લોકોના જીવનમાં અધિકારીઓ અને તંત્રની ચંચુપાત એટલી બધી વધી ગઇ છે કે,હવે લોકોને અકળામણ થવા માંડી છે
ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર પ્રમાણિક કરદાતા અને પ્રમાણિક નાગરિકો ઇચ્છે છે! ખુદ ભાજપના કાર્યકરો નેતાઓ ગણોતિયા મજુર જેવા બની ગયા છે. આવું મોડયુલ પરાજય જ નોતરે તેમાં કોઇ નવાઇ નથી હજુ ત્રણ રાજયોની ચૂંટણી આવે છે : લોક મિજાજને પારખી લેવાનો આ સમય છે
લોકસભાની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીને ૪૦૦ પાર બેઠક મળશે એવી હવા બનાવવામાં આવી હતી. પરંતુ ભારતિય જનતા પાર્ટી એકલા હાથે ર૪૦ બેઠક પાર ન કરી શકી. આવા સમયે રાગ દરબારી ગાનારાઓએ એવું કહીને ડીંગ હાંકી કે સરકાર તો આપણી જ બનશે. દસ વર્ષે તો એન્ટીઇનકમ્બન્સી આવે જ ને. કેટલાંક સાયબર ગઠિયાઓએ હિન્દુઓને અને અયોધ્યામાં પરાજય બદલ ગાળો દેવાનું શરૂ કર્યુ.કટ્ટરવાદીઓને બેસાડી હેરાન થાઓ એવા શ્રાપ પણ આપવા માંડયા. પરાજય પચાવી ન શકયા. માત્ર એક દોઢ મહિના બાદ વિધાન પરિષદની ૧3 બેઠકોની પેટાચૂંટણી થઇ. ફરી એક વખત ભાજપને મતદારોએ ઝટકો આપ્યો.૧3માંથી માત્ર બે બેઠક રોકડી ભાજપને મળી. બાકીની ઇન્ડિયા ગઠબંધન અને અપક્ષોને મળી.હવે આગામી ત્રણ માસમાં મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી પહેલાં ભાજપના ટોચના નેતાઓએ દિવાલ ઉપરના અક્ષર વાંચી લેવાની જરૂર છે. અત્યાર સુધીની હાર એ હિન્દુત્વની હાર નથી. હિન્દુત્વ ભારતના ઘર ઘરમાં ત્રિકાલ સંધ્યા કરે છે. ઠાકોરજીને બિછાને બિછાવે છે. મંગલા આરતી ગાય છે. હિન્દુત્વ નાનકડા ગામના ગોંદરમાં ઝાલર વગાડે છે. કેદારનાથમાં ધ્વજ લહેરાવે છે. ગંગાના ખળ ખળ વહેતાં નીરમાં હર હર ગંગેનું ગગનભેદી ગાન કરે છે. ભારતભૂમિ ઉપર જયશ્રી કૃષ્ણ,રામ રામના નાદમા ગુંજે છે.
અયોધ્યા અને બદરીનાથની હાર ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ દેશનું તંત્ર ભ્રષ્ટાચારથી ચલાવવાની હાર છે. ભ્રષ્ટ અધિકારીઓને સોંપી દેવાયેલ દેશના તંત્રની હાર છે. ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા દેશના કરદાતાઓ પાસેથી પ્રમાણિકતાના પાઠ ભણાવવાની હાર છે. દેશના સામાન્ય નાગરિકના રોજીંદા જીવનમાં તંત્રના હસ્તક્ષેપ અને સતાના અતિરેકની હાર છે. સામાન્ય લોકોનું જન જીવન રાજકારણ નથી.રાજકારણીઓ માટે રાજકારણ એ જીવન છે. સામાન્ય માણસોને ગડકરી અને શેતકરી વચ્ચેનો ફરક ખબર નથી. એક વેપારી ઉદ્યોગપતિ,ટ્રેડર,નોકરિયાત તેમના દિવસ દરમિયાનના પરિશ્રમ બાદ અપેક્ષિત સંતોષ ન મેળવી શકે, તેમના જીવનમા સરકાર થકી ઘોંચ પરોણા થતાં રહે,તેની અકળામણ મતપેટ ઉપર પડે છે. આંખો ફોડી ભણેલા યુવાનો જયારે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થાય તેની પિડા મતપેટીમાં વ્યકત થાય છે.
