ચોટીલાના ચાણપા પાસે એક કાર અચાનક સળગી ઉઠતા માર્ગ પર અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ચોટીલા પાલિકા ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં રહેતા ભાર્ગવભાઈ સુખાનંદી પરિવાર સાથે બ્રેઝા કાર લઈને દ્વારકા ગયા હતા.
જયાંથી તેઓ શનિવારે રાત્રે પરત ફરી રહ્યા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર ચાણપા ગામના પાટીયા પાસે અચાનક કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આથી સમયસુચકતા વાપરી ભાર્ગવભાઈ પરિવાર સાથે કારની બહાર આવતા રહ્યા હતા. અને જોત જોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી. બનાવની જાણ થતા ચોટીલા પાલિકાના ફાયર ફાઈટર સાથે લશ્કરોએ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી.