ગુજરાતી મૂળના શિવાની રાજાએ બ્રિટનમાં લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી
વિદેશની ધરતી પર જ્યારે કોઈ ભારતીય સફળતા મેળવે છે ત્યારે દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે. અનેક વખત એવી ઘટના પણ બની છે કે વિદેશમાં ભારતીય મૂળની કોઈ વ્યક્તિએ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ ઉજાળ્યું હોય ત્યારે દરેક ભારતીય પણ હરખાય છે.તાજેતરમાં આવી જ એક ઘટના બની છે.યુકેની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળના શિવાની રાજાએ વિજેતા બની ભારતનું નામ રોશન કર્યું છે. 30 વર્ષની વયે તેઓએ આ સફળતા મેળવી છે.શિવાની રાજાના પરિવારનું વતન દીવ છે.
હાલમાં એ ચર્ચા ચાલી રહી છે કે મૂળ ગુજરાતના શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે આ બેઠક પર લેબર પક્ષના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી.પોતાની જીત વિશે તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું ‘લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે.
આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે લેસ્ટર ઇસ્ટ 1987થી લેબર પક્ષનો ગઢ છે. શિવાનીની જીત 37 વર્ષમાં પ્રથમ વખત આ મતવિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે. યુનાઇટેડ કિંગડમમાં ચોથી જુલાઇએ યોજાયેલી ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓની છે. લગભગ 263 મહિલા સાંસદો છે.શિવાની રાજા ૨૦૧૭માં મિસ ઈન્ડિયા-યુકે સ્પર્ધામાં સેમી ફાઈનલિસ્ટ રહી ચૂક્યા છે.શિવાની રાજાનો જન્મ બ્રિટનના લિસેસ્ટરમાં થયો હતો. તેમણે હેરિક પ્રાઈમરી, સોર વેલી કોલેજ, વિગસ્ટન અને ક્વીન એલિઝાબેથ II કોલેજમાં અભ્યાસ કર્યો.તેણીએ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ એન્ડ કોસ્મેટિક સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
ગુજરાતી મૂળના બિઝનેસ વુમન શિવાની રાજાએ લિસેસ્ટરમાં લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ ને હરાવ્યા હતા જે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હતા, જેઓ 10,100 મતો સાથે બીજા ક્રમે હતા. લિસેસ્ટર ઇસ્ટ 1987થી લેબર પાર્ટી પાસે હતું.