બહુ જુની વાત છે જેમણે પાપ ન કર્યુ હોય તે પથ્થર ઉઠાવે. પણ અહિંતો ઉલ્ટી ગંગા વહી.પાપી સાગઠિયાઓએ આખા ભાજપને અને રાજકોટના વેપાર ધંધાને બાનમાં લીધા હતાં. કોની કૃપા? વાત માત્ર રાજકોટની નથી.નોકરીઓમાં અમલદારશાહિના દરેક મુખ્ય સ્થાને સાગઠિયાઓ ફાવ્યા. અધિકારીઓનો ભ્રષ્ટાચાર લોકોની પહોંચની બહાર ચાલ્યો ગયો. અધિકારીઓ લોકોની પહોંચની બહાર ચાલ્યા ગયા. અંગ્રેજોનો રૂઆબ અને જલસા ઓછા પડે એવા જલસા અને રૂઆબ અધિકારીઓએ હાંસલ કરી લીધા. તેમની સતાને સામાન્ય લોકો પડકારી ન શકે તેટલી મજબુત કરી દીધી. આગકાંડમાં ર૮ લોકો મરે છતાં સરકાર આઇ.એ.એસ. આઇ.પી.એસ. સામે હરફ ન ઉચ્ચારી શકે એટલી મજબુત આ અમલદારશાહિ થઇ ગઇ. ભાજપના મુઠ્ઠીભર નેતાઓ ભ્રષ્ટચારના અડ્ડાઓ ચલાવે અને લોકો જોતાં રહે તેનો આ બેકલેસ છે. એ થી જ રાજય સરકાર એટલી જ નબળી બની ગઇ. સતાનું ત્રાજવું બહુમતી પ્રજા સામે લઘુમતી સતાધારીઓ સામે એટલું નમી ગયુ કે લોકો લાચારી મહેસુસ કરવા માંડયા.
ખુન પસીનાથી સિંચેલા વેપાર ધંધા રોજગાર ઉપર જયારે સાગઠિયાઓના ઘા થવા માંડયા અને તેને લોકનેતાઓ તેને રોકવામાં નિષ્ફળ ગયા એટલે લોકોએ વિકલ્પ શોધવાના શરૂ કર્યા. એ લોકો હિન્દુ કે મુસ્લીમ નથી. એ શીખ કે ઇસાઇ નથી. એ ભારતનો નાગરીક છે. જેમણે આઝાદ ભારતની કલ્પના કરી હતી. પરંતુ તેમની આસપાસ સતાની અદ્રશય સાંકળ બાંધી દેવામા આવી છે. કાયદાને નામે તેઓ પેન્શન કે ગ્રેચ્યુઇટી ઉપર ટેકસ ચુકવે છે. વળી વસ્તુઓ ઉપર ટેકસ ચુકવે છે. વળી સસ્તુ પેટ્રોલ મોંઘી સેસ ચુકવીને ખરીદે છે. વન નેશન વન ટેકસની વાતો કરી સરકાર ફરી જાય છે. લોકો જીવનથી મરણ સુધી ટેકસ ચુકવે છે. આમ છતા તેમના જીવનમાં રેસ્ટ નથી. ટેસ્ટ નથી. એક ઘુટન છે. કવોલિટી ઓફ લાઇફ નથી.સતાનુ અતિક્રમણ હવે તેમની રોજીંદી પરેશાની થઇ ગઇ છે.
