યજ્ઞદત્ત શેઠ વારાણસી નગરીમાં રહેતા હતા. ધનશ્રી એમની પત્ની હતી. શેઠનો વ્યાપાર બહોળો હતો. દેશ-પરદેશ સાથે એમનો વ્યાપાર ચાલતો. એમને એક દીકરો હતો નાગદત્ત, એ પણ પોતાના પિતાના પગલે ચાલનારો હતો. સાહસિકતામાં અજોડ હતો. પિતાના ધંધાને વધારવા માટેના એના સતત પ્રયાસો રહેતા.
એ સમયે એક વાક્ય પ્રચલિત હતું. ડાહ્યા દીકરા પરદેશ ખેડે. જે દીકરામાં `વેતા’ ન હોય એ જ બાપના પડછાયામાં બેસી રહે. બાકી થોડા ઘણા અંશે પણ સમજદારી, વ્યાપારની કુનેહ હોય એવા માણસો પરદેશના ધંધામાં જ રસ લેતા હોય. આજે પણ આપણે જોઇએ જ છીએને કે પરદેશનો ધંધો `એક્સપોર્ટ’ના ધંધામાં લોકોને રસ વધારે પડે છે. ભલેને પછી ક્યારેક માલના દશ ટકામાં રડવાનો વારો આવે એવું પણ થાય.
જોકે, એ સમયે તો રોકડાના ધંધા હોય એટલે આવું થવાની સંભાવના ઓછી રહેતી. એક વખતની ઘટના છે. એ સમયે નાગદત્ત કોઈ વહાણમાં બેસીને પરદેશથી પાછો આવી રહ્યો હતો.
દરિયાનાં ઊછળતાં મોજાંની સાથે સુમેળ સાધતું વહાણ આગળ ધસી રહ્યું છે. કપ્તાનની કુશળતા પણ જોવા મળે. દરિયાના જીવોના ઝુંડ જોવા મળતા હોય. ચારે દિશામાં અંતવિહીન જળનાં દર્શનનો આનંદ માણી રહ્યા છે. વહાણમાં બેસેલો દરેક વ્યક્તિ આનંદપૂર્વક પોતાનો પ્રવાસ આગળ વધારી રહ્યો છે અને અચાનક વહાણ એક જગ્યાએ અટક્યું.
અટક્યું તો શું, પણ ફસાઈ ગયું. ફસાયું તો એવું કે આગળ વધવાની જગ્યા જ દેખાતી નથી. કપ્તાનની કુશળતા પણ અત્યારે કામ આવતી નથી. વહાણનો કપ્તાન વહાણને ચલાવવા મહેનત કરે છે, પણ વહાણ મચક આપતું નથી.
વાત એવી બનેલી કે એક પહાડની તળેટીમાં વહાણ એવું ફસાઈ ગયેલું કે આગળ જઇ શકાય એવું નહોતું. હવે તો જોરદાર વાવાઝોડા જેવો પવન આવે તો જ વહાણ ચાલે એમ છે, પણ હવે એના માટે શું કરવું. આપણા કહેવાથી તો વાવાઝોડું આવે નહીં.
ના, પણ એનો પણ ઉપાય તો છે જ. પહાડ ઉપર મોટી પાંખવાળા ભારંડ પક્ષી હોય છે. એ બધાં એકસાથે પાંખો ફફડાવતાં ઊડે તો પવન કામ કરી શકે. કપ્તાને બધાને બોલાવી જાહેરાત કરી એ પહાડ ઉપર ચઢીને ભારંડ પક્ષીને ઉડાડે એને સો સોનામહોર આપવાની, બોલો કોની તૈયારી છે? પણ કોઈ પહાડની ઉપર જવા તૈયાર નથી. નાગદત્તે બીડું ઝડપ્યું. પર્વત ઉપર હું ચઢીશ અને ભારંડ પક્ષીઓને ઉડાડવાનું કામ હું કરીશ. કપ્તાને કહ્યું, હું તને સો સોનામહોર આપીશ.
નાગદત્ત પર્વત ઉપર ચઢ્યો. ભારંડ પક્ષીઓનો સમૂહ શાંતિથી બેઠેલો હતો. યુક્તિ-પ્રયુક્તિથી એમને ઊડવા માટે પ્રોત્સાહિત કર્યાં. પાંખો ફફડાવે છે એના કારણે ભયંકર વાવાઝોડા જેવો પવન આવે છે, એના કારણે પેલું વહાણ ફસાયેલું હતું એ બહાર નીકળે છે અને સડસડાટ દોડે છે.
