થોડા સમય પહેલાં સત્સંગમાં કોઈએ પૂછ્યું, `મેં ઘણા આધ્યાત્મિક ગુરુઓને જોયા છે, પણ હું કોઈની તરફ એટલો આકર્ષિત નથી થયો જેટલો તમારી તરફ થયો છું. તમારામાં એવું શું છે?’
મારી પાસે એવું કંઇ નથી જે તમારી પાસે ન હોય. વાત બસ એટલી જ છે કે આપણને બધાને એક બીજ આપવામાં આવ્યું હતું, જેમાં અસીમિતતાની સંભાવના હતી. મોટાભાગના લોકો ખૂબ સાવચેત અને સારા છે, એટલે તેઓ બીજને સાચવી રાખે છે. મેં તે બીજનો નાશ કર્યો અને તેને વૃક્ષમાં ફેરવી દીધું. જો તમે બીજને વૃક્ષમાં ફેરવવા માંગતા હોવ, તો બીજને જોવું જ પડશે. બીજને બીજ તરીકે જાળવી રાખવું એ મૂર્ખતા છે, પણ દુર્ભાગ્યે, સમાજમાં પોતાને જાળવી રાખવું એ હોશિયારી ગણવામાં આવે છે. પોતાને નષ્ટ થવા દેવું, એક વ્યક્તિ તરીકેની મર્યાદિત સંભાવનાનો નાશ કરવો, એને હોશિયારી નથી માનવામાં આવતી. લોકો ખૂબ હોશિયાર છે, એટલા હોશિયાર કે તેમણે જીવનને પણ છેતર્યું છે.
આપણે બધા એક જ બીજ લઈને આવ્યા છીએ. જોકે, દરેક બીજમાં એકસરખી સંભાવના છે, છતાં બીજ અને વૃક્ષ વચ્ચે એક યાત્રા કરવાની હોય છે. જો તમે બીજને વૃક્ષ બનાવવા માંગતા હોવ તો તમારે તેનું પોષણ કરવું પડશે, તેનું રક્ષણ કરવું પડશે; નિંદામણની કાળજી લેવી પડશે – ખૂબ જ નિંદામણ હોય છે. એ જ મૂર્ખ નિંદામણ લાખો વર્ષોથી માનવજાતને પરેશાન કરી રહ્યું છે. માનવજાત હજુ સુધી તેને કેવી રીતે સંભાળવું તે સમજી શકી નથી. ક્રોધ, તિરસ્કાર, ઈર્ષા, ભય, શંકા જેવી સાધારણ બાબતો – આ એ જ મૂર્ખ નિંદામણ છે જે ખૂબ લાંબા સમયથી ટકી રહ્યું છે કેમ કે નિંદામણને કોઈ પોષણ કે રક્ષણની જરૂર નથી પડતી – તે તો આપોઆપ ઊગી નીકળે છે. પણ જો તમે પવિત્ર બીજને અંકુરિત થવા અને વિકસવા દેવા માંગતા હોવ, તો તમારે જગ્યાને નિંદામણ મુક્ત કરવી પડશે, જમીનને ખેડવી પડશે, ખાતર નાખવું પડશે અને એ વાતની ખાતરી કરવી પડશે કે પૂરતા પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ તેના સુધી પહોંચે.
અમેરિકામાં ઈશા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈનર-સાયન્સિસ છે. એટલે કે “iii”. આ ત્રણ ‘I’ શું દર્શાવે છે? એક છે ઈન્સ્ટ્રક્શન (સૂચના). બીજું છે ઈન્ટેગ્રિટી (પ્રામાણિકતા) અને ત્રીજું છે ઈન્ટેન્સિટી ઓફ પર્પઝ (ઉદ્દેશ્યની તીવ્રતા). સૂચનાઓને ધ્યાનથી જોઈ તેને વળગી રહો. પછી આવે છે પ્રામાણિકતા. તમને આપવામાં આવેલી કોઈપણ આધ્યાત્મિક પ્રક્રિયા સમાવેશિતા તરફ દોરી જાય છે. જો તમે પોતાને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તે પ્રામાણિકતાનો અભાવ છે. અત્યારે, તમે એ હવા શ્વાસમાં લઈ રહ્યા છો જે બીજા લોકો છોડી રહ્યા છે. જો તમે કહો કે, `મને આ ગમતું નથી, આ ગ્રહ પર અન્ય કોઈ પ્રાણીએ શ્વાસમાં લીધેલી હવાનો એક અંશ પણ હું નહીં લઉં,’ તો તમે મરી જશો. આમ, જ્યારે જીવન ટકાવવાની વાત આવે છે ત્યારે તમે ખૂબ સમાવેશક છો. શરીરમાં તમે સમાવેશક છો, મનમાં તમે બધું અલગ કરો છો. આ પ્રામાણિકતાનો અભાવ છે.
ત્રીજો `I’ છે હેતુની તીવ્રતા – આ આખી પ્રક્રિયા પોતાને મોટા બનાવવા માટે નહીં, પણ પોતાને શૂન્યતામાં વિલીન કરવા માટે છે, કેમ કે તમે જે શોધી રહ્યા છો તે વિશાળતા નહીં પણ અસીમિતતા છે. તમે વિશાળ બનીને અસીમ નથી બનતા. `વિશાળ’ હજુ પણ સીમા ધરાવે છે. બસ જ્યારે તમે શૂન્ય બનો છો ત્યારે જ તમે અસીમ બનો છો. તો આનો ઉપયોગ પોતાને મહાન બનાવવા માટે ન કરો. આનો ઉપયોગ વિલીન થવાની પ્રક્રિયા તરીકે કરો.