ઉપલેટા શહેરમાં પાંચ, ગીરગઢડામાં સાડા ચાર, કેશોદમાં અઢી ઇંચ : રાજકોટ રાહમાં
માણાવદર તાલુકાના પાજોદ સરડીયા ગામના ખેતરો દરિયો બન્યા : માણાવદર, બાંટવા, ધોરાજીમાં બારે મેઘ ખાંગા
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી સક્રિય થયેલું ચોમાસું જુદા-જુદા વિસ્તારમાં સાંબેલાધારે વરસાદ વરસાવી રહ્યું છે. દરિયાઇ કાંઠાના ગામોમાં બારે મેઘ ખાંગા થયા બાદ હવે મેઘ સવારી ઉપલેટાના લાઠ ગામે આવી છે. લાઠ ગામે છેલ્લા થોડા કલાકોમાં ૧૫ ઇંચ જેવો ધોધમાર વરસાદ થઇ જતાં પાણીની રેલમછેલ થઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ૧ થી પ ઇંચ જેવો વરસાદના વાવડ છે. જેમાં ઉપલેટા શહેરમાં પાંચ, ગીરગઢડામાં સાડા ચાર, કેશોદમાં અઢી ઇંચ વરસાદ થયો છે. હજુ વધારે વરસાદની આગાહી યથાવત છે. છેલ્લે મળતાં અહેવાલ મુજબ માણાવદર તાલુકાના પાજોદ, સરડીયા ગામના ખેતરોમાં ધોધમાર વરસાદથી દરિયા જેવું દ્રશ્ય સર્જાયું છે. પાણીની રેલમછેલ જોવા મળે છે. જયારે માણાવદર, બાટવા, ધોરાજી, ઉપલેટામાં બારે મેઘ ખાંગા થયાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું છે.
સવારે કેશોદ, માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ સોરઠમાં પડાવ કરતા જનજીવન પ્રભાવિત થયું છે.
છેલ્લા ચાર દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા કળપા વરસાવી રહ્યા છે અને આજે પાંચમા દિવસે વહેલી સવારથી ફરી મેઘાએ આળસ મરડી છે. સવારે છ વાગ્યે ઓચિંતા જ કેશોદ વિસ્તારમાં મેઘરાજા તૂટી પડ્યા હતા દોઢ કલાકમાં અઢી ઇંચ પાણી વરસતા કેશોદના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. કેશોદ તાલુકામાં સતત પાંચમા દિવસે પણ વરસાદ હોવાથી આસપાસના ઘેડ વિસ્તારના લોકોને હાલત વધુ કફોડી બની ગઈ છે.
કેશોદની સાથે સાથે સવારે માણાવદર વિસ્તારમાં પણ મેઘ સવારે આવી પહોંચી હતી. સવારે ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં બે ઇંચ વરસાદ થતાં માણાવદરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેશોદની માફક માણાવદર નજીકના ઘેડ વિસ્તારની હાલત સતત વરસાદથી વધુ કફોડી બની ગઈ છે.
જૂનાગઢમાં પણ આજે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢની સાથે સાથે ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદ હોવાથી સોનરખ નદી અને કાળવા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સવારે બે કલાકમાં જૂનાગઢમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
વંથલી તાલુકામાં રવિવારે એક ઇંચ મેઘ કળપા બાદ આજે ફરી સવારે આકાશમાંથી વધુ એક ઇંચ પાણી વરસ્યું હતું. મેંદરડા માં ૨૪ કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ નોંધાયા પછી આજે પણ સવારે વધુ એક ઇંચ વરસાદ થયો છે. ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા.
આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં દોઢ ઇંચ, વંથલી ૧ ઇંચ, જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૪
દોઢ ઇંચ, ભેસાણ ૧ ઇંચ, વિસાવદર ૩ ઇંચ, મેંદરડા ૩ ઇંચ, કેશોદ દોઢ ઇંચ, માંગરોળ ૧ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૨ ઇંચ વરસાદ થયો હતો.
ભાવનગર
ગોહિલવાડ પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘોઘા માં અઢી ઇંચ તળાજામાં દોઢ ઇંચ ભાવનગર શહેર માં પણ સિહોર અને મહુવામાં અડધો -અડધો ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં હરવા -ભારે ઝાપટા વરસી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના ઘોઘામાં ધોધમાર વરસાદ તૂટી પડતા અઢી ઇંચ થી વધુ વરસાદ ખાબકી ગયો છે. તળાજામાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
આજે સોમવારે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૭મી.મી. ,ઉમરાળા માં ૫ મી.મી., ભાવનગર શહેરમાં ૧૮ મી.મી ઘોઘા માં ૬૬ મી.મી.,સિહોર માં ૧૦ મી.મી., ગારીયાધાર માં ૬ મી.મી.,પાલીતાણા માં ૫ મી.મી.તળાજા માં ૩૬ મી.મી., મહુવામાં ૧૪ મી.મી.અને જેસરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.
કયાં કેટલો વરસાદ
લાઠ ૧૫
ગીરગઢડા ૪.૫૦
ઉપલેટા ૫.૦૦
ગીર સોમનાથ ૪.૫૦
વેરાવળ ૪.૦૦
જામજોધપુર ૪.૦૦
જામનગર 3.૫૦
આમરણ 3.૦૦
વિસાવદર 3.૦૦
મેંદરડા 3.૦૦
ફલ્લા ૨.૨૫
મા.હાટીના ૨.૦૦
રાજુલા ૨.૦૦
તાલાલા ૨.૦૦
સુત્રાપાડા ૨.૦૦
જૂનાગઢ ૧.3૦
ધોરાજી ૧.3૦
માણાવદર ૧.3૦
કેશોદ ૧.૦૦
વંથલી ૧.૦૦
ભાણવડ ૧.૦૦
લાલપુર ૧.૦૦
ભેંસાણ ૧.૦૦
બગસરા ૧.૦૦
ધારી ૧.૦૦
કલ્યાણપુર ૦.૭૫
જોડિયા ૦.૭૫
ઉના ૦.૫૦
પડધરી ૦.૫૦
માંગરોળ ૦.૫૦
ખંભાળીયા ૦.૫૦