આ બાજુ નાગદત્ત પહાડ ઉપર એકલો રહી ગયો છે. તમે વિચાર કરો કશું ખાવા પીવાનું ન હોય, કોઈ માણસ તમારી સાથે વાત કરનાર ન હોય અને માત્ર એક જ જણને રહેવાનું હોય તો માણસ કેવી રીતે રહી શકે? નાગદત્ત પણ આવો જ વિચાર કરે છે. ભૂખ અને તરસથી રિબાઈને મરવા કરતાં સમુદ્રમાં ડૂબીને મરવું વધારે હિતાવહ. ભૂખ-તરસથી બે-ચાર દિવસ પછી મરવા કરતાં સમુદ્રમાં ઝંઝાવાત કરવો પ્રમાણમાં ઓછું કષ્ટદાયક છે.
બીજો કોઈ વિચાર તો કરવાનો નથી. તરત જ વિચારનો અમલ કર્યો. પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરીને એણે પર્વત ઉપરથી જ પડતું મૂક્યું.
ઘણી વખત આપણી વિચારધારા કરતાં કુદરતનો નિયમ કંઇક અલગ હોય છે. ક્યારેક આપણી કલ્પનાનો જ્યાં અંત આવતો હોય ત્યાંથી જ કુદરતની કરામત ચાલુ થતી હોય છે. પર્વત ઉપરથી નાગદત્ત સીધો દરિયામાં પડ્યો. મોટો ધુબાકો થયો. પાણી ઉછળ્યું. એ સમયે એક અણધારી ઘટના બની. ત્યાં એક મોટું મત્સ્ય (માછલું) આવ્યું. એનું વિશાળ મુખ ખૂલ્યું અને નાગદત્ત સીધો જ એના મુખમાં ઘૂસી ગયો.
એ તો એમ જ સમજે છે `આપણું’ આયુષ્ય પૂરું થઇ ગયું! અર્ધબેભાન અવસ્થામાં એ માછલાના પેટમાં પડ્યો છે. માછલું સમુદ્રમાં તરતા કાંઠા તરફ ગયું. સાવ કાંઠે આવીને એણે મોં ખોલ્યું.
નાગદત્તમાં કંઇક ચેતન આવ્યું. વિચાર તો કરે હું ક્યાં છું. આજુબાજુમાં અંધારું છે, એટલામાં માછલાનું મોં ખૂલ્યું. ત્યાંથી થોડો ઘણો પ્રકાશ દેખાયો. એણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને હેમખેમ બહાર નીકળી આવ્યો.
બહાર નીકળીને એ વિચાર કરે છે, હું ક્યાં આવ્યો છું? ફળો ખાઈ અને શીતલ મધુર જલપાન કરીને શરીરમાં થોડી ચેતના લાવી દીધી છે. મગજ પણ વિચાર કરવાને સક્ષમ બન્યું છે. હવે એ વિચારે છે, હું ક્યાં આવ્યો છું?
થોડે દૂર એક ગામ દેખાય છે, ત્યાં પહોંચીને આ પ્રદેશનો પરિચય કરવાનો વિચાર કરીને એ આગળ વધે છે. ગામમાં ભોજનાદી કરીને પોતાના ગામ તરફ એ પ્રયાણ કરે છે. ફરતો ફરતો એ પોતાના ગામમાં આવે છે. કેવી રીતે આવ્યો, કેવાં કેવાં કષ્ટો સહન કર્યાં એ બધી વાતો એણે મિત્રોને કરી. એ નગરમાં એક પ્રિયમિત્ર નામનો શેઠ રહેતો હતો. એની નાગવસુ નામની દીકરી હતી. રૂપ, ગુણ અને શીલમાં એ અદ્વિતીય હતી. એણે નાગદત્તની કીર્તિ યશોગાન સાંભળ્યાં. એણે મનમાં નિર્ણય કર્યો પરણવું તો નાગદત્તને જ. આ બાજુ એ જ નગરમાં વસુદેવ નામનો કોટવાલ હતો. નાગવસુને જોયા પછી એના મનમાં પણ નાગવસુને મેળવવાની ઝંખના જાગી.
એક જ વ્યક્તિ માટે જ્યારે બે ઉમેદવારો હોય ત્યારે જાતજાતના પ્રશ્નો ઊભા થતા હોય છે. જોકે, નાગદત્તના મનમાં એવો કોઈ ભાવ નથી, પણ વસુદેવને એવું લાગે છે કે મારા માર્ગમાં નાગદત્ત કાંટો છે. આ કાંટાને કાઢવા મારાથી બનતા બધા જ પ્રયત્નો મારે કરવા જોઈએ. વિચાર કરે ત્યારે માણસને સારો કે નરસો ઉપાય તો મળી જ આવે.
એક વખતની વાત છે. રાણી જે માર્ગે ગયેલા એ જ માર્ગ ઉપરથી નાગદત્ત પસાર થતો હતો. રસ્તામાં એણે રાણીના કાનનાં કુંડલ પડેલાં જોયાં. અત્યંત કીમતી-મૂલ્યવાન એ કુંડલ હતાં. કોઈ પણ માણસને એ લેવાનું મન થયા વગર રહે નહીં.
