અન્તવત તુ ફલમ તેષામ તત ભવતિ અલ્પમેઘસામ ।
દેવાનદેવયજ: યાન્તિ મદભક્તા: યાન્તિ મામ અપિ ॥7/23॥
અર્થ : પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે, દેવોને પૂજનારા દેવને પામે છે, પણ મારા ભક્તો તો મને જ પામે છે.
ભગવાન જે લોકો તેમને બદલે અન્ય દેવો કે દેવીઓની પૂજા કરે છે તેમને અલ્પ બુદ્ધિવાળા કહે છે. આમ કહેવાનું કારણ એ છે કે એ દેવો દ્વારા જે ફળ મળે છે તે નાશવંત હોય છે. જ્યારે જે ભક્તો પૂરી શ્રદ્ધાથી તેમને ભજે છે તેમને પ્રભુ જે ફળ આપે છે તે કાયમી અને શાશ્વત હોય છે. એટલે આ શ્લોકના કથન મુજબ આપણે અન્ય દેવોને બદલે માત્ર ભગવાની જ આરાધના કરવી જોઇએ. વળી, બીજા દેવોની પૂજા કરવાથી તેમને અને તેમના લોકને પામી શકાય છે, પરંતુ અમુક સમય બાદ તે લોકમાંથી પાછા ફરવાનું થાય છે અર્થાત્ પાછો પુનર્જન્મ લેવો પડે છે. આ રીતે જોતાં આપને અન્ય દેવને બદલે એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ પૂજા કરવી જોઇએ. બીજું એ કે આ દેવો પાસે ફળ આપવા માટે તેમની પોતાની કોઇ શક્તિ હોતી નથી, પણ તેમને ભગવાને આપેલી શક્તિને આધારે જ તે ફળ આપે છે, તેથી આપણે તે દેવના બદલે ભગવાનને જ પૂજવા એ વધુ યોગ્ય છે.
અવ્યક્તમ વ્યક્તિમ આપન્ન્મ મન્યંતે મામ બુદ્ધય: ॥
પરમ ભાવમજાનંતો મમ અવ્યયમ અનુત્તમમ ॥ 7/24 ॥
અર્થ : અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત્ મન ઇન્દ્રિયોથી પર એવા મને સચ્ચિદાનંદઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઇને વ્યક્ત ભાવને માનનાર માને છે.
આ શ્લોકનું વિશ્લેષણ નીચે મુજબ થશે.
પ્રભુ સર્વશ્રેષ્ઠ છે.
પ્રભુ અવિનાશી છે.
પ્રભુનો ભાવ પરમ છે.
પ્રભુ ઇન્દ્રિયોથી પર છે.
અજ્ઞાની લોકો ઉપરની બાબતો જાણતા નથી અથવા સ્વીકારતા નથી અને ભગવાનના સદાય આનંદ આપનારા સ્વરૂપને ઓળખતા નથી, પણ તેમનેય તુચ્છ માણસ જેવા જ માની લે છે અને ભગવાન પણ મનુષ્યની જેમ બધા જ ભાવ અને લાગણીઓ અનુભવે છે તેવું માનવાની ભૂલ કરી બેસે છે. ટૂંકમાં, લોકો તેમને પણ એક સામાન્ય માનવી ગણી લે છે એવું પ્રભુએ આ શ્લોકમાં બતાવેલ છે તેમ માની શકાય.
આ શ્લોકમાં શ્રી ભગવાને પોતે જ સચ્ચિદાનંદઘન પરત્માનું સ્વરૂપ છે તેવું સ્પષ્ટ કરેલ છે તેમ છતાં જે અજ્ઞાની છે તે તેમના ઉત્કૃષ્ઠ, અવિનાશી અને ઉત્તમ ભાવને જાણતા નથી અને ભગવાનને પણ નિરાકારને બદલે એક મનુષ્યની જેમ સાકાર ગણે છે. ભગવાનને ભજવા માટે કે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા તેમનું કોઇ ચોક્કસ ભૌતિક સ્વરૂપ બનાવીએ તે ઠીક છે, પણ મનથી તો તે નિરાકાર છે તે સત્ય તો આપણે સ્વીકારવાનું જ છે. અહીં આપણે અજ્ઞાની મટીને જ્ઞાની બની પ્રભુના નિરાકાર રૂપને ઓળખીએ તેવું અભિપ્રેત છે.