અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારથી જ તેઓ ચર્ચામાં છે. જો કે હજી સત્તાવાર રીતે શપથ લેવાના બાકી છે પરંતુ દેશની નીતિઓને લઇને તેઓ આગામી યોજનાનું પણ પ્લાનિંગ કરી ચૂક્યા છે. એવામાં તેમણે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોને ગર્વનર કહીને સંબોધ્યા. આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે. આવો જાણીએ સમગ્ર વિગત.
ટ્રમ્પે ટ્વિટ કરીને ટ્રૂડોને ગર્વનર કહ્યા
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડો સાથે રાત્રિભોજન કરીને આનંદ થયો. હું ટૂંક સમયમાં ફરીથી ગર્વનરને મળવા માંગુ છું જેથી અમે ટેરિફ અને વેપાર પર અમારી ચર્ચા ચાલુ રાખી શકીએ. તેના પરિણામો ઉત્તમ રહેશે. ટ્રમ્પની આ પ્રતિક્રિયા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ટ્રમ્પે ટ્રુડોને ગવર્નર કેમ બોલાવ્યા? ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રુડો હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પે ટ્રુડો સાથે તેમના નિવાસ સ્થાન માર-એ-લાગોમાં ડિનર પણ લીધું હતું.
કેનેડાના પીએમએ ટ્રમ્પ સાથે કેમ કરી મુલાકાત ?
ટ્રમ્પે ડિનર દરમિયાન ટ્રુડોને ઓફર કરી હતી કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવું જોઈએ. જો કે આ ઓફર મજાકમાં આપવામાં આવી હતી. પરંતુ ટ્રુડો આ સાંભળીને અસ્વસ્થ થઈ ગયા અને હસવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે ટ્રુડોએ ટ્રમ્પની એ જાહેરાત બાદ અમેરિકાની મુલાકાત લીધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે શપથ લીધા બાદ તેઓ અમેરિકામાં આયાત થતા કેનેડિયન ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લગાવશે. ટ્રમ્પે કહ્યું હતું કે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્સને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે ટ્રુડો આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ટ્રુડોએ ટ્રમ્પને શું કહ્યું?
આ દરમિયાન ટ્રુડોએ ટ્રમ્પને કહ્યું હતું કે અમેરિકાના આ પ્રસ્તાવિત ટેરિફ કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે. તેના પર ટ્રમ્પે કથિત રીતે કહ્યું હતું કે જો કેનેડા આ ટેરિફનો માર સહન ન કરી શકે તો તે અમેરિકાનું 51મું રાજ્ય બનવું જોઈએ અને ટ્રુડો તેના ગવર્નર બની શકે છે.
સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે ટ્રોલ
ટ્રુડોને લઈને ટ્રમ્પની આ પ્રતિક્રિયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર લોકો ટ્રુડોની મજાક ઉડાવી અને ટ્રમ્પની પીઠ થપથપાવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોને ગ્રેટ સ્ટેટ ઓફ કેનેડાના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. જો કેનેડા અમેરિકાનો હિસ્સો બનશે તો તે વિશ્વનો સૌથી મોટો દેશ બનશે અને આ રીતે તે આ મામલે રશિયાને પાછળ છોડી દેશે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે ટ્રમ્પે ટ્રુડોને ટ્રોલ કર્યા છે. તેમને રાજ્યપાલ તરીકે બોલાવ્યા. શું આ પૃથ્વી પર કોઈને ટ્રુડો પસંદ નથી?