આ તો નાગદત્ત હતો. એને બીજાની વસ્તુ નહીં લેવાની પ્રતિજ્ઞા હતી. એના તરફ નજર પણ કર્યા વગર એ આગળ નીકળી ગયો. યોગાનુયોગ એની પાછળ વસુદેવ આવે છે. એણે પેલાં કુંડલ જોયાં. એને ખ્યાલ આવી ગયો કે આ તો રાણીનાં જ છે. એણે લઇ લીધાં અને આગળ વધ્યો. જંગલમાં એક વૃક્ષની છાયામાં નાગદત્ત ધ્યાનમાં ઊભો હતો. વસુદેવે નાગદત્તને જોયો. એને નાગવસુ યાદ આવી. સમયનો સદુપયોગ કરે એને જ સિદ્ધિ મળે. સમય સામે ચાલીને મારી પાસે આવ્યો છે. જો અત્યારે સમયનો સદુપયોગ હું ન કરું તો ગાંડો ગણાઉં.
એણે કોઈ પણ જાતનો લાંબો વિચાર કર્યા વગર રાણીનાં કુંડલ નાગદત્તના કપડાના છેડા સાથે બાંધી દીધાં. (એ સમયે લોકો ખેસ રાખતા) અને જાણે કશું જ બન્યું નથી એ રીતે ત્યાંથી આગળ વધી ગયો.
એને રાજા મળ્યા. રાણી વિચાર કરતાં હતાં કે મારાં કુંડલ ક્યાં પડી ગયાં? એમણે કોટવાલ વસુદેવને પૂછ્યું, માર્ગમાં ક્યાંય કુંડલ પડેલાં જોયાં? એણે કહ્યું, મારી આગળ નાગદત્ત ચાલતો હતો, શાયદ એણે લીધા હોય. એ રસ્તામાં જ કોઈ વૃક્ષની છાયામાં ઊભો હતો. રાણીએ તપાસ કરાવવા સૈનિકો મોકલ્યા. નાગદત્ત હજુ ધ્યાનમાં જ ઊભો હતો. એે તો બિચારાને આ વાતની કાંઈ ખબર જ નથી. એ તો પોતાના ધ્યાનમાં જ મસ્ત અને વ્યસ્ત છે.
સૈનિકોએ આવીને તપાસ કરી. આગળ પાછળથી આવીને જોતાં નાગદત્તના ખેસના છેડા સાથે કંઇક બાંધેલું જોયું. એમણે ખોલીને જોયું તો રાણીનાં એ જ કુંડલ હતાં કે જે રાણી રોજ પહેરતાં હતાં.
હવે સૈનિકોને પણ કંઇ વિચારવાનું હતું નહીં. એટલામાં એનો ધ્યાનનો સમય પૂરો થયો. પોતાની આસપાસમાં સૈનિકોને જોયા. એને લાગ્યું કંઇક ગરબડ છે. સૈનિકોને પૂછ્યું શું થયું?
`રાણી તમને બોલાવે છે. તરત જ એને રાણી પાસે લઇ ગયા. વાત કરી આ માણસના ખેસના છેડામાં કુંડલ બાંધેલાં હતાં.’
રાણીએ પૂછ્યું, તમને આ કુંડલ ક્યાંથી મળ્યાં? નાગદત્તને આખી વાત મગજમાં આવી ગઈ. આ કોઇ કાવતરું છે જે હોય તે એણે જવાબ આપ્યો. માર્ગમાં મેં કુંડલ જોયેલાં પણ લીધાં ન હતાં. મારા ખેસ સાથે કોણે બાંધ્યાં એ મને ખબર નથી.
સાચું બોલ નહીં તો શૂળીએ ચઢવું પડશે.
એણે કહ્યું મારે કોઈની વસ્તુ નહીં લેવાનો નિયમ છે. એટલે મેં એની સામે નજર પણ કરેલી નહીં.
તો તારી પાસે ક્યાંથી આવ્યા? રાજાને ગુસ્સો આવશે તો હમણાં જ શૂળી ઉપર ચઢાવી દેશે.
નાગદત્તને શૂળી ઉપર ચઢાવતા હતા ત્યાં જ શૂળીના ટુકડા થઇ ગયા. બે-ત્રણ વાર પ્રયાસ કરવા છતાં આ જ ઘટના બની. રાજા વિચારમાં પડ્યો. એ સમયે આકાશમાં દેવવાણી થઇ, નાગદત્ત નિર્દોષ છે, ચોર તો તમારી પાસે શાહુકાર થયો એ જ છે.
તપાસ કરતાં સાચી હકીકત પ્રગટ થઇ. વસુદેવનો દેશનિકાલ કર્યો નાગદત્તનું સન્માન કરવામાં આવ્યું. કોઈની પણ વસ્તુને નહીં લેવાના નિયમે નાગદત્તને બચાવ્યો. આપણે પણ આવા નિયમનું પાલન કરીએ તો આપણો પણ આવો જયકાર થાય.