આ સતાનુ અતિક્રમણ કરનાર નેતાઓ તેમની સમશ્યા બની ગયા છે. આ સમશ્યામાંથી છુટવા એક દિશામાં પ્રજા માનસ ચાલવાં માંડયુ ત્યારે પરિણામો પલટાવા માંડયા.અયોધ્યામાં ભાજપ હારે છે. વારાણસીમાં પણ હાલક ડોલક થાય છે. એક સમય હતો જયારે માણસની પાયાની જરુરિયાત હતી રોટી કપડાં ઔર મકાન.પણ આજના નુતન ભારતમાં પાયાની ચોથી જરૂરિયાત ઉભી થઇ છે. રોટી કપડા,મકાન અને ઇજ્જત. દરેક માણસ સ્વતંત્રતા ઇચ્છે છે. એ કોઇનો ગણોતિયો મજુર નથી. એમના જીવનના પરિશ્રમથી પામેલું કોઇની દયા ઉપર કે કોઇની કલ્યાણ યોજના ઉપર આધારિત નથી.
અહીં તો ભાજપના કાર્યકરોની હાલત ગણોતિયા મજુર જેવી થઇ ગઇ છે. જરૂર પડી તો કોંગ્રેસના મોલમાંથી લઇ ભાજપના મોલમાં માલ વેંચવા માંડો. છેલ્લા ૭પ વર્ષથી સર્વમાન્ય અને સમયની કસોટીમાંથી પાર થયેલી તમામ વિવેક રેખાઓનું ઉલ્લંઘન થયુ. કાર્યકરોનું માન ન જળવાયુ.નેતાઓને જીવતાં સ્ટેચ્યુ બનાવી દેવાયા. હિન્દુત્વનું માર્કેટીંગ થયુ. સરેરાશ માણસ દોડતો,હાંફતો રહયો છતાં તેમને હાશ ન મળી. એક ભ્રામક વિકાસની દુનિયાનું અંતે શિર્ષાસન થયુ.
સરેરાશ ભારતિય માણસના જીવનમાં વિકાસને બીજુ પ્રાધાન્ય છે. તેમનું પ્રથમ પ્રાધાન્ય સ્વતંત્રતા છે. ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ચલાવાતા તંત્રએ હિન્દુત્વની છબી પણ ધુમીલ કરી. પ્રજાના રોજીંદા જીવનમાં ઘોંચ પરોણાથી ગીન્નાયેલા લોકોએ અંતે અણગમતો માર્ગ પસંદ કર્યો. લોકોને કોંગ્રેસ કે વિપક્ષો પ્રત્યે પ્રેમ નથી ઉપજયો. જેમને પોતાના માન્યા હતાં તેના રંગ ઢંગ અને અહંકાર પસંદ નથી આવ્યા. બેઇમાની પસંદ નથી. આવી.બેફામ ભ્રષ્ટચાર પસંદ નથી આવ્યો. ખોટા વચનો પસંદ નથી આવ્યા. સૌથી વધુ રોષ હોય તો અરાજકતા સામે છે. વહિવટી તંત્રની અરાજકતા,ભ્રષ્ટાચાર અને અધિકારીઓની તુમાખીએ ભાજપના કમળને મુરઝાવ્યુ છે. એ અયોધ્યાની પાવન ભૂમિ હોય કે બદરી વિશાલ હોય. ભાજપની હાર પાછળ એક અને માત્ર એક કારણ હોય તો ભ્રષ્ટ તંત્રની પ્રમાણિક પ્રજા સાથેની બદસલુકી. આ બદસલુકી સામે ચૂંટેલા નેતાઓના આંખમિંચામણા લોકોનો રોષનું કારણ બન્યો છે.
ભાજપની નેતાગીરીને દિવાલ ઉપરના આ અક્ષર વાંચવામાં હજુ પણ અહમ નડશે તો મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડમાં પણ આ જ અસંતોષ પ્રજામત બનશે.
બાકી અયોધ્યા કે બદરી વિશાલમાં ભાજપના પરાજીત થવાથી હિન્દુત્વનો પરાજય નહિ થાય. એ હિમાલયના ઉતુંગ શિખરોથી લહેરાશે. એ લોકોના ઘર ઘરમાં પૂજા અર્ચનમાં સવારે જયશ્રી કુષ્ણ,જયશ્રી રામ,હરિઓમ,ઓમ નમ: સિવાયમાં પ્રજવલ્લિત રહેશે. હિન્દુત્વ એ ધર્મ નથી. એ જીવનશૈલી છે.