પીડિત પરિવારો દ્વારા ઘટનાની તપાસ પણ CBI પાસે કરાવવા માંગ કરી છે : કોર્ટ દ્વારા નિમાયેલા કમિશનરોએ પીડિત પરિવારોનો અહેવાલ રજૂ કર્યો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૪૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમનો પરિવાર હજી પણ સહાય માટે વલખા મારી રહ્યો છે. અનેક તપાસ મામલે અવાર-નવાર હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે અને કોર્ટ દ્વારા સહાય પણ ચુકવવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ માંગ કરતી અપીલ કરાઇ છે. તેની સુનાવણી કોર્ટે હાથમાં લીધી હતી અને ત્વરીત તપાસ અર્થે બે કમિશનરોની નિમણુંક કરી હતી. જેઓએ કોર્ટ સમક્ષ તમામ પીડિતોનો અહેવાલ રજુ કર્યો હતો. તેમાં કોર્ટે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અસર પામનાર ૨૧ બાળકો પૈકી ૮ દિકરીઓ છે. જેને વળાવવાનો સમય આવ્યો છે આથી ઓરેવા કંપનીએ આ દિકરીઓને લગ્ન ખર્ચ આપવો જોઇએ.
ઓરેવા કંપનીને આ માર્મિક ટકોર સાથે હાઇકોર્ટે પીડિત પરિવારોની સહાય માટે જે ટ્રસ્ટની રચના કરાઇ છે અને પીડિતોને જે સહાય કે લાભ અપાઇ રહ્યા છે. તેમાં આ બાબતનો ઉમેરો કરવા પણ તાકીદ કરી હતી. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના વકીલ તરફથી સમગ્ર દુર્ઘટના પ્રકરણની તપાસ પોલીસ કે સીટ પાસેથી લઇ સીબીઆઇને તપાસ સોંપવા માંગણી કરવામાં આવી હતી. પીડિતો તરફથી અદાલતને જણાવાયું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલની તપાસમાં બહુ ગંભીર અને કેટલાક છીંડા રાખવામાં આવ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિતના કસૂરવાર લોકો સામે કોઇ પગલાં લેવાયા નથી કે કાયદેસર કાર્યવાહી થઇ નથી. એટલે સુધી કે તેઓને આ કેસમાં આરોપી પણ બનાવાયા નથી. ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સાચી હકીકતો બહાર લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપાય તે ખૂબ જરૂરી છે.
જો કે હાઇકોર્ટે પીડિતપક્ષના વકીલને જણાવ્યું હતું કે જો આ માંગણી બાબતે વિચાર કરાશે કે તેને ગ્રાહ્ય રખાય તો તો કેસનો ટ્રાયલ જે શરૂ થઇ ગયો છે તેની પ્રક્રિયા વિલંબીત થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે. તેના કરતાં કેસના ટ્રાયલ જે શરૂ થઇ ગયો છે તેની પ્રક્રિયા વિલંબીત થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે. તેના કરતાં કેસના ટ્રાયલ દરમ્યાન જો કોઇ નબળી કડી જણાય તો પીડિતો તરફથી તે બાબત કોર્ટમાં રજૂ કરી શકાય છે. વળી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને તેમાં આ દુર્ઘટનાને લઇ કોની કોની જવાબદારી છે તે સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે.
દરમ્યાન આ કેસમાં હાઇકોર્ટ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ કોર્ટ સહાયક તરીકે નીમાયેલા એડવોકેટ એવા કોર્ટ કમિશનર દ્વારા વિગતવાર અહેવાલ બે ભાગમાં તૈયાર કરી સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. આ અહેવાલ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જણાવાયું હતું કે અલગ-અલગ કેટેગરીમાં પીડિતોને રૂ.બાર હજાર જેટલી સહાય અપાઇ રહી છે. કેટલીક વિધવા બહેનોએ એકમાત્ર કમાનાર વ્યકિત ગુમાવ્યા છે તો ઘણા સગીર આધાર વિનાના થયા છે. કેટલાક પીડિતો એવા પણ છે કે જેઓને ઇજાના કારણે તેમની સારી એવી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં એક ભાઇને નોકરીમાંથી પાણીચું અપાયુ હોવાની વિગત પણ સામે આવી છે. અન્ય એક વ્યકિતને કરોડરજ્જુમાં બહુ ગંભીર ઇજા પહોંચી છે. તેઓને પણ યોગ્ય આધાર મળ્યો નથી.