નગરપાલિકા કચેરી ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન : સુત્રોચ્ચાર
એક સમયે સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબીની જાહોજલાલીને ક્ષોભમાં મૂકી દે તેવી બાબત અહીંની ગંદકી છે. ચોમેર ઉભરાતી ગટરો, વરસાદના પાણીથી ભરેલા રસ્તાઓ, ખાડાઓ અને દિવસો સુધી નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ દ્વારા ઉપાડવામાં ન આવેલા કચરાઓના ગંજથી મોરબી ગંધાઇ રહ્યું છે. આ અંગે ત્રાસી ગયેલા લોકોએ હવે ભાજપ સરકાર સામે વિરોધનો બુંગીયો ફૂંકયો છે. કોંગ્રેસની આગેવાનીમાં વિરોધી રેલી યોજી નગરજનોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કર્યા હતાં.
શહેરના આલાપ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને રહેવાસીઓ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજાએ મોરબી પાલિકાની તમામ સીટો ભાજપને આપી છે ત્યારે શું જનતાએ આવા દિવસો જોવા માટે ભાજપને મત આપ્યા હતા ? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ભાજપના નેતાઓ જ કરતા હતા ત્યારે તેઓએ પ્રજાની વચ્ચે આવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવવો જોઈએ.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પણ જણાવ્યું હતું કે, હાલ મોરબીમાં તમામ વોર્ડમાં ગંદકી જોવા મળે છે અને સફાઈની કોઈ પણ સુવિધા જોવા નથી મળી રહી. મોરબીની વસ્તીના પ્રમાણમાં નગરપાલિકાના કર્મચારીઓ ઘણા ઓછા છે. મોરબીના એક પણ વોર્ડમાં કોઈપણ પ્રકારની સુવિધા લોકોને મળતી નથી પ્રજા ટેક્સ ભરે છે પરંતુ તેનો સદુપયોગ થતો નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 25 તારીખની આસપાસ થયેલું તમામ પેચકામ નિષ્ફળ ગયું છે. ત્યારે અમે વિરોધ પક્ષ તરીકે મોરબીમાં ક્યાંય પણ ગુણવત્તા વગરનું કામ થતું હશે ત્યાં અવાજ ઉઠાવીશું. પ્રજાને સાથે રાખીને આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરવાની તૈયારી દર્શાવી હતી.
મોરબી NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રજાની કોઈપણ રજૂઆત નગરપાલિકા દ્વારા સાંભળવામાં આવતી નથી તેથી લોકો કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. જો 48 કલાકમાં ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તમે મોરબી બંધનું એલાન આપીશું અને ચક્કાજામ કરીશું.
સ્થાનિક પ્રવીણભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ જે કુંડી ઉભરાય છે તે છેલ્લી કુંડી છે પછી આગળ કુંડી ન હોવાથી ગટર ઉભરાઈ રહી છે. પાલિકા દ્વારા ખોટા ખેલ કરીને જ્યાં આવે ત્યાં ખોદકામ કરી દેવામાં આવે છે.
અન્ય સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા જઈ રહેલી મોરબી પાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી. કર્મચારીઓ અને અધિકારીઓ કોઈપણ પ્રકારનું કામ કરતા નથી. તેથી તેઓને વીઆરએસ દઈ દેવું જોઈએ. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ ગટર છેલ્લા ઘણા દિવસથી ઉભરાઈ રહી છે. વરસાદ આવે ત્યારે અહીંયા ચાલી શકાય તેવી સ્થિતિ પણ હોતી નથી. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાને લાયક જ નથી.
મોરબીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી બન્યો છે ત્યારે આલાપ સોસાયટી રોડ ઉપર છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્નથી ત્રસ્ત બનેલા લોકોએ કોંગ્રેસનો સાથ મેળવી રવિવારે વિરોધ પ્રદર્શન કરી નગરપાલીકા હાય હાયના નારા લગાવતા જ રાજકીય ઈશારે નગરપાલિકાના એન્જીનિયરે પત્રકાર પરિષદ યોજી નાખી હતી અને આલાપ સોસાયટીમાં પાલિકાની ભૂગર્ભ ગટર જ ન હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે, ભૂગર્ભ પાલિકાએ નથી નાખી તો આટલા વર્ષ વેરો શા માટે લીધો તેવો સવાલ પૂછતાં એન્જીનિયરે પાલિકા ઇન્કમટેક્સ સહિતના વેરા ઉઘરાવતી હોવાનો બાલિશતા ભર્યો જવાબ આપી 15થી20 દિવસમાં આલાપ સોસાયટીનો ભૂગર્ભ પ્રશ્ન હદ કરવમાં આવશે તેમ જણાવ્યું હતું.
બંધના એલાન બાદ તંત્ર ફફડયું : પત્રકાર પરિષદ યોજી
મોરબીના આલાપ રોડ ઉપરની સોસાયટીઓમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ આજે રવિવારે કોંગ્રેસ સાથે મળી નગર પાલિકા હાય હાયના નારા લગાવવાની સાથે પ્રચંડ વિરોધ કરી 48 કલાકમાં ભૂગર્ભ ગટરની સમસ્યા નહિ ઉકેલાય તો મોરબી બંધનું એલાન આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેના પગલે પાલિકાના સત્તાધીશો જાણે સતાપક્ષ ઉપર બેઠેલા શાસકો ફફડયા હતા અને તાત્કાલિક પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી પત્રકાર પરિષદને નગર પાલિકાના ઈજનેર કિશન ફુલતરિયાએ સંબોધી હતી.