દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અરિપાલ ત્રાલમાં આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના જવાન પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૈનિક ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ સેનાના જવાનોએ ગોળીબાર કરનાર આતંકીની શોધખોળ શરૂ કરી દીધી છે.
આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા ટેરિટોરિયલ આર્મીના જવાનની ઓળખ મુશ્તાક અહેમદ સોફીના પુત્ર ડેલ્હેર મુશ્તાક તરીકે થઈ છે. ઘાયલ સૈનિક સોફીગુંડ ખાનગુંડનો રહેવાસી છે. એવું કહેવાય છે કે તે ઉત્તર કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે ફરજ બજાવતો હતો અને તેના ગામમાં રજા પર હતો.
આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. સેનાએ આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓના ગોળીબારમાં ઘાયલ જવાનને પગમાં ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
તમને જણાવી દઈએ કે આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનું કાયરતાપૂર્ણ કૃત્ય પહેલીવાર નથી થયું. આ પહેલા બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મી પોસ્ટ પર બે ગ્રેનેડ ફેંક્યા હતા અને તેમાંથી એક વિસ્ફોટ થયો હતો. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પહેલા પણ આતંકીઓએ ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હાલમાં સેનાએ ગોળીબાર કરનારા આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.