર થયો હતો. આ પહેલા પણ ત્યાં ભારે વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લામાં ગત મોડી રાત્રે અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
ખંભાળિયા જિલ્લામાંના કેટલાક ગામોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો. રાજકોટના ધોરાજી તાલુકામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.