મોરબીમાં એક ખંડણીખોરની ધરપકડ કરવામાં આવી છે. એક દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માગવામાં આવી રહી હતી અને સમયાંતરે વેપારી પાસેથી રોકડા 5,43,000 સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો અને માર પણ માર્યો હતો અને ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ. ત્યારે આ ગુનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
દુકાનદાર પાસે બળજબરીથી ખંડણી માગવામાં આવતી
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલી સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી અને અન્ય બીજા બે લોકોએ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી કે વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી, તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માગવામાં આવી રહી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાલ રબારીએ રોકડા રૂપિયા 5.46 લાખ પડાવ્યા હતા.
રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો
એટલું જ નહીં ફરિયાદી પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કૂલ રૂપિયા 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો, તેમજ તે યુવાનને ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં અને મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર પણ માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારે યુવાનને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી
આ આરોપી વિશાલ રબારી, સઈદ અક્રમ નરુલ અમીન કાદરી તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.