મધ્યમા અથવા વચ્ચેની આંગળી કે જેને શનિની આંગળી કહેવાય છે. ખાસ કરીને આ આંગળી અન્ય કરતાં કંઈક લાંબી હોય છે.
શનિની આંગળીના ગુણ : ડહાપણ અને ગાંભીર્ય, વહેમ અને શંકાશીલતા, શોક અને દુ:ખ, મનસંયમ અને ઈન્દ્રિયનિગ્રહ.
જો આ આંગળી ઘણી લાંબી અને ભરાવદાર હોય તો તેવા માણસો ઉપર દરેક બાબતની અસર બહુ જ જલદી થાય છે. તેમની કલ્પનાશક્તિ બહુ જ થોડી હોય છે. દરેક બાબતમાં નસીબ ઉપર આધાર રાખનાર, નાની નાની બાબતમાં શંકાશીલ, થોડી પણ નિષ્ફળતા મળે કે નિરાશા અને ખોટી આશાના મિનારા બાંધતા હોય છે.
જો આંગળી ચપટીs અને દબાઈ ગયેલી હોય તો આવા માણસો ખારવૃત્તિના અને ખરાબ સ્વભાવના હોય છે. આ આંગળીનો આગળનો ભાગ ચોરસ હોય તો ગંભીર સ્વભાવ હોય છે. તેમાંય જો આંગળી ગાંઠદાર હોય તો ગણિતશાસ્ત્રનું સારું જ્ઞાન ધરાવે છે. જો આંગળી અર્ધ ગોળાકાર હોય તો કલ્પનાશક્તિ સારી હોય છે તેમજ કળામાં પણ કંઈક રસ ધરાવે છે.
આગળથી અણીદાર આંગળીવાળા છીછરા સ્વભાવના, વિશ્વાસ નહીં કરવા લાયક હોય છે. તેમાંય જો અંગૂઠો નાનો હોય તો નાલાયક અને બિનવિશ્વાસુ હોય છે.
જો આંગળી અણીદાર હોય અને અંગૂઠો નાનો હોય અને શુક્રનો પર્વત ઉઠાવદાર હોય તો બેપરવા, રખડેલ અને વિષયવાસનામાં જ રચ્યાપચ્યા રહેનાર હોય છે.
આ આંગળી બહુ જ જાડી હોય તો પુષ્કળ વહેમી હોય છે અને મનમાં ખોટા તર્કવિતર્ક કરીને જીવનમાં કંઈ જ કરી શકતા નથી. જ્યાં ને ત્યાં તેમને અવિશ્વાસ જ દેખાતો હોય છે.
જો આ આંગળી ચપટી અને ગોળ તથા બીજી આંગળીઓના પ્રમાણમાં લાંબી હોય તો તેમનામાં શારીરિક તેમજ માનસિક ચપળતા સારી હોય છે. ટૂંકી આંગળીવાળા અલ્પબુદ્ધિના હોવાથી જીવનમાં દુ:ખી થાય છે. આંગળી વાંકીચૂકી હોય તેનું સ્વાસ્થ્ય સારું હોતું નથી.
શનિની આંગળીનો પ્રથમ વેઢો બીજા વેઢા કરતાં લાંબો હોય તો તે માણસ અંધશ્રદ્ધાળુ અને ઉદાસીનવૃત્તિનો હોય છે. જો બીજો વેઢો લાંબો હોય તો યાંત્રિક કામો તથા ખેતીવાડીમાં કુશળ હોય છે અને જો ત્રીજો વેઢો લાંબો હોય તો વાચાળ હોય છે, લોકપ્રિય હોય છે. જો આ આંગળી પર વાંકીચૂકી રેખાઓ હોય તેમજ શનિના પર્વત પર આડી રેખાઓ હોય તો તેમના જીવનમાં ઘણા અશુભ બનાવો બને છે. પહેલા વેઢા પર ઊભી રેખાઓ પડી હોય તો તેમના જીવનમાં ઘેલછા વિશેષ હોય છે અને વારેઘડીયે જિંદગીથી કંટાળી જાય છે.
જો ચોકડી હોય તો ભયંકર બનાવો જિંદગીમાં બને છે અને જો બીજા વેઢા પર તારક હોય તો અનિવાર્ય ગુનાહિત કૃત્યની આગાહી છે.