દેશ અનામતની તરફેણ અને વિરોધના બે ભાગમાં વહેંચાઇ જવાનો ખતરો
મોદી સરકારે ચાર રાજયોની ચૂંટણી અને ઉતર પ્રદેશની પેટા ચુંટણીઓને ધ્યાને રાખી લેટરલ એન્ટ્રીની કાર્યવાહિ પાછી ખેંચી લીધી ?
૪ જુન,ર૦ર૪ના રોજ દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાર બાદ રાષ્ટ્રિય રાજકારણ અને આંતરરાષ્ટ્રિય રાજકારણ એટલું તેજ બની ગયુ છે કે સામાન્ય લોકોને તેના ભીતર પ્રવાહો તાત્કાલીક સમજમાં ન આવે. કેટલાક રાજકિય નિષ્ણાતો પણ હાલ ગોથા ખાસ રહ્યા છે. લેટરલ એન્ટ્રી એક એવો જ વિવાદ છે. આ લેટરલ એન્ટ્રી મુદાને ખુબ બારીકીથી સમજવો પડે તેમ છે.તેની અસર તો એટલી ખતરનાક છે કે ભવિષ્યનું ભારત અનામત અને બિન અનામતના બે વિરોધ બિંદુઓ ઉપર આવી શકે છે. જે આઝાદી બાદનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક ઇશ્યુ બની શકે છે.
સૌ પ્રથમ લેટરલ એન્ટ્રી વિવાદ અંગે જોઇએ તો, લેટરલ એન્ટ્રી હાયરીંગ એટલે ટોચના પદ ઉપર અધિકારીઓની પસંદગીની સીધી ભરતીની પ્રક્રિયા.યુ.પી.એસ.સી. દ્વારા આઇ.એ.એસ. આઇ.પી.એસ.ની પસંદગી માટે ખુબ જટીલ લેખિત પરીક્ષા ત્યાર બાદ નિષ્ણાતોનો રૂબરુ ઇન્ટરવ્યુ આપવાની પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા એટલે આ જ પોસ્ટ ઉપર નિષ્ણાતો પસંદ કરવા આવી કોઇ પરીક્ષા આપ્યા વગર સીધો જ ઇન્ટરવ્યુ આપી ટોચના પદ ઉપર જે અધિકારીઓને સચિવ કક્ષાની નોકરી આપવામાં આવે તે લેટરલ એન્ટ્રી કહેવાય છે.
હવે વિવાદાસ્પદ લેટરલ એન્ટ્રી પાછી ખેંચવાનો વિવાદ તપાસીએ. વાત એમ છે કે ગત ૧૭મી ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી એટલે કે જેમા અનામત લાગુ ન પડે તેવો ટોચના પદની ભરતીની પ્રક્રિયા માટે જાહેરાત આપી હતી. જેમા ૪પ ટોચના અધિકારીઓ એટલે કે સચિવ કક્ષાના અધિકારીઓની પસંદગી કરવાની હતી. કોંગ્રેસ અને વિરોધ પક્ષના ધ્યાને આ સીધી ભરતીની પ્રક્રિયા ધ્યાને આવતા રાહુલ ગાંધી,અખિલેશ અને તેજસ્વી યાદવ સહિતના વિરોધપક્ષના નેતાઓએ કાગારોળ મચાવી દીધી. તેમણે મોદી સરકારને કહયુ કે તમે સીધી ભરતી ભલે કરો. પણ તેમાં અનામત તો રાખો. અનામત વગર આવી ભરતી કેમ થાય. ? મોદી સરકાર હા પાડે તો હાથ કપાય. ના પાડે તો નાક કપાય. કારણ કે મોદી સરકાર પાછલા બારણે ટોચના પદો ઉપર અનામત ઇચ્છતી નથી.
