મહારાષ્ટ્રના ઓપરેશનમાં શરદ પવાર સાથે સંવાદ સાધવા બાપુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે
ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ભાજપથી વિમુખ થતો બચાવવા પણ શંકરસિંહનો ચહેરો મહત્વનો બની શકે
બનાસકાંઠામાં ગેનીબેનના પ્રભાવને રોકવા શંકરસિંહની મદદ લેવાનો પણ ભાજપનો ગેમપ્લાન હોય
ગાંધીનગરના સર્કિટ હાઉસમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકિય નેતા શંકરસિંહ વચ્ચે બંધ બારણે થયેલી બેઠકે ખુબ જ ચર્ચા જગાવી છે. શંકરસિંહ અને અમિત શાહની મુલાકાતે ગુજરાતના રાજકારણમાં મોટી નવાજુની થશે તેવી અટકળો શરુ થઇ છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ છે કે વર્તમાન રાજકિય સ્થીતિમાં ભાજપ માટે ગુજરાત કરતાં કેન્દ્રમાં વધુ પડકારો છે. ખાસ કરીને આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી આવનાર છે. આ ઇડરિયો ગઢ જીતવામાં મોદી-અમિત શાહની જોડી આકાશ પાતાળ એક કરશે. આવા સંજોગોમાં ટ્રમ્પકાર્ડ બની શકે છે. એક સમયે કેન્દ્રમાં ગઠબંધનની સરકારનો સમય આવ્યો હતો ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલે જે ભુમિકા ભજવી હતી તેવી જ ભૂમિકા શંકરસિંહના ભાગે ભજવવાની આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કારણ કે શંકરસિંહને શરદ પવાર સાથે ખુબ સારા સબંધ છે. એક સમયે શરદ પવારે શંકરસિંહને ગુજરાત એનસીપીની બાગડોર પણ સોંપી હતી. હવે શરદ પવાર સાથે શંકરસિંહના માધ્યમથી નિકટતાં સાધી ભાજપ કેન્દ્રમાં નીતિશ-નાયડુને ચેકમેટ કરવા માટે પણ વિચારી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સતાની નવી ધરી રચવા માટે શરદ પવાર સાથે યારાના કરવામાં શંકરસિંહનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાતમાં પણ શંકરસિંહ કદાવર નેતા છે. ખાસ કરીને ગત લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજને ભાજપથી વિમુખ થતો અટકાવવામાં કોઇ નેતા સફળ નથી થયા.તેમા પણ શંકરસિંહ અને શકિતસિંહની ભૂમિકા મહત્વની હતી. હવે ગુજરાતમા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચુંટણી આવશે. આ સમયે ક્ષત્રિય સમાજનો અસંતોષ અને ભાજપનો આંતરિક અસંતોષ સાથે મળે તો પરિણામો ઉપર વિપરિત અસર થઇ શકે છે. આ મામલે ક્ષત્રિયોને સમજાવટ માટે શંકરસિંહથી મોટા કોઇ નેતા નથી.
આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસના ઉદય માટે બનાસકાંઠાન ગેનીબેનનો વિજય ખુબ મહત્વનો છે. બનાસકાંઠામાં રાજકિય જમીન ગુમાવી ચુકેલ ભાજપને શંકરસિંહની ખુબ જરુર છે. શંકરસિંહના બનાસકાંઠામાં પણ પ્રભાવક રાજકિય સબંધો છે. ખાસ કરીને વિપુલ ચૌધરી વગેરે જુના જોગીઓ આજે પણ તેમના વિસ્તારમાં ખુબ પ્રભાવક છે. જેથી બનાસકાંઠા સહિતના વિસ્તારમાં પણ ભાજપને મજબુત કરવા શંકરસિંહ ઉપયોગી થઇ શકે.
રાજકારણ વિષે કોઇ પૂર્વાનુમાન ન કરી શકાય. પરંતુ અમિત શાહ અને શંકરસિંહ ગુજરાતના સર્કિટ હાઉસમાં મળે.એ બાબત ઇરાદાપૂર્વક લીક કરવામાં આવે તે આગામી રાજકિય પ્રવાહોના સંકેતો છે.