સંઘ અને ભાજપના હિડન એજન્ડામાં જ આ બાબત મુખ્ય છે. સંઘની વિચારધારા મુજબ દેશને અનામત,જાતિવાદ અને જ્ઞાતિવાદ જુદા જુદા વિભાગોમાં વિભાજન કરે છે. વિદેશની તાકાતો અને સલમાન ખુરશીદ જેવા નેતાઓ પણ ભારતના વિભાજન માટે આત્મવિશ્વાસથી વિભાજનની વાત કરે છે તે આ મુદા ઉપર જ કરે છે. ભારતને વિદેશીઓ તોડી શકે તેમ નથી. આંતર વિભાજનથી જેમ બાંગ્લાદેશ અને શ્રીલંકા તુટયા તેવા જ કોઇ મુદાથી ભારતને નબળુ પાડવું હોય અથવા તોડવું હોય તો આઝાદી બાદ અનામતથી વધુ સંવેદનશીલ મુદો કોઇ નથી.
આથી વિપક્ષોએ કાગારોળ મચાવી એટલે મોદી સરકારે માત્ર ચાર દિવસમાં જ લેટરલ ભરતીની પ્રક્રિયા જ રદ કરી નાંખી. મોદી સરકાર વિપક્ષોના વિરોધથી ડરી નથી. પણ વિપક્ષો અનામતની તરફેણ કરે છે રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ કાગારોળ મચાવતાં એસ.સી. એસ.ટી.ઓ.બી.સી. સહિતનો વર્ગ જાગૃત થઇ ગયો. આ વર્ગ ભારતના બિન અનામત વર્ગ કરતાં વધુ સંગઠિત અને સક્રિય વર્ગ છે. આગામી ચાર રાજયોની ચૂંટણીમાં તથા ઉતર પ્રદેશ વિધાન સભાની ચૂંટણીમાં તેની ખરાબ અસર પડે આમ પણ આ ચૂંટણી મોદી સરકાર માટે લીટમસ પેપર જેવી છે. તેમાં બળતાંમાં ઘી હોમાય તેમ છે. આથી સમય વર્તે સાવધાન નીતિ અપનાવી લેટરલ ભરતીનો મુદો હાલ અભેરાઇએ ચઢાવી દેવામાં મોદી સરકારે ડહાપણ અપનાવ્યુ છે.
જો કે,એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આ મુદો કાયમી દફનાવાઇ જશે. ચાર રાજયોની ચૂંટણીના પરિણામોમાં થોડી પણ યારી મળી તો સંઘ ભાજપ અનામત મુદો હિડન એજન્ડા તરીકે ચલાવશે. ઉતર પ્રદેશમાં તેનો અમલ થઇ ગયો છે. ૬૮ હજાર ભરતીઓમા ૧૮ હજાર ભરતીમાં ઇધર ઉધર થયુ છે અને અનામત વર્ગનું હિત નથી જળવાયુ એવા આક્ષેપો થયા છે.
એકંદરે દેશનું રાજકારણ એવા મુકામ ઉપર આવીને ઉભુ છે કે જે ભારતનું ભવિષ્ય નકકી કરશે. ડાબેરી વિચારધારા અને જમણેરી વિચારધારાની જ્ઞાનતંતુની લડતમાં હાલ ફરી એક વખત ડાબેરીઓ રાહુલ ગાંધી,અખિલેશ,તેજસ્વી વગેરે મોદી સરકાર ઉપર ભારે પડી રહયા છે. ૪ જુનથી ર૦ સપ્ટેમ્બર સુધીમાં મોદી સરકારની ત્રણ મુદા ઉપર સંસદમાં પીછેહઠ થઇ છે. વકફ બોર્ડ બીલ,બ્રોડકાસ્ટ બીલ અને છેલ્લે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા પાછી ખેંચી છે.
આ ત્રણમાં સંવેદનશીલતાની દ્રષ્ટીએ જોઇએ તો સૌથી વધુ સંવેદનશીલ મુદો અનામત પ્રથા નાબુદીનો છે. બીજા નંબરે વકફ બોર્ડ આવે. જયારે ત્રીજા નંબરે બ્રોડકાસ્ટ બીલ આવે. જે ખાસ કરીને સોશિયલ મિડિયાની સ્વતંત્રતા માટે ખતરા સમાન બતાવાય છે. ભવિષ્યમાં અનામતનો જીન બોટલમાંથી નિકળશે. એ સૌથી વધુ ખતરનાક હશે.
લેટરલ ભરતીમાં અદાણી અંબાણીના અધિકારીઓ મૂકવાના આક્ષેપો પણ છે. જેની બિટવીન ધ લાઇન્સ ભવિષ્યમાં સમજીશુ.